Comments

દુન્યવી ચિંતનથી પરે એક કવિ લાઓ

તાઓ તે ચિંગના જેટલા ભાષાંતર થયા છે તેટલા બાઇબલના અપવાદ સિવાય, દુનિયાના બીજા કોઇપણ પુસ્તકના થયાનું જાણમાં નથી. ઇસુ પહેલા ૬૦૦ વર્ષે ચીનમાં કોન્ફયુશિયસના સમકાલીન ફીલસૂફ જેને વિશ્વ લાઓ ત્રુ તરીકે જાણે છે તેવા એક ચિંતક કવિએ માનવજીવનના અસ્તિત્વનું સૌંદર્ય અને સાદગી જગત પાસે મૂક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં શીવસુત્ર, પતંજલિ યોગ સુત્ર કે ગોરખના પદોમાં જે જુસ્સો અને લાઘવ સાથે વિશાળ વિચારસરણી સમાવી લીધાનું દેખાય છે. તે જ કક્ષા ઉત્તર પૂર્વથી લાઓ ત્ઝુ આપે છે.

વૈવિધ્યથી સભર બ્રહ્માંડમાં શ્વેત વામન તારા તરીકે જાણીતા તારલાઓ કદમાં નાના હોવા છતાં પોતાની ઘટ્ટ અણુ રચનાના કારણે વજનમાં અત્યાધિક તો હોય જ છે, પણ તેમાંથી બહાર પડતા કિરણોત્સર્ગ ઉર્જાના લીધે તેનું સપાટી ઉપરનું તાપમાન સૂર્યના તાપમાનથી ઘણું વધુ જોવા મળે છે તેમ તત્વજ્ઞાનનાં જગતમાં તાઓ તે ચીગ શ્વેત રચનાના સ્થાને બીરાજે છે.
‘“નમેલા રહેશો, તો ટટ્ટાર રહેશો તમે ખાલી રહો તો પરીપૂર્ણ રહેશો તમે.
ઘસાયેલા રહો તો ઉજળા રહેશો તમે, ઓછું છે જેની પાસે તને પ્રાપ્ત થશે.
ઘણું છે જેની પાસે તે ગૂંચવણમાં મુકાશે. ‘‘વસ્તુઓ જે પ્રાપ્ત કરવી દુષ્કર,

તે નુકસાન પહોંચાડે મનુષ્યના વ્યવહારને એટલે સંત કરે જોગવાઇ પેટ માટે નહીં કે આંખ માટે.’’ લાઓ ઝેની આ કાવ્યપંક્તિ ઇન્દ્રિય કે તાર્કિક મનને આઘાત પહોંચાડે છે કારણ આપણો ઉછેર દ્વૈત ભાષાને ઉકેલવા માટે થયો છે. આથી હાર-જીત, સારું-ખરાબ, ઓછું-વધારે, લાભ-ગેરલાભથી આપણું સામાજિક ગણિત તાલ મેળવી જાણે છે અને આથી તાઓ તે ચીંગની મનોવૈજ્ઞાનિક ભૂમિકા બધું જ ઉલટસુલટ કરે છે. જગતની ઇચ્છનીય બાબતો લાઓ અનિચ્છનીય કહે છે.

બ્રિટીશ મ્યુઝિયમમાં એકમાત્ર હસ્તલિખિત પ્રતમાં સચવાએલ તાઓતેચીંગ નોંધે છે,
જે જાણે છે તે બોલતો નથી, જે બોલે છે તે જાણતો નથી.
જે સાચો છે તે દેખાડો કરતો નથી, જે દેખાડો કરે છે તે સાચો નથી.
જે દિવ્યતા ધરાવે છે તે તકરાર કરતો નથી. જે તકરાર કરે છે તે દિવ્યતા ધરાવતો નથી.
જે પંડિત છે તે ડાહ્યો નથી, જે ડાહ્યો છે તે પંડિત નથી.
સંત પોતાના ગુણોનું પ્રદર્શન કરતા નથી, કારણ તેમની પાસે જાણકારી છે.

‘પોતાને ખબર છે તેની ખબર ના હોવી તે જ સૌથી સારું.’’ તેમ કહેનાર તાઓના ચિંતનની મહાનતા એવી છે કે, કોઇ પણ સ્વરૂપ સાથે તેનું સરખાપણું નથી. લાઓત્ઝ પોતાનાં કાવ્યોમાં કહે છે, મારી પાસે ખજાના છે ત્રણ, જેને હું રાખું છું મારી પાસે સુરક્ષિત હું પહેલાને કહે છે પ્રેમ, બીજાને કહે છે અતિરેકરહિતતા, ત્રીજાને કહે છે દુનિયાથી આગળ થઇ જવાના અભરખાનો અભાવ પ્રેમ હોય એટલે વ્યક્તિ થઇ શકે બહાદુર, અતિરેક ન હોય એટલે રહી શકે ભરપૂર દુનિયાની આગળ થઇ જવાનો અભરખો ન હોય એટલે વ્યક્તિ થઇ શકે છે બધા અધિકારીઓની ઉપર પ્રેમને બદલે વ્યક્તિ પાસે જો હોય બહાદુરી, અતિરેકરહિતતાને બદલે વ્યક્તિ પાસે હોય વિપુલતા. તો પાછળ રહેવાને બદલે વ્યક્તિ જાય છે આગળ,આ બધું લઇ જાય માત્ર મૃત્યુ તરફ.

માનવજાતના ઇતિહાસના પ્રારંભે ગણો હતા. આ જનસમૂહ હળીમળીને રહેતા પણ કાળક્રમે શૂરવીર પુરુષો ગણોના મુખિયા બન્યા. તેમાંથી કોઇ સામંત થયું, રાજા થયા અને ૧૨મી સદી આસપાસ ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય તો ગ્રીસમાં સેલ્યુલસ પ્રકારના ચક્રવર્તી રાજાઓ અતિ ભૂમિ-પશુ અને હીરા-ઝવેરાતના અધિપતિ તરીકે પોંખાયા. ૧૭મી સદીમાં બ્રિટીશ હકૂમતે પોતાનું શાસન વિશ્વભરમાં પાથર્યું ને તેમાંથી સરમુખત્યારશાહી વિકસી. ધર્મ અને સત્તાનું બળ પ્રસ્થાપિત કરવા બે વિશ્વયુધ્ધો થયાં તેથી જગત લોકશાહી રાજય પ્રણાલી તરફ વળ્યું. આજે લોક્શાહી રાજય વ્યવસ્થાની બોલબાલા છે, પણ તાઓ સ્વતંત્ર માનવીની વૈયક્તિક ચેતનાને જાગૃત કરી રાજય વ્યવસ્થાને નિમ્ન સ્તરે મૂકી જણાવે છે કે, તાઓ ખોવાઇ જાય, ત્યારે ગુણ આવે, ગુણ ખોવાઇ જાય ત્યારે પરોપકારિતા આવે.

પરોપકારિતા ખોવાઇ જાય, ત્યારે ન્યાયીપણું આવે, ન્યાયીપણું ખોવાઇ જાય ત્યારે વિધિવિધાન આવે. વિધિવિધાન એટલે વફાદારી, આથી જ્ઞાની માણસ નક્કરને પકડશે, ધૂંધળાને નહીં, સજજન બીજાનો ત્યાગ કરશે, પ્રથમને સ્વીકારશે. રાજય વ્યવસ્થા કાયદો અને ન્યાયવ્યવસ્થાના નામે જનસમૂહને આજ્ઞાંક્તિ રાખવામાં માને છે. આધુનિક ઉદ્યોગો શિસ્તના નામે નાગરિકોને સર્કસ કલ્ચર તરફ દોરી રહ્યું છે ત્યારે લોઓ ઝે ઇચ્છે છે કે, લોકોને હુકમ કરવાવાળું કોઇ ના હોય,ત્યારે સ્વયમેવ તેઓ સંવાદી બનશે. જયારે સિદ્ધ થશે ગુણવત્તાઓ ને પુરા થશે વહેવારો,ત્યારે લોકો, અમે પ્રકૃતિને અનુસરીએ છીએ એમ પોતાના વિશે કહેશે.

બદલાતા જતા વ્યક્તિગત મૂલ્યોના કારણે વ્યક્તિની સફળતાના માપદંડો સમૂળગા અવળે માર્ગે જઇ પહોંચ્યા છે. આ વાતે દુ:ખ વ્યક્ત કરતા સમગ્ર અસ્તિત્વના સંદર્ભમાં માણસના એક ટપકા જેવા સ્થાનને મૂલવતાં લાઓ ત્ઝુ લખે છે, કે તમારાથી વધુ નિકટ શું? કીર્તિ કે તમે સ્વયં? તમને વધુ વહાલું શું? તમે સ્વયં કે સંપત્તિ? કોઇ પણ વસ્તુ માટે અતિ પ્રેમ,દોરી જાય દુર્વ્યય તરફ; ધનના સંગ્રહની પાછળપાછળ આવી જાય મોટી એટલે જે જાણે સંતોષને, તે ના થશે કદી માનભંગ; જે જાણે ક્યાં અટકી જવું, તે ના થશે કદી નાશવંત લાંબો કાળ તે ટકી રહેશે.

પ્રાપ્ત કરો લક્ષ્ય પરમ શૂન્યતાનું;જાળવી રાખો અવસ્થા સંપૂર્ણ શી અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને પછી આપણે જોઇએ તેમને પાછી ફરતી. જુઓ સંવર્ધન પામી રહેલી વસ્તુઓ તરફ; પ્રત્યેક પાછી ફરે છે તેના મૂળમાં. પાછું ફરવું મૂળમાં, તેને કહે છે શાંતિ;તેનો અર્થ થયોઃજવું નિયતિની પૂર્વ સ્થિતિમાં કીર્તિ અને અપકીર્તિ ભય જેવા છે ઊંચું સ્થાન છે કીર્તિનું અને નીચું છે અપકીર્તિનું. પ્રાપ્ત કરો,તો પણ તમે રહો જાણે ભયમાં અને ગુમાવો તો પણ રહો જાણે ભયમાં. લાભ અને હાનિ આપણા દેહ જેવાં છે દેહ છે એટલે થાય લાભ અને હાનિ. હોય નહીં દેહ તો થાય ક્યાંથી લાભ અને હાનિ? એટલે પોતાના દેહના લાભને જે રીતે ગણે, તે જ રીતે ગણે દુનિયાના લાભને,તે કરી શકે શાસન દુનિયાનું. પ્રેમ કરે જેટલો પોતાના દેહને, તેટલો જ પ્રેમ કરે દુનિયાને. અથાગ ચિંતન અને પરિભ્રમણ કરતાં રહી જગતને સનાતન સૂત્રો આપનાર લાઓત્ઝને આજે ૨૬૦૦ વર્ષ પછી પણ જગત ભૂલ્યું નથી. આમ છતાં, લાઓત્ઝ માટે તો તેના ચિંતનથી વિશેષ તેનું માનવસમૂહ માટેનું પ્રત્યક્ષ કર્મ અગત્યનું રહેતું.

અખિલ બ્રહ્માંડમાં ‘‘એક તું શ્રી હરિ તેવું પિંડે-બ્રહ્માંડે’નું ગીત ગાનાર આપણા નરસિંહ મહેતાએ હરિજનવાસમાં સંકીર્તન કર્યું, તે પછી પોતાનો મહિમા પોતે જ ગાયો તેમ લાઓત્ઝ પણ પોતાના સામાજિક કર્તવ્યને વર્ણવતાં લખે છે.તાઓ તે ચીંગનાં બૌધ સૂત્રો વધુ લોકોમાં પહોંચે તે માટે લાકડામાં કોતરી, કપડાં ઉપર છાપી તેના પ્રચારના વિચારે શ્રેષ્ઠીઓ પાસેથી દાન મળે છે પણ પહેલી વાર દુષ્કાળમાં અને બીજી વાર અતિવૃષ્ટિના લીધે શ્રેષ્ઠીઓનું દાન આફતગ્રસ્તો માટે ખર્ચાયું. ૮-૧૨ વર્ષ વેડફાઈ ગયા પણ પછી ઝાડની છાલને કાગળ ઉપર થએલ છાપકામની પ્રત તૈયાર થાય છે ત્યારે એક બૌધ ભિક્ષુ પૂછે છે, ‘આપની આવૃત્તિ કેવી રહી!’ મેં(લાઓત્ઝ) કહ્યું, ‘‘પ્રથમ આવૃત્તિ જેટલી માનવીય નહીં. સવાર પડતાં જ ટનબંધ છાપકામ બજારમાં ઠલવાય છે. તે વચ્ચે લાઓ તે ચીંગનો પ્રભાવ આજે પણ શ્વેતતારક જેવો વજનદાર છે જે વાચકોને દિશાનિર્દેશને લેખકોને પ્રેરણા આપે છે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top