Comments

તાઈવાનના મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે?

ભારતની દુ:ખતી નસ આઝાદ કાશ્મીર છે, તેમ ચીનની દુ:ખતી નસ તાઈવાન છે. તાઈવાન એક ટાપુ છે પણ તે ચીનની તદ્દન નજીક આવેલો છે. તાઈવાન પોતાને સ્વતંત્ર દેશ માને છે પણ ચીન તેને પોતાનો એક ભાગ માને છે. તાઈવાન 1949માં ચીનથી અલગ થઈ ગયું, તે પછી ચીનની ઇચ્છા તાઈવાન પર હુમલો કરીને તેને જીતી લેવાની હતી પણ તેને અમેરિકાની શરમ નડતી હતી. અમેરિકાના પ્રમુખ જો બાઇડને તાજેતરમાં જાપાનમાં ક્વાડ દેશોની શિખર પરિષદમાં ધમકી આપી હતી કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા લશ્કરી પગલુ ભરશે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને પગલે ચીન પણ તાઈવાન પર આક્રમણ કરવા અધીરું બન્યું છે પણ તેને અમેરિકાનો ડર સતાવી રહ્યો છે. તેવી જ રીતે ભારત પણ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લશ્કર મોકલીને તેને ભારતમાં ભેળવી દેવા અધીરું બન્યું છે. જો ચીન, ભારત અને રશિયા ભેગા મળીને પોતાનું ધાર્યું કરવા માંડે તો અમેરિકાનું જગતના જમાદારનું પદ જોખમાઈ જાય તેમ છે.

સિંગાપોરમાં ચાલી રહેલી શાગ્રિલા મંત્રણામાં અમેરિકાના અને ચીનના સંરક્ષણ પ્રધાનો સામસામે આવી ગયા હતા. તેમાં ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ વેઈ ફેંગેએ સોઈ ઝાટકીને કહ્યું હતું કે ‘‘જો કોઈ તાઈવાનને ચીનથી અલગ પાડવાની કોશિશ કરશે તો યુદ્ધનો ખતરો ઉઠાવીને પણ ચીન તેનો પ્રતિકાર કરશે.’’ ચીનના સંરક્ષણ પ્રધાનનું આ નિવેદન વિશ્વના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલનો નિર્દેશ છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી જ રહી હતી, જે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ કરી હતી.

યુક્રેનના યુદ્ધ પછી ચીને અમેરિકાનું અર્થતંત્ર ખોરવી કાઢવા શાંઘાઈમાં કોરોનાના બહાને લોકડાઉન નાખી દીધું છે. જો હવે અમેરિકા તાઈવાનને શસ્ત્રો આપે તો ચીન તાઈવાન પર હુમલો કર્યા વિના રહેશે નહીં. તાઈવાનના મુદ્દે જો યુદ્ધ થાય તો તે યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં રૂપાંતરીત થઈ જાય તેવો પણ ભય રહે છે. તાઈવાન દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનથી માત્ર 100 Km દૂર આવેલો ટાપુ છે. 1949 સુધી તાઈવાન ચીનનો એક ભાગ હતું, જે રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાતુ હતુ. બીજા વિશ્વયુદ્ધ પછી મુખ્ય ચીનમાં નેશનાલિસ્ટ ગવર્ન્મેન્ટ સૈન્ય અને સામ્યવાદી પક્ષના સૈન્ય વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. જેમાં માઓ ઝેદાંગની આગેવાની હેઠળના પિપલ્સ લિબરેશન આર્મીનો વિજય થયો.

્કુઓમિન્ટાંગ (KMT) નામની નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ચિયાન્ગ કાંઈ શેક ભાગીને તાઈવાન પહોંચી ગયા. ત્યાં રહીને તેમણે પોતાનું શાસન ચાલુ રાખ્યું. મુખ્ય ચીનમાં સામ્યવાદી પક્ષનું શાસન ચાલુ રહ્યું, જ્યારે તાઈવાનમાં KMT પક્ષે લાંબો સમય રાજ કર્યું. મુખ્ય ચીન પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના તરીકે ઓળખાયું, જ્યારે તાઈવાને રિપબ્લિક ઓફ ચાઈનાનું નામ ચાલુ રાખ્યું. તાઈવાનમાં 1949થી લઈને 1987 સુધી લશ્કરી રાજ હતું, જેની ધૂરા KMT પાર્ટીના નેતાઓના હાથમાં જ હતી. આ દરમિયાન તાઈવાનમાં કોઈ પણ રાજકીય વિરોધને કચડી નાખવામાં આવતો હતો. તાઈવાનના સ્થાનિક લોકોને કચડવામાં આવતા હતા. 1992માં તાઈવાનનું પહેલું બંધારણ બન્યું. જે મુજબ 1992માં પહેલી વખત સંસદની ચૂંટણી થઈ અને 1996માં પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. ત્યાર બાદ દરેક ચૂંટણીમાં શાંત સત્તાપરિવર્તન થતું આવ્યું છે.

1992માં ચીનના સામ્યવાદી પક્ષ અને તાઈવાનના તત્કાલીન શાસકપક્ષ KMT વચ્ચે એક કરાર થયો હતો. જે મુજબ એક ચીનના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ચીન તેના નકશામાં મુખ્ય ચીન ઉપરાંત મોંગોલિયા, તાઈવાન અને તિબેટનો પણ સમાવેશ કરતું આવ્યું છે, જેને ‘વન ચાઈના પોલિસી’ કહેવામાં આવે છે. 2016માં તાઈવાનમાં ત્સાઈ ઇંગ વેનની સરકાર આવી તે પછી તેણે ‘વન ચાઈના નીતિ’ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદી પોતાના લશ્કરને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા માંડ્યું હતું. તાઈવાનને ડરાવવા માટે ચીને તેની દરિયાઈ સરહદ પર ફાઇટર જેટ વિમાનો ઉડાડવાનું શરૂ કરી દીધું હતું.

ચીન વારંવાર ચિપીયો પછાડીને કહે છે કે ચીન એક છે, એક હતું અને એક રહેશે. તેણે પિપલ્સ લિબરેશન આર્મીને ચીનને એક કરવાનું કામ સોંપ્યું છે. તાઈવાન વગેરે દેશો પોતાને ‘રિપબ્લિક ઓફ ચાઈના’નો ભાગ ગણે છે પણ તેઓ પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના ગુલામ બનવા માગતા નથી.  ચીનની જે લશ્કરી તાકાત છે, તેની સામે તાઈવાનની લશ્કરી તાકાત નગણ્ય છે. જો ચીન તાઈવાન પર હુમલો કરે તો અમેરિકાની મદદ વગર તે પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી શકે તેમ નથી.

2016માં તાઈવાનમાં ચૂંટણી થઈ તેમાં KMT પક્ષનો વિરોધ પક્ષ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (DPP) સત્તા પર આવ્યો. તેના અધ્યક્ષ ત્સાઈ ઇંગ વેનને 1992ની સંધિ જ માન્ય નથી. તેમના કહેવા મુજબ તેઓ ‘વન ચાઈના’નો આદર કરે છે, પણ બંને દેશોમાં સરકાર તો સ્વતંત્ર જ હોવી જોઈએ. તે વાતને અમાન્ય કરીને ચીને તાઈવાન સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. ચીનની ઓફર ‘વન કન્ટ્રી, ટુ સિસ્ટમ’ની છે, જેનો પ્રયોગ તેણે હોંગકોંગમાં કર્યો છે. બ્રિટને હોંગકોંગનો કબજો ચીનને સોંપ્યો તે પછી ત્યાં મૂડીવાદી સિસ્ટમ ચાલુ રહી હતી અને ચૂંટાયેલી સરકાર રાજ કરતી હતી. જો કે ચીને તેમાં દખલ દેવાનું ચાલુ કરતા હોંગકોંગમાં ચીન વિરોધી દેખાવો ફાટી નીકળ્યા હતા. તેને કચડી નાખવા ચીને હોંગકોંગમાં લશ્કર મોકલ્યું હતું. તાઈવાનને આવી સિસ્ટમ જોઈતી નથી.

1979 સુધી અમેરિકા રિપબ્લિક ઓફ ચાઈનાને એક દેશ ગણતું હતું અને તેની સાથે રાજદ્વારી સંબંધો પણ ધરાવતું હતું. 1979માં તેણે પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સાથે રાજદ્વારી સંબંધો જોડ્યા તે સાથે તેના રિપબ્લિક ઓફ ચાઈના સાથેના સંબંધોનો પણ અંત આવ્યો હતો, જેમાં તાઈવાનનો પણ સમાવેશ થતો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ તાઈવાનને ચીનનો એક ભાગ ગણતું હોવાથી તેણે તાઈવાનને પોતાના સભ્ય તરીકે પ્રવેશ આપ્યો નથી. તાઈવાનને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનાવવાનો કોઈ પણ પ્રસ્તાવ આવે તો ચીન વિટો વાપરીને તેને ઉડાવી દેતું હોય છે. જો કે અમેરિકા તાઈવાન સાથે વેપારી સંબંધો રાખે છે અને તેને શસ્ત્રો વેચવાનું પણ ચાલુ રાખે છે.

તાઈવાન માટેની અમેરિકી નીતિ ગૂંચવાડાથી ભરેલી છે. અમેરિકા એક બાજુ કહે છે કે તે તાઈવાનની સ્વતંત્રતાની ચળવળને ટેકો આપતું નથી, તો બીજી બાજુ તે કહે છે કે તે જો ચીન તાઈવાન ઉપર હુમલો કરશે તો અમેરિકા તાઈવાનની મદદ કરશે. અમેરિકા કહે છે કે તે ચીનની ‘વન ચાઈના નીતિ’નો સ્વીકાર કરતું નથી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાજુ ચીન સામે ટ્રેડ વોર ચાલુ કરી તો બીજી બાજુ તેમણે તાઈવાનને શસ્ત્રો વેચવાનું ચાલુ કરી દીધું. તેમના શાસન દરમિયાન અમેરિકાએ તાઈવાનને 18 અબજ ડોલરના શસ્ત્રો વેચ્યા હતા. તેમના સત્તાકાળમાં તાઈવાનની રાજધાની તાઇપેઇમાં 25 કરોડ ડોલરના ખર્ચે અમેરિકી સંકુલ તૈયાર કરવામાં આવ્યું હતું, જે બિનસત્તાવાર રીતે અમેરિકાની એલચી કચેરીનું કામ કરે છે. આ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પે તાઈવાનના પ્રમુખ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. હવે અમેરિકાની આક્રમક નીતિને કારણે તાઈવાનના મુદ્દે ગમે ત્યારે ચીન – અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળી શકે તેમ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top