Sports

ICCએ પાકિસ્તાનની આ માંગ ઠુકરાવી, વર્લ્ડ કપ પહેલા લાગ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: લાંબા સમયથી ક્રિકેટની (Cricket) ટૂર્નામેન્ટો ચાલી રહી છે. થોડા સમય પહેલા ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં (WTC) નિરાશા મળી હતી. જે બાદ હવે ભારતમાં વનડે વર્લ્ડ કપ (World Cup) શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષે વર્લ્ડ કપ ભારતના (India) નેતૃત્વમાં રમાશે. હજી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ નથી પરંતુ મળતી માહિતી મુજબ આ ટૂર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. જો કે આ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને મોટો ઝટકો લાગ્યો છે. PCBએ ICC અને BCCI પાસે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચનું સ્થળ બદલવાની માંગણી કરી હતી.

PCB આ બે સ્થળે મેચ રમવા માંગે છે
પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોરમાં મેચ રમવાનું છે. તે પછી તરત જ અફઘાનિસ્તાન સામેની મેચ ચેન્નાઈમાં રમાશે. મળતી માહિતી મુજબ પાકિસ્તાની બોર્ડે આ બંને સ્થળોની અદલાબદલી કરવાની માંગ કરી હતી. PCB ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં અને અફઘાનિસ્તાન સામે બેંગલુરુમાં મેચ રમવા માંગે છે. પરંતુ ICC અને BCCIએ પાકિસ્તાની બોર્ડની આ માંગને ઠુકરાવી દીધી છે. આઈસીસી અને બીસીસીઆઈની 20 જૂને બેઠક થઈ હતી. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પોતાના નિર્ણય અંગે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.

ખેલાડીઓની સુરક્ષા અને મેદાનને કારણે સ્થળ બદલાય- ICC
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બંને સ્થળોને કેમ બદલવા માંગે છે આનો જવાબ આપ્યો નથી. તેથી ICC અને BCCIએ તેની માંગ ઠુકરાવી દીધી છે. BCCI એ કહ્યું કે ટૂર્નામેન્ટ ખૂબ જ નજીક છે, આવી સ્થિતિમાં સ્થળ બદલી શકાય નહીં. જો કે સ્થળ બદલવાનો અધિકાર ભારતને છે, પરંતુ આ માટે પણ ICCની પરવાનગી લેવી પડશે. જ્યારે ખેલાડીઓની સુરક્ષાને લઈને કોઈ સમસ્યા હોય ત્યારે જ વર્લ્ડ કપમાં સ્થળ બદલી શકાય છે. પણ અહીં એવું કંઈ નથી. ઉપરાંત જ્યારે મેદાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે યોગ્ય ન ગણાય ત્યારે સ્થળ બદલી શકાય છે.

અગાઉ પણ ઘણી વખત સ્થળ બદલવામાં આવ્યા છે
પાકિસ્તાન સાથેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સામે રમવાની છે. ત્યારે PCBએ સુરક્ષાના કારણોને ટાંકીને આ સ્થળ બદલવાની માંગ કરી હતી, પરંતુ ICC અને BCCIએ આ માંગ પર પણ ધ્યાન આપ્યું ન હતું. જો કે અગાઉ પણ ઘણી વખત સ્થળ બદલવામાં આવ્યા છે. જેમ કે 2016 T20 વર્લ્ડ કપ દરમિયાન સુરક્ષા કારણોસર ભારત-પાકિસ્તાનની મેચ ધર્મશાલાથી કોલકાતામાં શિફ્ટ કરવામાં આવી હતી.

Most Popular

To Top