World

શિકાગોના મેયરે ટ્રમ્પને કહ્યું ‘ક્રૂર તાનાશાહ’, તો અમેરિકી રાષ્ટ્રપતિ ભડક્યા; બ્રેન્ડન જ્હોનસનને ગણાવ્યા ‘નકામા મેયર’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને શિકાગોના મેયર બ્રેન્ડન જ્હોનસન વચ્ચેનો રાજકીય વિવાદ હવે વધુ તીવ્ર બન્યો છે. વેટિકનમાં પોપ લિયો XIV સાથે મુલાકાત બાદ બ્રેન્ડન જ્હોનસને ટ્રમ્પની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને “ક્રૂર”, “અણસમજ તાનાશાહ” અને “અમેરિકા માટે કલંક” ગણાવ્યા હતા. આ નિવેદન બાદ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા મારફતે જોરદાર જવાબ આપતાં જ્હોનસનને “નકામા (Useless) મેયર” ગણાવ્યા હતા.

વેટિકનમાં પોપ સાથે મુલાકાત બાદ શરૂ થયો વિવાદ
શિકાગોના મેયર બ્રેન્ડન જ્હોનસન તાજેતરમાં વેટિકનની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે પોપ લિયો XIV સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સામાજિક ન્યાય, સ્થળાંતર (Migration), માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.જ્હોનસને પોપ સાથેની મુલાકાતને પોતાના જીવનની સૌથી પ્રેરણાદાયી , વિશેષ ક્ષણોમાંની એક ગણાવી હતી.મુલાકાત બાદ જ્હોનસને મીડિયા સાથે વાતચીતમાં ટ્રમ્પની નીતિઓની ટીકા કરી હતી. ખાસ કરીને ઈરાન મુદ્દે અમેરિકાના વલણ અને ઈમિગ્રેશન નીતિઓ અંગે તેમણે ટ્રમ્પ પર સીધા પ્રહાર કર્યા હતા.

ટ્રમ્પનો સોશિયલ મીડિયા પર જવાબ
જ્હોનસનના નિવેદનો બાદ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં પોપ લિયો XIV અને બ્રેન્ડન જ્હોનસન સાથેની તસવીર શેર કરતાં ટ્રમ્પે લખ્યું:“કોઈ પોપને સમજાવે કે શિકાગોનો મેયર સંપૂર્ણપણે નકામો છે અને ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવા જોઈએ.”ટ્રમ્પની આ ટિપ્પણી બાદ અમેરિકન રાજકારણમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

બ્રેન્ડન જ્હોનસને ટ્રમ્પને શું કહ્યું હતું?
વેટિકનમાં પોપ સાથેની મુલાકાત બાદ જ્હોનસને પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પની ઈરાન નીતિ અને ઈમિગ્રેશન મુદ્દે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે ટ્રમ્પને “ક્રૂર”, “અણસમજ તાનાશાહ” અને “અમેરિકા માટે શરમજનક નેતા” ગણાવ્યા હતા. આ નિવેદન બાદ બંને નેતાઓ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

પોપ લિયો XIV અને ટ્રમ્પ વચ્ચે પણ મતભેદ
આ સમગ્ર વિવાદમાં પોપ લિયો XIVનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. પોપ લિયો XIV અગાઉથી જ ઈમિગ્રેશન, ગાઝા સંઘર્ષ, ઈરાન મુદ્દો અને સામાજિક ન્યાય જેવા વિષયો પર પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરતા રહ્યા છે. કેટલીક બાબતોમાં તેમના અભિપ્રાયો ટ્રમ્પની નીતિઓથી અલગ હોવાનું માનવામાં આવે છે.જ્હોનસને પોપને વૈશ્વિક સ્તરે સામાજિક ન્યાય અને માનવ અધિકારો માટે મજબૂત અવાજ ગણાવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પોપ લિયો XIV ભવિષ્યમાં શિકાગોની મુલાકાત પણ લેશે.

ઈરાનના પરમાણુ કાર્યક્રમનો પણ ઉલ્લેખ
ટ્રમ્પે પોતાના નિવેદનમાં માત્ર મેયર જ્હોનસન પર જ નિશાન સાધ્યું નહોતું, પરંતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને પણ ચેતવણી આપી હતી. તેમણે ફરી એકવાર કહ્યું હતું કે ઈરાનને પરમાણુ હથિયારો વિકસાવવા દેવામાં આવશે નહીં અને અમેરિકા આ મુદ્દે કડક વલણ જાળવી રાખશે.

અમેરિકન રાજકારણમાં વધતી કડવાશ
રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટના અમેરિકન રાજકારણમાં વધતી રાજકીય કડવાશનું પ્રતિબિંબ છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સમર્થકો વચ્ચે લોકપ્રિયતા જાળવી રાખવા માટે આક્રમક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, તો બીજી તરફ ડેમોક્રેટ નેતાઓ તેમની નીતિઓ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે.

શિકાગોના મેયર બ્રેન્ડન જ્હોનસન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો આ શબ્દયુદ્ધ માત્ર સ્થાનિક રાજકારણ પૂરતું મર્યાદિત નથી રહ્યું. વેટિકન, પોપ લિયો XIV, ઈમિગ્રેશન અને ઈરાન જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વચ્ચે આ વિવાદે વૈશ્વિક સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. હવે જોવાનું રહેશે કે બંને નેતાઓ વચ્ચેનો આ રાજકીય ટકરાવ આગળ કેટલો વધી શકે છે અને તેનો અમેરિકન રાજકારણ પર શું પ્રભાવ પડે છે.

Most Popular

To Top