SURAT

વિદેશમંત્રી જયશંકરને સુરત બોલાવી ચેમ્બર ઓફ કોમર્સે આચારસંહિતાનો ભંગ કર્યો, કોંગ્રેસની ગુનો નોંધવા માંગ

સુરત: લોકસભા ચૂંટણી 2024ની (Loksabha Election 2024) જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવાઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે જ દેશભરમાં આચારસંહિતા અમલમાં મુકાઈ ગઈ છે. આચારસંહિતામાં કોઈ પણ મંત્રી, નેતાના પ્રોગ્રામના આયોજન કરી ન શકાય તેવો નિયમ હોવા છતાં સુરતના ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિદેશ મંત્રી એસ.જયશંકરને એક કાર્યક્રમમાં આમંત્રણ પાઠવવામાં આવ્યો હોઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસે (Congress) વાંધો ઉઠાવ્યો છે.

સુરત શહેર જિલ્લા કોંગ્રસે આ મામલે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી સુરત જિલ્લા કલેક્ટરને (Surat District Collector) એક પત્ર લખી આચારસંહિતાનો કડક અમલ કરવા અને કરાવવા વિનંતી કરી છે. કોંગ્રેસે પત્રમાં લખ્યું છે કે, હાલ લોકસભા સામાન્ય ચુંટણી-2024 નું જાહેરનામું પ્રસિધ્ધ હોય, જે અન્વેય આદર્શ આચારસંહિતાનો કડક અમલ થવો જોઈએ પરંતુ સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ છે.

આગામી તા.1 એપ્રિલ 2024ના રોજ સવારે 10 કલાકે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડટ્રીઝ દ્વારા “કોર્પોરેટ સમિટ-2024″ (Corporate Summit-2024) કાર્યક્રમ આયોજિત કરાયો છે. આ સમિટમાં કેન્દ્ર સરકારના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર (Foreign Minister Dr. S. Jaishankar) ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહી સંબોધન કરવાના છે.

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડટ્રીઝ ચેમ્બર રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જેવા કે ઉદ્યોગ, વાણિજ્ય, એમ.એસ.એમ.ઇ., ટેકસટાઈલ, શ્રમ-રોજગાર વિભાગ અને નાણાં વિભાગની ગ્રાન્ટ મેળવતી આવતી સંસ્થા છે. હાલમાં આચારસંહિતા અમલમાં હોવાથી કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ.જયશંકરને ચીફ ગેસ્ટ તરીકે બોલાવી “કોર્પોરેટ સમિટ-2024″ નું આયોજન ન કરી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈ યોજનાનો પ્રચાર પ્રસાર હવે ન કરી શકે અને આ સમિટ કરવાથી લોકસભા ચૂંટણી ની આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો કહેવાય એવો મુદ્દો કોંગ્ર્સે ઉઠાવ્યો છે.

કોંગ્રેસે વધુમાં ફરિયાદ કરી છે કે, આ કોર્પોરેટ સમિટ 2024માં વિદેશમંત્રી ઉપસ્થિત રહેવાના હોવાના છે તેવો પ્રચાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડિજીટલ સોશિયલ મિડિયામાં શરૂ કરાયો છે. ચેમ્બરની વેબસાઈટ, એપ, સહિતના ડિજીટલ મિડિયા માધ્યમોમાં એનો પુરજોશથી પ્રચાર થઈ રહ્યો છે.

આ ગંભીર બાબતે ચૂંટણી અધિકારી તરફથી તાત્કાલિક યોગ્ય તપાસ કરી ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડટ્રીઝ નાં પ્રમુખ, ઉપપ્રમુખ, અન્ય હોદ્દેદારો અને સેક્રેટરી તથા ડિજીટલ મીડિયા ઇન્ચાર્જ સામે ગુનો દાખલ કરવો જોઈએ અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top