Madhya Gujarat

આણંદમાં વેપારી સાથે 43 લાખની છેતરપિંડી

આણંદ : આણંદ શહેરના તમાકુના વેપારીને ત્યાં કામ કરતાં શખસોએ બારોબાર 50 જેટલા ચેકની ચોરી કરી હતી. જેમાંથી કેટલાક વટાવી 43 લાખ ઉપરાંતનો માલિકને ચુનો ચોપડ્યો હતો. આ અંગે શહેર પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આણંદ શહેરના સલાટીયા રોડ પર રહેતા અફસરભાઈ કાપડીયા અને તેમના મોટા ભાઇ આદિલ તમાકુ તથા પાન મસાલાનો વેપાર કરે છે. થોડા વરસો પહેલા આદિલભાઈને માણસોની જરૂર હોવાથી તેઓએ નીતિન કાંતિભાઈ ગોહેલ (રહે.મંગળપુરા, આણંદ)ને કામે રાખ્યો હતો.

નીતિન પર વિશ્વાસ વધતા વેપાર ધંધાનું કામ પણ સોંપી દીધું હતું. જે આદિલ અને અફસર બન્નેના તમામ વેપાર, ધંધાનું તથા બેંકને લગતા પૈસા લેવડ દેવડ, હિસાબ કિતાબ, ચેકને લગતું કામકાજ કરતો હતો. એટલે સુધી કે બન્ને ભાઇ બહાર ગામ હોય તો અગાઉથી ચેકોમાં સહીઓ કરીને આપીને જતાં હતાં. દોઢેક વર્ષ પહેલા નીતિનએ તેના ભાઈ પ્રકાશ ગોહેલને સાથે નોકરી પર લીધો હતો. દરમિયાનમાં ફેબ્રુઆરી માસમાં આદિલ અને અફસરના પિતાએ ઓફિસે બેસવાનું શરૂ કર્યું હતું. તેઓ માલનો સ્ટોક, હિસાબ કિતાબ પર દેખરેખ રાખવા લાગ્યાં હતાં. જેમાં હિસાબમાં ભુલ તથા માલના સ્ટોકમાં ખામી જણાતા નીતિનની પુછપરછ કરી હતી. પરંતુ તેણે ખાસ કોઇ જવાબ આપ્યો નહતો.

દરમિયાનમાં 4થી મે,22ના રોજ રાતના પ્રકાશ એક પ્લાસ્ટિકની થેલામાં કંઇક ભરી લઇ જતો હોવાનું લાગ્યું હતું. આથી, શંકા જતા પ્રકાશને પાછા ઓફિસે બોલાવેલ અને તપાસ કરતાં થેલામાં બીડીના 25 પેકેટ હતાં. આથી, પ્રકાશની પુછપરછ કરી હતી. બીડીના પેકેટ ક્યાંથી લીધા છે ? તેે નીતિને ચોરી કરવા જણાવ્યું હતું અને તે વેચી દેવાનો પ્લાન કર્યો હોવાની કબુલાત કરી હતી. જોકે, આ ઘટના બાદ પણ અફસર અને આદિલભાઈએ કોઇ ફરિયાદ આપી નહતી.

પરંતુ નીતિન કાન્તી ગોહેલ પાસે રહેલા સહી કરેલા ચેકમાંથી તેણે 4થી જુલાઇ,22ના રોજ રૂ.11,39,900 તેમજ 6ઠ્ઠી જુલાઇ, 22ના રોજ રૂ.10,98,000 મહેમુદખાન પઠાણના નામે ભર્યાં હતાં. આમ ચેકનો ખોટો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાથી ચોંકી ગયેલા બન્ને ભાઇએ ઓફિસમાં તપાસ કરતાં 26 જેટલા ચેકમાંથી એક ચેકમાં રૂ.25,26,210, બીજામાં રૂ.15,95,832, ત્રીજામાં રૂ.16,57,958ના રહેમાનખાન લાલખાન ખોખર (રહે.રાજસ્થાન)ના ભરેલા હતાં. જે મોબાઇલમાં મેસેજ પડતાં જાણ થઇ હતી. આમ, બન્ને ભાઇની જાણ બહાર નીતિન કાન્તી ગોહેલએ 50 જેટલા ચેક, ખાતાવહી, રોજમેળ તથા કાંટા પાવતીની ફાઇલ જાણ બહાર ચોરી કરી ગયો હતો. આ ઉપરાંત બીડી, પાન મસાલા, ઇનામી કુપનો, ઇલાયચીના દાણા પણ ચોરી કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પ્રકાશ નોકરી છોડી જતો રહ્યો હતો. આથી, બન્ને ભાઈએ હિસાબો કરતાં કુલ રૂ.43,51,790ના ચેક બારોબાર અન્ય વેપારીના ખાતામાં જમા કરાવ્યાં હતાં. આ ઉપરાંત સામાનની પણ ચોરી કરી હતી. આ અંગે અફસરભાઈ કાપડીયાએ આણંદ શહેર પોલીસ મથકે રહેમાન લાલ ખોખર, મહેમુદ સાહેબ પઠાણ (રહે.અલીણા, તા.મહુધા), પ્રકાશ કાન્તી ગોહેલ અને નીતિન કાન્તી ગોહેલ (બન્ને રહે. મંગળપુરા, આણંદ) સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top