Entertainment

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ કર્યો આપઘાત, વારાણસીની હોટલમાં લગાવી ફાંસી

નવી દિલ્હી: ભોજપુરી (Bhojpuri) અભિનેત્રી આકાંક્ષા દુબેએ (Actress Akanksha Dubey) બનારસની એક હોટલમાં આત્મહત્યા (Suicide) કરી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોડલ અને અભિનેત્રી આકાંક્ષા દુબેએ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં ફાંસી લગાવી જીવન ટૂંંકાવ્યું હતું.

આકાંક્ષા ભદોહી જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પારસીપુરની રહેવાસી હતી. તે ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. આકાંક્ષાએ ‘વીરોં કે વીર’ અને ‘કસમ બદના વાલે કી 2’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. આજે 26 માર્ચે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથેનું તેનું નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતનું નામ છે ‘આરા કભી હરા નહીં’. ચાહકો માટે એ માનવું મુશ્કેલ થઈ રહ્યું છે કે આકાંક્ષા જેને નવા ગીતમાં જોઈ છે તે આજે આ દુનિયામાં નથી. અભિનેત્રીએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સમાચાર આવ્યા બાદ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આનાથી બધાને મોટો આંચકો લાગ્યો છે.

નાનપણથી જ અભિનયનો શોખ હતો
આકાંક્ષા દુબે ત્રણ વર્ષની ઉંમરે તેના માતા-પિતા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. તેના માતા-પિતા તેને IPS ઓફિસર બનાવવા માંગતા હતા, પરંતુ તેમનું મન ડાન્સ અને એક્ટિંગમાં હતું. નાનપણથી જ તેને ટીવી જોવાનો શોખ હતો. આ જુસ્સાને અનુસરીને તે ફિલ્મી દુનિયામાં આવી. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ આકાંક્ષાએ ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી હતી. તેણે કહ્યું હતું કે તેની મિત્ર પુષ્પાંજલિ પાંડેએ આમાં તેની મદદ કરી હતી.

ડિપ્રેશનના કારણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી
રિપોર્ટ્સ અનુસાર 17 વર્ષની ઉંમરે આકાંક્ષા દુબેએ ભોજપુરી સિનેમામાં પગ મૂક્યો હતો. અહીં તેણે નિર્દેશક આશિ તિવારી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે તેને ઘણી વખત અસ્વીકારનો સામનો પણ કરવો પડ્યો હતો. કહેવાય છે કે વર્ષ 2018માં આકાંક્ષા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. આ પછી તેણે ફિલ્મી પડદાથી દૂરી બનાવી લીધી. તેણે કહ્યું હતું કે નવા કલાકાર સાથે નવા કલાકારની જેમ વ્યવહાર કરવામાં આવતો નથી. જેના કારણે લોકોનો વિશ્વાસ તૂટે છે.

માતાના કારણે પાછા આવ્યા
આકાંક્ષા દુબેએ ફિલ્મોમાં પુનરાગમન કરવાનો શ્રેય તેની માતાને આપ્યો. તેણે કહ્યું હતું કે તેની માતાએ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો હતો. ફિલ્મો સિવાય તેણે ઘણા સારા ગીતોના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. 2021માં આવેલું અભિનેત્રીનું ગીત ‘તુમ જવાન હમ લિકા’ બ્લોકબસ્ટર હિટ સાબિત થયું હતું. તેણે ખેસારી લાલ યાદવ સાથે વીડિયો ‘નચ કે માલકીની’માં પણ કામ કર્યું હતું. તેમના બ્લોકબસ્ટર હિટ ગીતોમાં ‘ભૂરી’, ‘કાશી હિલે પટના હિલે’, ‘નમરિયા કમરિયા મેં ખોસ દેબ’નો સમાવેશ થાય છે. આકાંક્ષા દુબે જેવી પ્રતિભાશાળી અભિનેત્રીની અચાનક વિદાય તેના ચાહકો માટે ખૂબ જ દુઃખની વાત છે.

Most Popular

To Top