SURAT

સુરત: પિતા સાથે જતી અઢી વર્ષની બાળકીનું મોપેડ પરથી પડી જતાં મોત

સુરત: પાંડેસરામાં શનિવારે સવારે પિતા (Father) સાથે મોપેડ પર બેસીને જતી અઢી વર્ષની બાળકી ચાલુ મોપેડ પરથી નીચે પટકાતાં મોત (Death) નીપજ્યું હતું. પાંડેસરા પોલીસ (Police) અને નવી સિવિલ હોસ્પિટલમાંથી (Hospital) મળતી માહિતી અનુસાર પાંડેસરા પોલીસ કોલોની પાસે હિંદુભાઈ ડામોર પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને અઢી વર્ષની દીકરી આરતી હતી. હિંદુભાઈ કન્સ્ટ્રક્શન સાઈડ પર નોકરી કરે છે. તે શનિવારે સવારે તેના શેઠની મોપેડ લઈ પાંડેસરા તેરેનામ ચોકડી પાસેથી પસાર થતો હતો. હિંદુભાઈની સાથે મોપેડ પર તેની દીકરી આરતી હતી. તેરેનામ ચોકડી પાસે આરતી ચાલુ મોપેડ પરથી નીચે પટકાતાં ગંભીર ઇજા થઈ હતી. જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઝઘડિયાના ઉમલ્લા ગામે ટ્રકે ટક્કર મારતાં બાઇકસવાર બે ગંભીર
ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા ખાતે એક ટ્રકે અડફેટે લેતાં બાઇકસવાર બે યુવકને ગંભીર રીતે ઇજા થઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયાના જરોઇ ગામે રહેતો રોહિતભાઇ મહેશભાઇ વસાવા નામનો યુવક ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં કામ કરે છે. શુક્રવારના રોજ રોહિત તેના મિત્ર રયેશ ડાહ્યાભાઈ વસાવા (રહે.,જરોઇ) સાથે નાઇટશીપમાં નોકરી કરીને પરત ઘરે જતો હતો.

ત્યારે સવારના સાત વાગ્યાના અરસામાં ઉમલ્લા બાપજી ફળિયા ગામ પાસે આવતાં એક ટ્રકે આ યુવકોની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર બંને યુવકો રોડની સાઇડમાં ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક લઇને પાણેથા રોડ તરફ નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર બંને યુવકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા. પરંતુ યુવકોની હાલત ગંભીર હોય વધુ સારવારની જરૂર જણાતાં રાજપીપળા સરકારી દવાખાને લઇ રિફર કરાયા હતા. આ ઘટના અંગે ફરાર ટ્રકચાલક વિરુદ્ધ ઉમલ્લા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝઘડિયા તાલુકામાં બેફામ દોડતાં ભારે વાહનોથી અવારનવાર નાના-મોટા અકસ્માત સર્જાતા હોય છે. તંત્ર છાસવારે અકસ્માત સર્જતાં આવા વાહનો પ્રત્યે કડક વલણ અપનાવે તેવી માંગ તાલુકાની જનતામાં ઊઠી છે.

Most Popular

To Top