બિકાનેરના જૈન જ્ઞાનભંડારમાં ૭૫,૦૦૦ પ્રાચીન હસ્તપ્રતોનો સંગ્રહ છે

આધુનિક કાળમાં પણ જો એક શ્રદ્ધાસંપન્ન ગૃહસ્થ ધારે તો શ્રુતરક્ષાનું કેટલું મોટું કાર્ય કરી શકે તેનું ઉદાહરણ બિકાનેરનો શ્રી અભય જૈન ગ્રંથાલય છે. વિક્રમ સંવત ૧૯૮૪ ની વસંત પંચમીના દિવસે બિકાનેર પધારેલા જૈનચાર્યશ્રી જિનકૃપાચંદ્રસૂરિજીએ પ્રવચનમાં શ્રુતરક્ષાનો અચિંત્ય મહિમા વર્ણવ્યો. તેમણે કહ્યું કે “મેં અહીંના પ્રાચીન જ્ઞાનભંડારોનો જીર્ણોદ્ધાર કરવા જ બિકાનેરમાં ચાતુર્માસ કરવાનો નિર્ણય કર્યો છે.” તેમનું પ્રવચન સાંભળી ૧૭ વર્ષના લબરમૂછિયા યુવાન અગરચંદ નાહટાને અને તેમના જેટલી જ ઉંમર ધરાવતા ભત્રીજા ભંવરલાલ નાહટાને અખૂટ પ્રેરણાનું પાથેય પૂરું પાડ્યું.

બંને યુવાનોએ સંકલ્પ કર્યો કે તેઓ પોતાની તમામ શક્તિ શ્રુતરક્ષાના અને શ્રુતસંરક્ષણના કાર્યમાં લગાવી દેશે. આ દિવસોમાં બોમ્બે હાઈ કોર્ટના વકીલ મોહનલાલ દલીચંદ દેસાઈએ ‘કવિવર સમયસુંદર’ નામના ગ્રંથનું આલેખન કર્યું હતું. આ પુસ્તક જોઈ અગરચંદે અને ભંવરલાલે વિચાર્યું કે એક વકીલ મુંબઈમાં રહીને પણ શ્રુતની આટલી સેવા કરતા હોય તો તેઓ કેવી રીતે પાછળ રહી શકે? તેમણે શ્રી સમયસુંદરજી ગણિ બાબતમાં સંશોધન આગળ ધપાવવાનો નિર્ણય કર્યો. બિકાનેરના શ્રી મહાવીર જૈન મંડલના પુસ્તકાલયનું અવલોકન કરતાં તેમને વિ.સં. ૧૮૦૪ માં લખાયેલો એક ગુટકો મળી આવ્યો, જેમાં શ્રી સમયસુંદરજી ગણિની અનેક કૃતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાકા–ભત્રીજાનો ઉત્સાહ વધી ગયો અને તેમણે બમણા જોશથી પોતાન કાર્યને આગળ ધપાવ્યું. શ્રી સમયસુંદરજીની કૃતિઓની શોધ કરતાં તેમણે અનેક ગ્રંથો જોયા. તેમાં જે કવિઓની રચના ગમે તેને તેઓ પોતાના સંગ્રહમાં રાખી લેતા.

એક વખત અગરચંદ અને ભંવરલાલને ખબર પડી કે મોટા ઉપાશ્રયમાં જૂના ગ્રંથોના ઢગલાઓ પડ્યા છે, જેને તેઓ પસ્તીમાં વેચવાનો વિચાર કરી રહ્યા હતા. તેમણે એ બધા ગ્રંથો ખરીદી લીધા. તેમાં તેમને અનેક ઉપયોગી હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. આ રીતે રાજસ્થાનમાં ક્યાંય પણ જૂના ગ્રંથો પસ્તીમાં આવે કે યોગ્ય કિંમતે વેચાવા આવે તેને તેઓ ખરીદી લેતા. ક્યારેય તેમની પાસે આખો ગ્રંથ આવવાને બદલે અનેક ગ્રંથોના છૂટાં પાનાંઓનો ઢગલો આવતો. તેઓ દિવસો સુધી મહેનત કરીને આ છૂટાં પાનાંઓ ગોઠવતા અને જૂના ગ્રંથોનું પુન:નિર્માણ કરતા. ધીમે ધીમે તેમનો સંગ્રહ વિસ્તૃત થતો ગયો. તેમનાં ઘરમાં જગ્યા ઓછી પડવા લાગી એટલે વિ.સં. ૨૦૦૦ માં તેમણે જ્ઞાનભંડાર અને કલાભવન તરીકે ઉપયોગમાં લેવા ચાર માળના મકાનનું નિર્માણ કરાવ્યું.

પ્રારંભમાં ભવનના ભોંયતળિયે જ હસ્તપ્રતોનો સંગ્રહ રાખવામાં આવ્યો હતો. આ ગ્રંથાલયને શ્રી અગરચંદ નાહટાના સ્વર્ગસ્થ વડીલ બંધુ શ્રી અભયરાજની સ્મૃતિમાં શ્રી અભય જૈન ગ્રંથાલય નામ આપવામાં આવ્યું છે. થોડા સમયમાં ગ્રંથોની સંખ્યા વધતી ગઈ. ભોંયતળિયું ગ્રંથોથી ભરાઈ ગયું. વધુ ગ્રંથોનો સમાવેશ કરવા બીજા માળે પણ ગ્રંથો ગોઠવવામાં આવ્યા. એમ કરતાં ભવનનો ત્રીજો માળ પણ જ્ઞાનભંડારમાં રોકાઈ ગયો. ચોથા માળે શંકરદાન નાહટા કલાભવન (મ્યુઝિયમ) બનાવવામાં આવ્યું હતું, જેને અગરચંદ નાહટાએ પોતાના પિતાશ્રીનું નામ આપ્યું હતું. આજની તારીખમાં આ જ્ઞાનભંડારમાં આશરે ૭૫,૦૦૦ હસ્તલિખિત ગ્રંથો ઉપરાંત ૫૦,૦૦૦ મુદ્રિત પુસ્તકો ઉપલબ્ધ છે. અહીં જૈન ધર્મના તેમ જ અન્ય આશરે ૪૫૦ મૅગેઝિનો અને પત્રિકાઓની વર્ષવાર ફાઈલો સાચવીને રાખવામાં આવી છે.

શ્રી અભય જૈન ગ્રંથાલયમાં ઈ.સ.ની તેરમી સદીથી લઈને અર્વાચીન કાળના ગ્રંથો ઉપલબ્ધ છે. જે હસ્તપ્રતો છે તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિન્દી, ગુજરાતી, રાજસ્થાની, ઉત્કલ, શારદા, ઠાકરી, કન્નડ, તામિલ, બાંગ્લા, પંજાબી, સિંધી, ઉર્દૂ, ફારસી આદિ અનેક ભાષાઓમાં છે. અનેક ગ્રંથો એવા છે કે જેની બીજી એક પણ નકલ ભારતના કોઈ જ્ઞાનભંડારમાં જોવા મળતી નથી. ચોથા માળે આવેલા કલભવનમાં ૧૪મી સદીમાં તાડપત્ર ઉપર લખાયેલા નાગરી લિપિના અને ૧૭ મી સદીમાં તાડપત્ર ઉપર લખાયેલા નાગરી લિપિના બાંગ્લા ગ્રંથો ખાસ ઉલ્લેખનીય છે. તદુપરાંત ઓસવાળ જાતિના અનેક ગોત્રની વંશાવળીઓ અને વહીઓનો સંગ્રહ જોવા મળે છે. રાજાઓના હાથે લખવામાં આવેલાં અનેક ફરમાનો અને પત્રોનો તેમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. ૧૬ મી સદીના ગુટકાઓ ઉપર વિવિધ રંગો વડે બોર્ડરો બનાવવામાં આવી છે અને ચિત્રકામ પણ કરવામાં આવ્યું છે. શ્રી અભય જૈન ગ્રંથાલયમાં શ્રી કલ્પસૂત્રની સ્વર્ણાક્ષરી પ્રાચીન હસ્તપ્રત પણ સાચવીને રાખવામાં આવી છે. વિક્રમ સંવત ૧૬૪૭ આસપાસ કાપડ ઉપર લખવામાં આવેલાં ‘૧૨ વરત રાસ’ અને ‘હરમાગરણ’ જેવી કૃતિઓ આ જ્ઞાનભંડારની વિશેષતા છે.

૧૪મી સદીના જૈનાચાર્યશ્રી તરુણપ્રભસૂરિજીનું કપડાં પર બનેલું રંગીન ચિત્ર અને ૭૦૦ વર્ષ પ્રાચીન બૌદ્ધ ચિત્રપટ પણ ઉલ્લેખનીય છે. આ ચિત્રમાં બૌદ્ધ મત મુજબના ૮૪ સિદ્ધો સાથે ગૌતમ બુદ્ધની ૨૦ મુદ્રાઓ દર્શાવવામાં આવી છે. કલાભવનમાં આશરે ૧૫૦૦ વર્ષ પ્રાચીન રાજગૃહીની શિલા પણ લાવીને રાખવામાં આવી છે. આ શિલા ઉપર પ્રાચીન લિપિમાં કોઈ લેપ કોતરેલો છે. આશરે ૨,૦૦૦ વર્ષ પુરાણા સિક્કાઓ પણ તેમાં રાખવામાં આવ્યા છે. આ મ્યુઝિયમમાં પ્રાચીન અનેક સામગ્રીઓ રાખવામાં આવી છે. બિકાનેરનો શ્રી અભય જૈન ગ્રંથાલય દેશવિદેશના સ્કોલરો અને સંશોધકોનો પણ માનીતો છે. રાજસ્થાનના પ્રખ્યાત લેખક અને સાહિત્યકાર રામનિવાસ શર્માએ આ ગ્રંથાલયને ભારતનો એક અણમોલ ખજાનો ગણાવ્યો છે.

વાસુદેવશરણ અગ્રવાલ નામના વિદ્વાન કહે છે કે “શ્રી અગરચંદ નાહટાએ એકલાએ એક સંસ્થા જેવું કામ કર્યું છે. આવનારી પેઢીઓ તેમની ખૂબ આભારી રહેશે.” પૂનાની વાડિયા કૉલેજના સંસ્કૃતના પ્રોફેસર પી.એલ. વૈદ્યએ આ ગ્રંથાલયને ‘આશ્ચર્યજનક અને કીમતી સંગ્રહ’ તરીકે બિરદાવ્યો હતો. અમદાવાદના સ્કોલર જિતેન્દ્ર જેટલીના શબ્દોમાં “આ સંગ્રહ જોઈને મને એટલા માટે વિશ્વાસ અને પ્રસન્નતા થઈ કે આ જમાનામાં પણ અભ્યાસ અને સંશોધન યોગ્ય પ્રાચીન ગ્રંથો અને કલાકૃતિઓનો આવો સંગ્રહ આટલી વ્યવસ્થિત રીતે કોઈ સંસ્થાએ નહીં પણ એક વ્યક્તિએ ઊભો કર્યો છે.” વારાણસીના હિન્દુ વિશ્વવિદ્યાલયના ઉદયશંકર શાસ્ત્રી કહે છે કે “આ અદભૂત સંગ્રહમાં એટલાં બધાં રત્નો પડ્યા છે કે તેની કિંમત વધતી જ રહેવાની છે.”

દિલ્હી વિશ્વવિદ્યાલયના ડૉ. દશરથ ઓઝા એ લખ્યું છે કે “નાહટાજીનું સંગ્રહાલય ભારતની એક અમૂલ્ય મૂડી છે. સરકારની કોઈપણ સહાય વિના આટલો મોટો સંગ્રહ ઊભો કરવો એ નાહટાજી જેવા સરસ્વતીના ઉપાસક માટે જ શક્ય છે. જે કાર્ય કાશીમાં નાગરી પ્રચારિણી સભાએ સરકારી આર્થિક મદદથી અને અનેક લોકોના સહયોગથી પૂર્ણ કર્યું તે કાર્ય રાજસ્થાનમાં એક વ્યક્તિએ માત્ર પોતાની સાધનાથી પૂર્ણ કર્યું છે. લંડન વિશ્વવિદ્યાલયના ડબ્લ્યુ.એસ. કુલાએ પણ આ સંગ્રહને “Most interesting and so fine collection of books, manuscripts and objects of art” તરીકે બિરદાવ્યો છે.
લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.Related Posts