Charotar

ખેડા જિલ્લાના શિક્ષણ સ્તરમાં સુધારો: ધોરણ 10નું પરિણામ 77.90 ટકા

કુલ 25,787 પરીક્ષાર્થીઓ પૈકી 20,088 ઉત્તીર્ણ: ગત વર્ષ કરતા પરિણામમાં 5.35 ટકાનો ઉછાળો નોંધાયો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.6
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાએ 77.90 ટકા પરિણામ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જિલ્લામાં કુલ 20,088 વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. ગત વર્ષના 72.55 ટકા પરિણામ સામે આ વર્ષે 5.35 ટકા જેટલો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેના કારણે શાળાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં આ વર્ષે પરીક્ષા માટે 26,517 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 25,787 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જાહેર થયેલા આંકડાઓ મુજબ જિલ્લાના શિક્ષણની ગુણવત્તામાં વધારો થયો છે. કુલ 593 વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ A1 ગ્રેડ મેળવીને સફળતાનું શિખર સર કર્યું છે. આ ઉપરાંત 1,772 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લામાં પરિણામ જાહેર થતા જ અનેક શાળાઓમાં ફટાકડા ફોડીને વિદ્યાર્થીઓની સફળતાને વધાવવામાં આવી હતી. અન્ય ગ્રેડના પરિણામોની વાત કરીએ તો, B1 ગ્રેડમાં 3,075 અને B2 ગ્રેડમાં 4,706 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સિવાય C1 ગ્રેડમાં 5,630 અને C2 ગ્રેડમાં 3,867 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં ઉતરતા ક્રમમાં ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં 445 વિદ્યાર્થીઓ D ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે. જ્યારે E1 ગ્રેડમાં 3,203 અને E2 ગ્રેડમાં 2,00,496 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામની ટકાવારીમાં ખાસ્સો સુધારો થયો છે. વર્ષ 2024માં જિલ્લાનું પરિણામ 78.29 ટકા રહ્યું હતું, જેની આસપાસ આ વર્ષનું પ્રદર્શન પહોંચ્યું છે.

Most Popular

To Top