Dakshin Gujarat

ભરૂચ શહેરને હેપ્પી, ગ્રીન અને ક્લીન બનાવવાનાં સપનાં પર CMની મહોર

ભરૂચ: ૧૬મી જૂને દહેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) “માય લિવેબલ ભરૂચ” અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ભરૂચ (Bharuch) કલેક્ટર તુષાર સુમેરાએ આ પ્રોજેક્ટ થકી ભરૂચ શહેરને હેપ્પી, ગ્રીન અને ક્લીન બનાવવાની નવતર પહેલનું સપનું જોયું છે. જેને સાકાર કરવા વહીવટી તંત્ર સાથે સામાજિક અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ ઉપરાંત નાગરિકો જોડાઈ રહ્યા છે. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૌરાણિક નગરી ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિગમ “માય લિવેબલ ભરૂચ”ની શરૂઆત થઇ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો શુભારંભ ગુરુવારે દહેજથી કરાવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ભરૂચને પસંદગીનું શહેર અને રહેવા યોગ્ય બનાવવા અને શહેરનું વાતાવરણ સુખદ બનાવવાના અનેકો પ્રયાસો કરવામાં આવશે. આ અભિયાન હેઠળ ભરૂચમાં કાર્યરત ઔદ્યોગિક એકમો સામાજિક જવાબદારી નિભાવવા તંત્ર સાથે ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. Corporate Social Responsibility-CSR દ્વારા જિલ્લામાં વિકાસ, જાળવણી અને સુંદરતામાં વધારો કરવા વિવિધ કામગીરીઓ કરશે. આ ઉપરાંત અનેક બિન-સરકારી સંસ્થાઓ અને સ્વયંસેવકો પણ પોતાનો સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.

ભરૂચ નગર માટે શું છે આ નવતર પહેલ
હવે ભરૂચ શહેરમાં સ્વચ્છતા માટે દિવસમાં ત્રણ વખત રસ્તાઓની સફાઈ કરવામાં આવશે. ભીંતચિત્રોથી શહેરને સુશોભિત કરાશે. તમામ જાહેર સ્થળો ચાલવા ફરવા યોગ્ય બનાવાશે. ભરૂચને આનંદપ્રદ અને સલામત બનાવશે. ફૂટપાથ, ઉદ્યાનણી ગુણવત્તા જાળવવા તેમજ રાહદારીઓને ટ્રાફિકથી બચાવવા માટે આયોજન કરાશે. રહેણાક રસ્તા પર ટ્રાફિક ઘટાડવા તેમજ ફૂટપાથ પહોળા બનાવાશે. વ્યવસાયિક ક્ષેત્ર કે વ્યાપારી વિસ્તારોમાં પાર્કિંગ માટે પાર્કિંગ સ્પેસ પ્રદાન કરાશે. શિક્ષણ અને સંદેશા વ્યવહાર સાથે જનજાગૃતિ અભિયાન દ્વારા તમામ શાળા, કોલેજ અને શહેરના તમામ રહેવાસીઓને પ્રેરિત કરવાના પ્રયાસો થશે.

Most Popular

To Top