Dakshin Gujarat

ચીખલીમાં પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો ને તસ્કરો તિજોરી સાફ કરી ગયા

ઘેજ: (Dhej) ચીખલી તાલુકામાં તસ્કરો બેફામ બનીને રોજે રોજ ચોરીની (Theft) ઘટનાને અંજામ આપી પોલીસ (Police) પેટ્રોલિંગના દાવાને પોકળ સાબિત કરી રહ્યાં છે. દરમિયાન ગઇકાલે રાત્રિ દરમિયાન હોન્ડ ગામમાં ચોરીની ઘટના બની હતી. અહીંનો એક પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો તે દરમિયાન તસ્કરો રોકડા રૂપિયા અને સોના ચાંદીના (Gold Silver) દાગીના મળીને કુલ 1.14 લાખની મત્તા ચોરીને પલાયન થઇ ગયા હતાં. ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્યા હોય તેમ હોન્ડ ગામે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા અને તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 1.14 લાખ રૂપિયાની મત્તા ચોરી ફરાર થઇ ગયા હતા.

  • ચીખલીમાં ગણતરીના દિવસોમાં ત્રીજી ચોરી કરી પોલીસને પડકાર આપતા તસ્કરો
  • હોન્ડ ગામે પરિવારના સભ્યો સૂતા રહ્યા અને તસ્કરોએ રૂ. 1.14 લાખની મત્તાની ચોરી કરી
  • શનિવારે રાત્રે ચીખલી બસ સ્ટેન્ડ સામેના શોપિંગ સેન્ટરમાં મોબાઇલની દુકાનમાં બાકોરૂ પાડીને 29 લાખ રૂપિયાના મોબાઇલની ચોરી થઇ

ચોરીની આ ઘટના અંગે ચીખલી તાલુકાના હોન્ડ ગામમાં ઝંડાચોક ખાતે રહેતાં મધુબેન વસંતભાઇ રાઠોડે કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં તેઓ તેમના મોટા પુત્ર સાથે રહે છે. જ્યારે બાજુના મકાનમાં તેમનો નાનો પુત્ર રહે છે. દરમિયાન ગઇકાલે રાત્રે તેમના નાના પુત્રનો દીકરો રડી રહ્યો હોવાથી તેને શાંત કરવા તેઓ તેના ઘરે ગયા હતા અને ત્યાં જ ઊંઘી ગયા હતાં. જ્યારે તેમના મકાનનો દરવાજો બંધ કરીને મોટો પુત્ર અને વહુ ઊંઘી ગયા હતાં. દરમિયાન મળસકે ચારેક વાગ્યે તેઓ નાના પુત્રના ઘરેથી તેમના ઘરે આવ્યા ત્યારે ઘરના આગળ પાછળના બંને દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતાં. કંઇ અજુગતુ લાગતા તેમણે ઘરમાં તપાસ કરતાં તિજોરી અને લોકર ખુલ્લા જોવા મળ્યાં હતાં.

તેમના મકાનમાંથી રોકડા રૂપિયા 45,000 તેમજ સોનાની બુટ્ટી, નથણી, વીંટી અને ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 1,14,400ની કિંમતની મતા તસ્કરો ચોરી ગયા હતાં. તેમણે કરેલી ફરિયાદના આધારે ચીખલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે ચીખલી બસ સ્ટેન્ડ સામેના શોપિંગ સેન્ટરમાં મોબાઇલની દુકાનમાં બાકોરૂ પાડીને 29 લાખ રૂપિયાના મોબાઇલની ચોરી થઇ હતી. તે પહેલા સાદકપોરમાં એક મકાન અને દુકાનો મળી કુલ પંદર ઠેકાણે તાળા તૂટ્યા હતાં.

Most Popular

To Top