Dakshin Gujarat

વલસાડમાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

વલસાડ: કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ હવે ગુજરાત રાજ્યમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે આ વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં અનેક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે વલસાડમાં વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી
વલસાડમાં ગઇકાલે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઈને લોકોને બફારા સાથે ઉકળાટનો પણ અહેસાસ થયો હતો. જો કે વહેલી સવારે પડેલા વરસાદના પગલે લોકો આનંદમાં આવી ગયા હતા. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. વહેલી સવારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વરસાદે વધારી ખેડૂતોની ચિંતા
આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે વરસી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વલસાડ જીલ્લામાં સૌથી વધુ કેરીનો પાક થાય છે. પરંતુ આ વરસાદી વાતાવરણનાં પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. મહત્ત્વનું છે કે વલસાડમાં થોડા દિવસ અગાઉ પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે આજે ફરી વરસાદ પડતાં જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે.

ગત મંગળવારે પણ વરસ્યો હતો ધોધમાર વરસાદ
મહત્ત્વનું છે કે વલસાડમાં ગયા મંગળવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સમયે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે મંગળવારના રોજ વહેલી સવારથી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈ RPF ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજલાઈન પર ડાળી પડતાં આજુબાજુના 4 વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. જેથી વીજપ્રવાહ ખોરવાતાં આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાયો હતો.

સુરતનાં આકાશમાં પણ વાદળો છવાયા
સુરતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી સુરજ દાદા વાદળોની વચ્ચે સંતાકુકડી રમી રહ્યા છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે ગરમીમાં તો ઘટાડો થયો છે પરંતુ બફારો અને ઉકળાટ વધી ગયો છે.

Most Popular

To Top