Gujarat

રાજકીય ઉથલપાથલ: CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પક્ષ પ્રમુખ અને આગેવાનોની મહત્વની બેઠક 

અમદાવાદ: (Ahmedabad) ચૂંટણી (Election) પહેલા ભાજપની (BJP) કોર કમિટીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપની નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યૂટી CM નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરા, આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા જેમા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો સમાવેશ થયો હતો. જોકે આજે ફરી ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો ઓ તેવી શક્યતા જણાઈ રહી છે. ભાજપના સંકટમોચક ગણાતા બી.એલ. સંતોષ (B L Santosh) દિલ્હીથી ગુજરાત પહોંચ્યા છે. આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), પક્ષ પ્રમુખ પાટીલ અને કોર કમિટીના સભ્યો સાથે તેઓ મહત્વની બેઠક કરશે. કોઈ મોટો ઘટસ્ફોટ થાય તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.

ભાજપમાં પહેલા 12 સભ્યોની કોર કમિટી હતી હવે આ કોર કમિટીમાં 6 સભ્યો વધારવામાં આવ્યા છે. જે પ્રકારે હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેને લઈને મોટા ફેરબદલ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે બે બે મોટા મંત્રીઓ પાસેથી તેમના પદ છીનવાયા છે. બીજી તરફ સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે બી.એલ.સંતોષની મુલાકાત અને સીએમ સાથેની બેઠક બાદ ગુજરાતના રાજકારણની સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે.

બી એલ સંતોષની ગુજરાત મુલાકાત અગાઉ જ બે કેબિનેટ મંત્રીઓ પાસેથી તેમના મહત્વના વિભાગ છીનવાઈ ગયા છે, ત્યારે તાત્કાલિક તેઓના અમદાવાદ પહોંચી સંગઠનના વિવિધ સભ્યો સાથે મુલાકાત કરવા બાબતે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ભાજપ સંગઠનના બી.એલ. સંતોષ ગુજરાત મુલાકાતે છે ત્યારે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં વધુ મોટા ફેરફાર શક્ય છે.

આ તરફ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અમદાવાદની મુલાકાત બાદ રાજકોટની મુલાકાત લે તેવી શક્યતા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળવાની છે. આ બેઠકમાં બી.એલ.સંતોષ સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોની સમીક્ષા કરશે. જેમાં સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને મનપાના હોદ્દેદારો હાજર રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાજપની પરિસ્થિતિનો તાગ મેળવવા કેટલાક ચોક્કસ આગેવાનો સાથે પણ બંધ બારણે બેઠક કરી મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Most Popular

To Top