Gujarat

ભાજપ સરકારના રાજમાં દલાલો કરોડપતિ બની ગયા, પૂર્વ ડે.સીએમ નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ

ગાંધીનગર: આમેય ગાંધીનગરમાં સરકારમાં કામો થતાં નથી, તેવી બુમરાણ છેલ્લા બે થી ત્રણ માસથી સાંભળવા મળી રહી છે. એવામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના ઉત્તર ગુજરાતના પીઢ નેતા નીતિન પટેલે ભાજપ સરકારના રાજમાં દલાલો કરોડપતિ બની ગયા છે, તેવા કરેલા નિવેદનના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

કડીના ડરણ ગામે ડરણ કેળવણી મંડળનો કાર્યક્રમમાં પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. આ દલાલો દલાલી કરી અધિકારીઓ સાથે હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદ્દેદાર છું અને નેતા છું… કહીં ઓળખાણ રાખે છે. ઓળખાણ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. ભાજપ સરકારે દલાલોને મોટા અને લોકોને સુખી કર્યા છે. દલાલી કરતાં કરતાં બધા કરોડપતિ થઈ ગયા છે.

નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે, પ્રજાના પ્રેમથી કામ થાય છે. પ્રજાના પ્રેમથી જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે એને નેતા ના કહેવાય. હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દો મળવો મોટી વાત નથી, સફળ બનાવવું એ મહત્વનું છે. નીતિન પટેલના નિવેદન બાદ પટેલને ઈશારો કોની તરફ છે, તે મુદ્દે હવે સચિવાલયના ગલીયારાઓમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.

Most Popular

To Top