SURAT

કોરોનાની બીજી લહેરને પગલે કાપડ ઉદ્યોગને મોટી અસર : મિલો દ્વારા 40 ટકાનો ઉત્પાદન કાપ

સુરત: સુરત (surat) સહિત દેશભરના ઔદ્યોગિક શહેરોમાં કોરોનાની બીજી લહેર(corona second wave)ને લીધે કાપડ ઉદ્યોગને મોટી અસર થઇ છે. સુરતમાં કોરોના સંક્રમણ (corona infection) પીક પર નહતુ ત્યારે વિવર્સ અને ટ્રેડર્સના ઝઘડામાં ગ્રે કાપડની ડિલિવરીને અસર થઇ હતી. તે સમાધાન થયા પછી સુરતમાં કોરોના સંક્રમણ વધવા સાથે મૃત્યુઆંક વધ્યો છે. કામદારો હિજરત કરી રહ્યા છે. બીજી તરફ દેશભરમાં કાપડની ડિમાન્ડ(demand)માં ઘટાડો થતા સુરતની મિલોએ 40 ટકા સુધી ઉત્પાદન કાપ (production cut) મુકવો પડ્યો છે. જે મિલો જોબવર્ક (job work) પર ચાલે છે, તેમને ટ્રેડર્સ દ્વારા ઓછા ઓર્ડર અપાતા કેટલીક મિલોએ સ્વૈચ્છિક રીતે સપ્તાહમાં બેથી ત્રણ દિવસ રજા રાખવાનું નક્કી કર્યુ છે.

એપ્રિલ થી મે મહિના સુધીની લગ્નસરાની સીઝન ગયા વર્ષની જેમ નિષ્ફળ ગઈ છે, કાપડના વેપારી, વીવર્સ અને મિલ માલિકોને કરોડો રૂપિયાની નુકસાનીનો ફરી સામનો કરવાની સ્થિતિ ઊભી થઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કોરોના આ મહામારીએ માથું ઉચક્યું હતું, જેના લીધે સરકાર દ્વારા ત્રણ મહિના લાંબો લોકડાઉન લગાવી દેવાયો હતો. લોકડાઉન ના લીધે પરપ્રાંતીય શ્રમિકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાખો કામદારો હજારો કિલોમીટર પગપાળા ચાલીને વતન જવા મજબૂર થયા હતા. ફરી એકવાર કોરોના સંક્રમણ પીક પર પહોંચતા શ્રમિકોમાં ભય વ્યાપી ગયો છે. તંત્રને અને ઉદ્યોગકારોના પ્રયાસ ના લીધે હજુ સુધી સામૂહિક હિજરત શરૂ થઈ નથી પરંતુ કેટલાક કામદારો છુટા છવાયા વતન જઈ રહ્યા છે. પાંડેસરા ભેસ્તાન સાયણ સચિન કામરેજ પલસાણા કડોદરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી બસમાં બેસી મજદૂરો વતન રવાના થઈ રહ્યા છે. જેની અસર ઉત્પાદન પર પડી છે.

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે, હાલ ઉત્પાદન તેની ક્ષમતાથી 40% ઓછું થઈ રહ્યું છે. કામદારોને વતન નહીં જવા સમજાવવામાં આવે છે. તેમ છતાં કેટલાક કામદારો જઈ રહ્યા છે. જોકે અત્યારે દરેક મિલોના સંચાલકો પાસે પુરતી સંખ્યામાં કામદારો છે. તેને લઇને ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન ચાલી રહ્યું છે. બહારગામથી વેપારીઓ ખરીદી કરવા નહીં આવતા હોવાથી માંગ માં મોટો ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર કાપડ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન નો સામનો કરવાની સ્થિતિ ઊભી થઈ છે.

Most Popular

To Top