Dakshin Gujarat

ડેડીયાપાડાના ધારાસભ્યએ ભીલ પ્રદેશની માંગ ઉઠાવી

રાજપીપળા: ફરી એક વાર અલગ ભીલ પ્રદેશ (Bhill Pradesh) ની માંગ ઉઠી છે. આ વખતે ભીલ પ્રદેશની માંગનો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava)એ હુંકાર કર્યો છે. રાજસ્થાન (Rajsthan) ના માનગઢ ખાતે યોજાયેલી ભીલ પ્રદેશ સંસ્કૃતિ મહાસંમેલનમાં આ માંગ ઊઠી હતી. સંમેલનમાં ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં નર્મદા અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં ચૈતર વસાવાએ આગામી દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસીઓને ભેગા કરી ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું એવો હુંકાર ભર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આદિવાસીઓ દેશના માલિક છે એ વાત સાચી પણ આદિવાસી સમાજ જાગૃત નથી એ દુ:ખદ બાબત છે.

દેશના મહામહિમ રાષ્ટ્રપતિને સંસદ ભવનના ઉદ્ધાટનમાં બોલાવાયા નથી. રાષ્ટ્રપતિ આદિવાસી હોવાના કારણે એમને જગન્નાથ પુરી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ ન અપાયો. આજે એક આદિવાસી પર મુત્ર વિસર્જન કરી ખુશી મનાવાઈ રહી છે. આ બધું એ સાબિત છે કે આદિવાસી સમાજ જાગૃત નથી પણ સૂઈ રહ્યો છે. ’

આ સંમેલનમાં ચૈતર વસાવાએ આદિવાસીઓની સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ ર્ક્યો હતો અને તેઓએ આગામી દિવસોમાં ભીલીસ્તાન માટે મુહિમ ચલાવવા પણ કહ્યું છે.

ચૈતર વસાવાના મનમાં ડર?
ચૈતર વસાવાએ કહ્યું કે, ‘આદિવાસીઓને થતાં અન્યાય અને શોષણ સામે લડતા કોઈપણ નેતાઓને નક્સલવાદી સાબિત કરી દેવામાં આવે છે અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે મને ડર છે કે, ભાજપ સરકાર મારી સામે પણ આદિવાસીઓને ન્યાય માટે ઉશ્કેરીને નક્સલવાદ ઉભો કરવાના બેબુનિયાદ આરોપો લગાવશે અને મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસ કરશે.’

છોટુભાઈ વસાવાએ પણ કરી હતી માંગ
આ પ્રથમવાર નથી કે કોઈ નેતા અથવા ધારાસભ્યએ અલગ ભીલીસ્તાન બનાવવાની માંગ કરી હતી. આના પહેલા ચૂંટણી સમયે અનેક વખત અલગ ભીલીસ્તાનની માગણી થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યારે ભીલ પ્રદેશને લઈને ચૈતર વસાવા સરકાર સાથે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત કેટલાક દિવસથી નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ડેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો.

Most Popular

To Top