Dakshin Gujarat

ભુજ-બાંદ્રા ટ્રેનમાંથી પાસ હોલ્ડરોનો ડબ્બો કાઢી નાંખવામાં આવતા પાસ ધારકોને હાલાકી

નવસારી : ભુજ-બાંદ્રા ટ્રેનમાં પાસ હોલ્ડરોનો ડબ્બો કાઢી નાંખતા પાસ ધારકોને હાલાકી પડતા નવસારીના પાસ ધારકોએ રેલ્વે વિભાગને ફરિયાદ કરી છે.

નવસારીથી હજારો લોકો એક તરફ સુરત, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા સુધી નોકરીએ જતા હોય છે. તો બીજી તરફ વલસાડ, વાપી પણ જઈ રહ્યા છે. આ સિવાય વેપારીઓ પણ રોજ એક તરફ મુંબઈ તો બીજ તરફ સુરત માલ-સામાનની ખરીદી કરવા માટે જતા હોય છે.

રોજીંદા મુસાફરો માટે રેલ્વે વિભાગે પાસની સુવિધા કરી આપી છે તેમજ પાસ ધારકો માટે અલગથી ડબ્બો પણ રાખવામાં આવ્યો હતો. નોકરીયાવર્ગ ખાસ કરીને એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. જેથી ટ્રેનના સ્ટોપેજ ઓછા હોવાથી નોકરિયાતવર્ગ ઓછા સમયમાં તેમની નોકરીની જગ્યાએ પહોંચી જાય છે.

નોકરિયાતવર્ગ વાપી, વલસાડ અને મુંબઈ સુધી જવા માટે સવારે 7:30 વાગ્યે આવતી ભુજ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરી છે. કારણ કે ત્યારબાદ લોકલ ટ્રેન છે. જોકે ત્યારબાદ ભીલાડ સુધી જવા માટે એક્સપ્રેસ ટ્રેન છે. પરંતુ તે ટ્રેન નવસારીમાં 9 વાગ્યા બાદ આવતી હોવાથી નોકરિયાતવર્ગ તે ટ્રેનનો ઉપયોગ કરતા નથી.

બીજી તરફ સુરત, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા જવા માટે એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. જેમાં પણ ખાસ કરીને 8 વાગે નવસારી આવતી વલસાડ-વડોદરા ઇન્ટરસીટી ટ્રેનનો ઉપયોગ વધુ થતો હોય છે. જોકે હાલમાં રેલ્વે વિભાગે વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેન શરુ કરી છે. પરંતુ તે ટ્રેન સવારે 6 વાગ્યે આસપાસ આવતી હોય છે. જેથી દુર જનાર મુસાફરો જ તે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે.

કોરોના પહેલા સવારે નવસારીથી સુરત અને નવસારીથી વલસાડ-વાપી જતી ટ્રેનો તેમજ સાંજના સમયે દોડાવવામાં આવતી આ ટ્રેનોમાં એમએસટી ડબ્બો બનાવ્યો હતો. જે ડબ્બો માત્ર રોજીંદા અપ-ડાઉન કરતા પાસધારક મુસાફરો માટે હતો. પરંતુ કોરોના બાદ આ ટ્રેનોમાંથી એમએસટી ડબ્બો રેલ્વે વિભાગે કાઢી નાંખ્યો છે. જેના કારણે પાસધારકો જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા છે.

જોકે પાસધારક મુસાફરોએ સમયસર નોકરીએ પહોંચવાનું હોવાથી તેઓ સવારની વહેલી ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. જેમાં પાસધારકો સહીત અન્ય મુસાફરોનો પણ ઘસારો હોવાથી ટ્રેનના જનરલ ડબ્બામાં જગ્યા ઓછી થઈ જાય છે. જેના કારણે પાસધારકો અને અન્ય મુસાફરોને હાલાકી પડી રહી છે. ત્યારે પાસધારકો મુસાફરી માટે ઉપયોગ કરતી ટ્રેનોમાં એમએસટી ડબ્બો ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top