Entertainment

રણબીર કપૂર કરતાં અક્ષયકુમાર પર વધુ ભરોસો કરી શકાય?!

રણબીર કપૂરની ‘શમશેરા’ ને પહેલા દિવસે રૂ.10.50 કરોડનું જ ઓપનિંગ મળ્યું છે. વર્ષ 2022માં સૌથી વધુ ઓપનિંગ મેળવવા જે ફિલ્મને દાવેદાર માનવામાં આવતી હતી એ ‘શમશેરા’ ને જોવા માટે પૂરતા કારણો હતા. 4 વર્ષ પછી રણબીર કમબેક કરી રહ્યો હતો. તેની સાથે સંજય દત્ત જેવો સ્ટાર હતો. વધુ સ્ક્રીન સંખ્યા પર રજૂ કરનારું યશરાજ ફિલ્મ્સ જેવું બેનર હતું. ‘અગ્નિપથ’ જેવી ફિલ્મના કરણ મલ્હોત્રાનું નિર્દેશન હતું. રૂ.150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં દક્ષિણની ફિલ્મો સાથે સાતમું સ્થાન મેળવી શકી છે.

દક્ષિણની ‘RRR’ અને ‘KGF 2’ ને હજુ સુધી કોઇ હિન્દી ફિલ્મ ટક્કર આપી શકી નથી. દક્ષિણની હિન્દી રીમેક ફિલ્મો જ નહીં એના જેવી ભવ્ય ગણાતી ‘શમશેરા’ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં ઘણો ઓછો ધંધો કરી રહી છે ત્યારે રણબીરની રૂ.300 કરોડની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની સફળતા પર પ્રશ્નચિહન લાગી ગયું છે કેમ કે ‘શમશેરા’ ના ટ્રેલરની જેમ જ એના અભિનયના વખાણ થયા છે.  ફિલ્મો માત્ર હીરોના દમદાર અભિનય પર ચાલી શકતી નથી. એનો ખરો હીરો વાર્તા જ હોય છે. રણબીર એક સારો અભિનેતા હોવાથી કોઇ પણ ભૂમિકાને ન્યાય આપવા સક્ષમ છે પરંતુ આવી એક્શન ભૂમિકા એના માટે લાગતી નથી. તેણે રોમેન્ટિક ભૂમિકાઓ પર જ ધ્યાન આપવું જોઇએ એવો મત વ્યક્ત થયો છે.

‘શમશેરા’ ની વાર્તામાં દમ જ ન હતો. એટલે જ રણબીર કરતાં અક્ષયકુમારની આ વર્ષની ફ્લોપ ગણાતી બે ફિલ્મોના નામ કમાણીમાં આગળ રહ્યા છે. રણબીર માટે વધારે આંચકો આપનારી વાત એ રહી કે આલિયાની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ને પહેલા દિવસે વધારે ઓપનિંગ મળ્યું હતું. રણબીર જ નહીં સંજય દત્તનું પણ સારું કામ નબળા લેખનને કારણે વ્યર્થ ગયું છે. બંનેએ પોતાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. રણબીરે શમશેરા અને બલ્લી એમ બંને ભૂમિકાને ભજવી જાણી છે. સંજય દત્તે સાબિત કર્યું છે કે ખલનાયકની ભૂમિકામાં તેનો જવાબ નથી.

અલબત્ત ઘણા દ્રશ્યોમાં તેની ખલનાયકીને કોમેડીએ ખરાબ કરી છે. વાણી કપૂર સુંદર દેખાવા સાથે સારું કામ કરી જાય છે. તેના પાત્રનું આલેખન બરાબર થયું નથી. કેટલાક દ્રશ્યોમાં રણબીરની મા બનતી ત્રિશા ચૌધરી વાણીથી યુવાન લાગે છે અને વાણીનો મેકઅપ એ જમાનાની સ્ત્રીનો લાગતો નથી. ફિલ્મ માટે વસ્ત્રો તૈયાર કરનારા અને મેકઅપ કરનારા કયા સમયકાળની વાત છે એ ભૂલી ગયા છે. ફિલ્મને પોણા ત્રણ કલાક સુધી એવી ખેંચવામાં આવી છે કે એને જોવા માટેના કારણો શોધવાનું કામ મુશ્કેલ બન્યું છે. વાર્તા સદીઓ જૂની હોવાથી દર્શકોનું દિલ જીતી શકી નથી. વાર્તાનું સરળતાથી અનુમાન કરી શકાય એમ છે. ઇમોશનલ દ્રશ્યોમાં ફિલ્મ માર ખાય છે.

શમશેરાના મોતનું દ્રશ્ય સામાન્ય લાગે છે. વાણી બાળકને જન્મ આપે છે એમાં પણ ઇમોશન શોધ્યા જડતા નથી. શુધ્ધ સિંહ હજારો કેદીઓને બંદી બનાવે છે પણ એમની પાસે શું કામ કરાવે છે એ બતાવ્યું નથી. બલ્લીનો જન્મ ગુલામો વચ્ચે થયો હતો અને અભ્યાસ કર્યો હોય એવું બતાવ્યું નથી. છતાં એ અંગ્રેજો અને શમશેરા વચ્ચેના અંગ્રેજી કરારને કેવી રીતે વાંચી- સમજી શકે છે એ પ્રશ્ન છે. એટલું જ નહીં એને બીજી ઘણી કળાઓનો જાણકાર બતાવાયો છે. એમના પર આપત્તિ આવે છે ત્યારે કાગડાઓ કા-કા કરતાં શા માટે આવે છે એનો ક્યાંય ખુલાસો થયો નથી.

વધારે હાસ્યાસ્પદ વાત એ છે કે બલ્લી બેભાન થાય છે ત્યારે કાગડાને બદલે સમડી આવે છે અને વર્ષોથી બેઠેલા પીરબાબા બલ્લીને રસ્તો બતાવે છે એ વાત પચાવી શકાય એમ નથી. નિર્દેશક કરતાં સિનેમેટોગ્રાફર અનય ગોસ્વામી વધુ પ્રશંસા મેળવી ગયો છે એ પરથી જ ખ્યાલ આવશે કે નિર્દેશન બરાબર નથી. આજના જમાનામાં ડાકુઓની વાર્તા પ્રાસંગિક ન હતી. એની સાથે આધુનિક સમયનું મિથુનનું સંગીત બંધબેસતું ન હોવાથી નિરાશ કરે છે. ગીતો ફિલ્મની લંબાઇ વધારવાનું જ કામ કરે છે. ‘જી હજૂર’ ઠીક છે.

બાકી ‘ફિતૂર’ જેવા ગીતો કંટાળો આપે છે. મિથુનનું બેકગ્રાઉન્ડ સંગીત ખાસ પ્રભાવિત કરતું નથી. કેટલીક જગ્યાએ સંગીતમાં સંવાદ દબાઇ જાય છે. સંવાદ એટલા દમદાર નથી કે તાળીઓ મળી શકે. ચાલતી ટ્રેનના જે દ્રશ્ય માટે ઉત્સાહ હોય છે એ જલદી સમાપ્ત થઇ જાય છે. બીજા ભાગમાં લેખક અને નિર્દેશકની પકડમાંથી ફિલ્મ છૂટી ગઇ છે. ફિલ્મ જોવા માટેનો જે સૌથી મોટો આધાર ગણાય છે એ સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે અને સંવાદમાં ‘શમશેરા’ એટલી નબળી છે કે થિયેટરમાં તો નહીં જ પણ એક મહિના પછી OTT પર જોવા બાબતે પણ વિચાર કરવો પડે એમ છે.

Most Popular

To Top