Dakshin Gujarat

ભરૂચના સીલુડી ગામે મહિલા સરપંચને ગ્રામ પંચાયત ઓફિસે બોલાવી માર મારી જાતિવિષયક શબ્દો બોલાયા

ભરૂચ: વાલિયાના સીલુડી ગામે મહિલા સરપંચને અગાઉની મજૂરીના પૈસા બાબતે ગામના એક શખ્સે જાતિવિષયક શબ્દો બોલતાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વાલિયાના સીલુડી ગામે ૫૦ વર્ષીય પ્રેમીલા ચીમન વસાવા પાંચ મહિનાથી સરપંચ છે. શનિવારે બપોરે એકાદ વાગ્યે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઊર્મિલા ચૌધરીનો ફોન આવ્યો કે, તમે સીલુડી ગ્રામ પંચાયત ઓફિસે આવો. આમ જણાવતાં ગ્રામ પંચાયતે પહોંચી ગઈ હતી. એ વેળા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ યુસુફ અહમદ શાહ તેમજ ગામના મહમદ યુસુફ બાવા હાજર હતા. મહમદ યુસુફ બાવાએ સરપંચ પ્રેમીલાબેનને કહ્યું કે, અગાઉના સરપંચ વખત મારે મજૂરીના રૂ.૨૫ હજાર લેવાના છે. તે તમે મને આપી દો. જે બાબતે સરપંચ પ્રેમીલાબેને કહ્યું કે, તમારે શેના પૈસા લેવાના છે? આવી વાત કરતા મહમદ યુસુફ બાવાએ સરપંચને જાતિવિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારતાં બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં સરપંચને ઢીકાપાટુનો માર મારી ત્રિકમ વડે માર માર્યો હતો.

  • મજૂરીના પૈસા બાબતે બખેડો, ઘાયલ સરપંચને હોસ્પિટલ ખસેડાયાં
  • સરપંચને ઢીકાપાટુનો માર મારી ત્રિકમ વડે માર માર્યો હતો
  • ગ્રામ પંચાયતની ઓફિસની બહાર ઊભેલા ગ્રામજનોએ આવીને છોડાવ્યા

ગ્રામ પંચાયતની ઓફિસની બહાર ઊભેલા ગ્રામજનોએ આવીને તેમને છોડાવ્યા હતા. મહમદ યુસુફ બાવાએ કહ્યું કે, આ વખતે તું બચી ગઈ છે. પણ બીજી વખત મળશે તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. આ મારામારીમાં મહિલા સરપંચને ઈજા થતાં સરકારી દવાખાને સારવાર લીધી હતી. આ બાબતે મહિલા સરપંચે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં મહમદ યુસુફ બાવા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને જાનથી મારી નાંખવાની ધમકી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટમાં ડુક્કરનો પિતા-પુત્ર સહિત ત્રણ જણા ઉપર હુમલો
ભરૂચ: અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટમાં જંગલી ડુક્કર દ્વારા નાના ભાઈ ઉપર હુમલો કરાયો હોવાના કારણે ભાઈને બચાવવા પડેલા મોટા ભાઈને પણ ગંભીર ઈજા થઈ હતી. સાથે પુત્ર પણ વચ્ચે પડતાં ત્રણેય લોકોને હાથ-પગ તેમજ શરીર પર અને માથાના ભાગે બચકાં ભરી લેતાં લોહીલુહાણ અવસ્થામાં ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા.
ભરૂચના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટમાં ખેડૂત રમણ ગોવિંદ પટેલ કામ કરી રહ્યા હતા. એ દરમિયાન નજીકમાંથી જંગલી ડુક્કરે હુમલો કર્યો હતો. અને રમણભાઈના માથાના ભાગે બચકાં ભરી શરીર ઉપર બચકાં ભરતાં મોટાભાઈ જીવણ ગોવિંદ પટેલે ભાઈને બચાવવા પડ્યા હતા. એ દરમિયાન જંગલી ડુક્કરે જીવણભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો. મોં અને શરીરના ભાગે બચકાં ભરતાં બચવા મથતાં જીવણભાઈનો હાથ પણ ફ્રેક્ચર થઈ ગયો હતો. બંને ભાઈઓ પર જંગલી ડુક્કરે હુમલો કર્યો હોવાથી તેઓને બચાવવા માટે રમણભાઈ પટેલનો પુત્ર દીપક પટેલ પણ વચ્ચે પડ્યો હતો. તેને પણ જંગલી ડુક્કરે બચકાં ભરી ઘાયલ કરી દીધા હતા. એક જંગલી ડુક્કરે ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દેતાં સર્જાયેલી ચીસાચીસના પગલે ખેતમજૂરો એકત્ર થઈ ગયા હતા અને ત્રણેયને ડુક્કરના મુખમાંથી છોડાવી લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગંભીર રીતે ઘવાયેલા જીવણ ગોવિંદ પટેલનો એક હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. તદુપરાંત એને શરીરના ભાગે જંગલી ડુક્કરે બચકાં ભર્યા હોવાના કારણે તેની હાલત વધુ ગંભીર બનતાં સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યારે રમણ પટેલને પણ માથાના ભાગે જંગલી ડુક્કર બચકાં ભરી લેતાં ૫થી ૭ ટાંકા આવ્યા હતા અને શરીરના અન્ય ભાગે પણ ગંભીર ઈજા થઈ હતી. રમણભાઈ પટેલના પુત્ર દીપક પટેલને પણ પગના ભાગે જંગલી ડુક્કરે બચકાં ભરી લેતાં તેમને પણ લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં જંગલી ડુક્કરનો ત્રાસ વધી જતાં ખેતમજૂરો અને ખેડૂતોમાં ભયનો માહોલ ઊભો થયો છે.

Most Popular

To Top