World

ઈરાનના પાડોશી દેશ ઈરાકમાંથી સપ્ટેમ્બર સુધી અમેરિકી સેનાની સંપૂર્ણ વિદાય

નવા તબક્કામાં પ્રવેશશે બંને દેશોના સંબંધો

અમેરિકા અને ઈરાક વચ્ચે મહત્વપૂર્ણ સુરક્ષા અને રાજદ્વારી નિર્ણય સામે આવ્યો છે. ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદીએ જાહેરાત કરી છે કે 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં અમેરિકી સૈન્ય સંપૂર્ણપણે ઈરાકમાંથી પરત ફરી જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઇટ હાઉસમાં યોજાયેલી બેઠક દરમિયાન કહ્યું કે હવે ઈરાકમાં અમેરિકી સૈન્યની જરૂરિયાત રહી નથી અને બંને દેશો હવે સુરક્ષા કરતાં આર્થિક ભાગીદારીને વધુ પ્રાધાન્ય આપશે.

હાલ સુધી અમેરિકાના અંદાજે 2,500 સૈનિકો ઈરાકમાં આતંકવાદ વિરોધી અભિયાન અને સુરક્ષા સહયોગ માટે તૈનાત હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમની સંખ્યા સતત ઘટતી રહી છે. હવે સપ્ટેમ્બર અંત સુધીમાં તમામ અમેરિકી દળો પરત ફરશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઈરાક સરકારે આ નિર્ણયને દેશની આંતરિક સુરક્ષા સાથે જોડ્યો છે. ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોને નિઃશસ્ત્ર બનાવવાની પ્રક્રિયા આગળ વધી રહી છે અને સરકારનું કહેવું છે કે હવે દેશની સુરક્ષા માટે સ્થાનિક દળો પૂરતા સક્ષમ બની રહ્યા છે.

ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદીએ જણાવ્યું કે, “30 સપ્ટેમ્બર બાદ અમેરિકી સૈનિકો નહીં, પરંતુ અમેરિકી કંપનીઓ ઈરાકમાં આવશે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હવે બંને દેશો વચ્ચેનો સંબંધ સૈન્ય સહયોગથી આગળ વધી વેપાર, ઊર્જા અને રોકાણ તરફ કેન્દ્રિત થશે.અમેરિકા અને ઈરાક વચ્ચે તેલ, ગેસ અને વીજળી ક્ષેત્રમાં મોટા રોકાણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. અહેવાલો મુજબ બંને દેશો વચ્ચે વિશાળ આર્થિક ભાગીદારીની જાહેરાત થવાની સંભાવના છે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આવા સંજોગોમાં ઈરાકમાંથી અમેરિકી સેનાની વાપસી સમગ્ર વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકી સેનાની વિદાય બાદ ઈરાક પોતાની આંતરિક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, જ્યારે અમેરિકા આર્થિક રોકાણ અને રાજદ્વારી સહકાર દ્વારા પોતાની હાજરી જાળવી રાખશે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય મધ્યપૂર્વના રાજકીય અને સુરક્ષા સમીકરણોમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.

Most Popular

To Top