ચેતી જજો, નહીં તો બેદરકારી ભારે પડશે: તાપી જિલ્લામાં વધુ 87 લોકોને કોરોના વળગ્યો

વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં કોરોનાની (Corona) ત્રીજી લહેર (third wave) પ્રસરી ચૂકી છે. કોરોના વોરિયર્સ પણ તેનાથી બાકાત રહ્યા નથી. મોટી સંખ્યામાં ચેપગ્રસ્ત બનતા હોમ આઇસોલેશનમાં (Home Isolation) છે. પોલીસ વડા પોતે કોરોના સંક્રમિત થયા છે પણ તેઓ તાપી જિલ્લામાં કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે ઘરેથી મોબાઇલ પર ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. હાલ વહીવટી તંત્રે લગ્ન પ્રસંગે બિન જરૂરી ભીડ ન થાય માટે ડીજે પર પ્રતિબંધ પણ મૂકી દીધો છે. છતાં તાપી જિલ્લામાં એક સામટાં કોરોના પોઝિટિવના (Corona Positive) કુલ ૮૭ કેસ નોંધાયા છે. જેને લઈ કોરોના સંક્રમિતોનો આંકડો ૩૩૩ થયો છે.

કહેવાય છે કે, આરટીપીસીઆરની લેબ વ્યારા-સોનગઢમાં (Vyara-Songadh) ઉપલબ્ધ કરાઈ છે. ત્રણેક લેબો કાર્યરત હોવાનાં દાવા કરાયા છે. પણ દર્દીઓના રિપોર્ટ અનિયમિત હોય દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેટલીક વખતતો રિપોર્ટ આવતાં ત્રણથી ચાર દિવસ લાગી જાય છે. જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ પણ રિપોર્ટ નહીં મળતાં બિનધાસ્ત બજારમાં ફરતા હોય છે. જેથી કોરોનાનો ચેપ બેફામ રીતે વધી રહ્યો છે. રેપિડમાં એન્ટિજન પોઝિટિવના આંકડા પણ ઓન લાઇન ચઢાવાતા નથી. જો આ આંકડા ઓનલાઇન ચઢાવવામાં આવે તો કોરોના સંક્રમિતોનો આંકડો ત્રણથી ચારગણો વધી જાય તેમ છે.

હાલ એન્ટિજન પોઝિટિવના દર્દીઓને દવા આપી માત્ર હોમ આઇસોલેશનની સલાહ આપી તંત્ર જવાબદારીઓમાંથી હાથ ખંખેરી રહ્યું છે. વ્યારામાં ૨૯, સોનગઢમાં ૮, નિઝરમાં ૧૬, વાલોડમાં ૧૭, ઉચ્છલમાં ૧૪, કુકરમુંડામાં ૧, ડોલવણમાં ૨ કોરોના સંક્રમિત થયા છે. બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશને કોરોનાને અંકુશમાં લેવાની કોઇ સઘન કાર્યવાહી દેખાતી નથી. બસની રાહ જોતાં મુસાફરો ટોળે ટોળા ઊમટી પડતા હોવાથી આ મુસાફરો કોરોનાવાહક બન્યા છે. મુસાફરો સોશિયલ ડિસ્ટન્સ રાખી બસમાં ચઢે તેવી કોઇ સુવિધા એસટી બસ સ્ટેન્ડ પર દેખાતી નથી.

મુખ્ય આરોગ્ય અધિકારીએ ફોન રિસીવ ન કર્યો
તાપી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ (સીડીએચઓ)નો આ બાબતે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો.

Most Popular

To Top