Columns

ભાવ, ભજન અને ભક્તિ

એક ભિખારી ભગવાનનો પરમ ભક્ત હતો. તે ઘરે ઘરે ફરીને રોટલી માંગીને ખાતો, પણ પોતાની આવી પરિસ્થિતિનું તેને કોઈ દુઃખ ન હતું. તે પોતાની મસ્તીમાં રહેતો. ભાવથી ભગવાનનાં ભજન ગાતો ગાતો ઘર ઘર અને ગલી ગલી ફરતો. ભીખમાં ભોજન જ માંગતો  અને જે મળે તે ખાઈને પોતાનું પેટ ભરતો. એક દિવસ સુંદર ભજન ગાતો ગાતો તે એક શેઠના દરવાજે પહોંચ્યો અને ભજન ગાતાં ગાતાં જ રોટલી માંગી. શેઠાણીએ થોડી વારમાં અંદરથી જવાબ આપ્યો. હમણાં લાવું છું. થોડો સમય વીત્યો, ભિખારી ભજન ગાતો રોટલીની રાહ જોઈ રહ્યો હતો. શેઠાણીએ અંદરથી ફરી બૂમ પાડી કે જરા ઊભો રહેજે ભાઈ, હમણાં રોટલી લઈને આવું છું.

શેઠ ઊભા થઈને રસોડામાં જોવા ગયા કે રોટલી લઈને શેઠાણી કેમ આવતાં નથી? અને કોઈ કામમાં વ્યસ્ત હોય તો બીજા જોડે રોટલી કેમ મોકલતાં નથી? શેઠે જઈને જોયું તો રોટલી તો શેઠાણીના હાથમાં જ હતી, પણ તે રસોડાના બારણાં પાસે ઊભાં રહીને પેલા ભિખારીનું ભજન સાંભળી રહ્યાં હતાં. શેઠે કહ્યું, ‘શેઠાણી, રોટલી હાથમાં તૈયાર છે તો પછી શું કામ  બહાર પેલા ભિખારીને રાહ જોવડાવો છો. જાવ જઈને તેને રોટલી આપો. તે ક્યારનો રાહ જોતો ભજન ગાતો ઊભો છે.’ શેઠાણી બોલ્યાં, ‘રોટલી તેના માટે જ બનાવી છે, પણ મને તેનું ભજન સાંભળવું બહુ ગમે છે એટલે જો હું હમણાં તેને રોટલી આપીશ તો તે ધન્યવાદ કહીને આગળ વધી જશે અને પછી હું તેનું ભજન નહિ સાંભળી શકું અને મને તેનું ભજન હજી સાંભળવું છે.’

આ નાની વાતમાં બધાના ભાવ સારા અને સાચા છે. આપણે પણ જીવનમાં સારા અને સાચા ભાવ રાખવા જોઈએ. આ વાતમાં જે ભિખારી છે તે આપણે છીએ અને આપણે પૂરી ભાવ અને ભક્તિથી પ્રભુપ્રાર્થના કરીએ છતાં તેનો કોઈ ફળ રૂપી જવાબ ન મળે તો દુઃખી થવું નહિ, એમ સમજવું કે ભગવાનને શેઠાણીની જેમ તમારી પ્રાર્થના બહુ ગમી રહી છે એટલે તેઓ થોડી વધુ પ્રાર્થના સાંભળવા માંગે છે માટે ભગવાન સાંભળતો નથી એમ વિચારી દુઃખી થવું નહિ. ભગવાન ધ્યાનથી અને પ્રેમથી સાંભળી રહ્યો છે તેમ વિચારી ધીરજ ગુમાવ્યા વિના વધુ ભાવ અને ભક્તિથી સાચી પ્રાર્થના કરતાં રહેવું. એક દિવસ તમારી ભાવભરેલી પ્રાર્થના અને કરેલી પ્રતીક્ષાનું ફળ ચોક્કસ મળશે માટે પ્રાર્થના કરતા રહો.     
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top