Editorial

ખેડૂતોનું આંદોલન અને લોકસભાની તૈયારી બંને ચરમસીમા ઉપર છે

ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેકવાર વાટાઘાટો થઈ હોવા છતાં કોઈ સહમતિ બની શકી નથી. હવે ખેડૂતો આંદોલન(Farmers Protest) વધુ ઉગ્ર બનાવશે, આજે દેશભરમાં ખેડૂતો ટ્રેનો રોકો અભિયાન ચલાવશે. આ અભિયાનમાં મહિલા ખેડૂતો પણ ભાગ લેશે. આ અંતર્ગત એકલા પંજાબમાં જ 52 સ્થળોએ ટ્રેનોને રોકવામાં આવશે. યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ કેટલાક પાક પર MSP આપવા અંગેના કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના નિવેદનને સંપૂર્ણ રીતે ભ્રામક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ એ જ પ્રસ્તાવ છે જેને ખેડૂતો આગેવાનોએ છેલ્લી મીટીંગમાં કરી હતી.

આ પ્રસ્તાવ ખેડૂતોની મુખ્ય માંગથી વિપરીત હોવાથી ફગાવી દેવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે સરકાર કોન્ટ્રાક્ટ ફાર્મિંગની લાઇન પર માત્ર 5 વર્ષ માટે MSP આપી રહી છે.ખેડૂત આંદોલનના નેતાઓ અમરજીત સિંહ મોહરી, મલકિત સિંહ અને જંગ સિંહ ભટેરડીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી દિલ્હી પહોંચેલા સાથી ખેડૂતોને દિલ્હી પોલીસે મંજૂરી આપી નથી. આ સરકારનો અસલી ચહેરો છતો કરે છે.

સરકાર નથી ઈચ્છતી કે ખેડૂતો દિલ્હી આવે અને પોતાના હક માટે પ્રદર્શન કરે. ખેડૂત નેતાઓએ કહ્યું કે અંબાલામાં કલમ 144 લાગુ કરવી અને અંબાલા પ્રશાસન દ્વારા આપવામાં આવેલા નિવેદનો સાબિત કરે છે કે હરિયાણા સરકાર દેશમાં લોકતંત્ર અને બંધારણને કોઈ મહત્વ નથી આપતી. તેમણે કહ્યું કે ખેડૂતો સરકારની આવી ધમકીઓથી ક્યારેય ડરતા નથી અને તેમના હક માટે દરેક પ્રકારની લડાઈ લડશે. ખેડૂત નેતાઓએ કહ્યું કે આ અભિયાનમાં મહિલા શક્તિ સમાન ભૂમિકા ભજવશે અને પંજાબ સહિત દેશભરમાં ટ્રેનોને રોકવામાં આવશે.

રવિવારે કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) ટ્રેનો રોકશે. ટીએમસીએ રવિવારે પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની યાદી બહાર પાડી હતી, જેમાં સાત વર્તમાન સાંસદોને પડતા મૂકવામાં આવ્યા હતા અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત અસંખ્ય નવા ચહેરાઓનો સમાવેશ કરીને એક મોટો ફેરફાર કર્યો હતો. તો આ પહેલા ભારતીય જનતા પાર્ટી દેશભરમાં પહેલા તબક્કામાં 195 બેઠકની જાહેરાત કરી ચૂકી છે.

જેમાં અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી, નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. તો કોંગ્રેસે પણ જે 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં રાહુલ ગાંધીને કેરેલાના વાયનાડથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આવતા અઠવાડિયે જ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઇ જાય તેવી શક્યતા વચ્ચે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાડી રહ્યાં છે.

તો બીજી તરફ ખેડૂતોનું આંદોલન પણ જોર પકડી રહ્યું છે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના નેતા જગજીતસિંહ દલ્લેવાલે જણાવ્યું હતું કે, “અમે અમારી માંગણીઓ મનાવવા માટે ‘દિલ્હી ચલો’નો નારો નથી આપ્યો. અમે સરકાર પાસેથી ફક્ત એ જ માંગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચતા સમયે સરકારે અમને જે વચન આપ્યું હતું તેને નિભાવે.” દલ્લેવાલ કહે છે, “સરકારે એ સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગૅરંટીનું વચન આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ખેડૂતો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવશે.

લખીમપુર-ખીરીની ઘટનામાં મરનાર લોકોના પરિવારોને નોકરી અને ઘાયલોને દસ-દસ લાખ રૂપિયા આપવામાં આવશે એવું પણ વચન આપવામાં આવ્યું હતું.”  ખેડૂત અધિકાર કાર્યકર્તા અને પત્રકાર મનદીપ પૂનિયા કહે છે કે, “ખેડૂતોને લાગે છે કે ચાર મહિનામાં ચૂંટણી છે. એટલે આ વચનો પૂરા કરવા માટે દબાણ બનાવવાનો શ્રેષ્ઠ સમય છે. એક રીતે આ તેમની રણનીતિ ગણાય છે.” તેમણે કહ્યું કે, “હાલની એમએસપી ફૉર્મ્યૂલાથી ખેડૂતોને તેમના પાકોનું મૂલ્ય આપવામાં આવે છે તેનાથી તેમનો ખર્ચ નીકળતો નથી. તેઓ સ્વામીનાથન કમિશન પ્રમાણે લઘુતમ મૂલ્યની માંગ કરી રહ્યા છે. સરકાર માત્ર ઇનપુટ ખર્ચના હિસાબે જ કિંમત નક્કી કરી દે છે. એમાં મજૂરીને પણ ગણતી નથી.” જ્યારે દલ્લેવાલ કહે છે, “અમે સરકારને તેમણે આપેલાં વચનો યાદ અપાવી રહ્યા છીએ.

ચૂંટણી આવી રહી છે અને પછી નવી સરકાર આવશે તો એ કહેશે કે અમે તો કોઈ વચન આપ્યું જ નથી. એટલે આ યોગ્ય સમય છે કે સરકાર તેનાં વચનો પૂરા કરે.” દલ્લેવાલ કહે છે કે, “આ વિડંબના છે કે જે એમ.એસ. સ્વામીનાથનને સરકારે ‘ભારત રત્ન’ આપ્યો છે પણ તેમના જ નામે બનેલી કમિટીનો રિપોર્ટ સરકાર લાગુ કરતી નથી. તેમણે ખેતીનું ઔદ્યોગિકીકરણ ન કરવાની સલાહ આપી હતી પણ સરકાર સલાહ અનુસરી રહી નથી.” પંજાબ અને હરિયાણા સહિત ઘણાં રાજ્યોમાં ખેડૂતો આંદોલનની તૈયારીમાં વ્યસ્ત છે. ઘરે-ઘરેથી અનાજ એકત્ર કરવામાં આવી રહ્યું છે. ટ્રેક્ટર, ટ્રૉલીઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

બીજી તરફ સરકાર ખેડૂતોના મોરચાને રોકવાની તૈયારી કરી રહી છે. મીડિયામાં તસવીરો સામે આવી રહી છે જે દર્શાવે છે કે પંજાબ અને હરિયાણા વચ્ચેની સિંઘુ બૉર્ડરને સિમેન્ટનાં બૅરિકેડ અને કાંટાળા વાયરોથી સીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ખેડૂતો પણ હવે આક્રમક મૂડમાં આવી ગયા છે અને આજે રેલ રોકો આંદોલનની જાહેરાત કરી દીધી છે. રેલ રોકો આંદોલન તમામ આંદોલનમાં એટલા માટે સૌથી વધુ આક્રમક ગણાય છે કારણ કે એક ટ્રેન અટકે તો તેની અસર સમગ્ર દેશમાં દોડતી ટ્રેનો ઉપર થાય છે એટલે હવે ખેડૂતો તેમની માગ માટે આક્રમક બની ગયા છે તો બીજી તરફ રાજકીય નેતાઓ લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે.

Most Popular

To Top