Gujarat

માર્ગો, રસ્તાઓની કામગીરીમાં કોઈ ઢીલાશ ચલાવી લેવાશે નહીં: દાદા

ગાંધીનગર: આગામી ૧૨થી ૧૪મી જૂન દરમ્યાન ગુજરાત (Gujarat) પર વાવાઝોડાનો (Storm) ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે વરસાદની બદલાતી પેટર્નને ધ્યાને રાખીને મનપા દ્વારા મોન્સુન મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવે તે જરૂરી છે, તેવું સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે આજે સુરત સહિત ૮ મનપાના કમિશ્નરો સાથેની વીડિયો કોન્ફરસન્માં તાકિદ કરતાં જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મનપાના મ્યુનિ. કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપાએ પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે. તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી. ખાસ કરીને માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢીલાશ ચલાવી લેવાશે નહિં તેવી તાકીદ કરતાં કહ્યું હતું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઇ ક્ષતિ ઊભી થાય તો સંબંધિતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્યો હતો.

આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરો દ્વારા પોતાના મહાનગરોમાં કરેલા આયોજનોની વિસ્તૃત વિગતો અપાઈ હતી. જેમાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી, 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતાં.

Most Popular

To Top