SURAT

CMના કાર્યક્રમમાં ફેરફાર, હવે 28મી જાન્યુઆરીએ સુરત આવશે

સુરત: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ 27મી જાન્યુઆરીના રોજ સુરત (Surat) આવવાના હતા. જો કે, હવે તેનો કાર્યક્રમ બદલાયો છે. હવે આગામી 28મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી સુરત આવશે. આ દિવસે એક સમૂહલગ્નમાં પણ મુખ્યમંત્રી હાજર રહેવાના હોવાથી તારીખ બદલાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે મનપા અને સુડાના મળીને કુલ 2416 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આઠ વર્ષથી ટલ્લે ચડેલા સુરત મહાનગર પાલિકાના મુખ્ય વહીવટી ભવન, મોટા વરાછામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરથાણામાં વોર્ડ ઓફિસ, વાંચનાલય તથા 60 કરોડમાં 13 મેગાવોટ ક્ષમતાના સોલાર ફોટોવોલ્ટેજ બેઝ્ડ પાવર પ્લાન સ્થાપિત કરવાનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે વેસુમાં 9.46 કરોડમાં 109 લાખ લીટરની અંડર ગ્રાઉન્ટ ટાંકી બનાવવાના તથા લિંબાયતમાં સુમન શાળા બનાવવાનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો ભાઠેના સુએઝ પમ્પિંગ સ્ટેશનથી ખરવરનગર તથા ખરવરનગરથી જીવન જ્યોત બ્રિજ સુધી કોયલી ખાડી રિમોડલિંગ અને રિસ્ટ્રક્ચરિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ઉપરાંત જાહેર પરિવહન સેવાના ભાગરૂપે બીજા તબક્કાની ઇલેક્ટ્રિક બસોનું મગોબ ડેપો ખાતેથી ઓપરેશન શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત શહેરમાં નવી 27 ઇલેક્ટ્રિક બસો દોડતી થઇ જશે. જેને સી.એમ. લીલી ઝંડી આપશે. જ્યારે 293 કરોડના ખર્ચે સાકાર થઇ રહેલા જહાંગીરપુરા-પીસાદના 1290 આવાસ અને ટી.પી. 44 જહાંગીરાબાદ એફ.પી. 6 ખાતે 984 આવાસ, ટી.પી. 28 (અલથાણ-ભટાર), એફ.પી. 136 ખાતે 300 આવાસ તથા ટી.પી. 8 ઉમરવાડા એફ.પી. 6 પૈકીમાં સાકાર થયેલી લાઇબ્રેરી, સેન્ટ્રલ ઝોનમાં મુગલીસરા સામે ફાયર સ્ટાફ ક્વાટર્સ, લિંબાયતમાં બે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવશે.

Most Popular

To Top