Comments

ભારતીય ઘઉં તુર્કીએ ભલે રિજેક્ટ કર્યા પણ અન્ય દેશો ખરીદી રહ્યા છે

સખત ગરમીએ ભારતમાં ઘઉંનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું થવાની શક્યતા જોતા સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જેના પગલે અનેક દેશોમાં ખાદ્યાન્ન સંકટનું જોખમ વધી ગયું છે. જો કે સરકારે હાલ નફા માટે થતી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે આપત્તિમાં બીજા દેશોની મદદ માટે કરાતી નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. આ મુદ્દાને ધ્યાને લઈ સંયુક્ત આરબ અમીરાતે 15 જૂને ભારતમાંથી આયાત કરાતા ઘઉં અને તેમાંથી બનતા લોટની પુનઃ નિકાસને ‘સ્થગિત’ કરવાનો નિર્ણય લીધો.

આ નિર્ણય એક પ્રકારની ખાતરી છે કે તે જે ઘઉં ભારતમાંથી આયાત કરશે, તેનો ઉપયોગ ફક્ત સ્થાનિક વપરાશ માટે જ કરવામાં આવશે. ભારત નથી ઈચ્છતું કે તે જે ઘઉં દુબઈ અથવા અબુ ધાબીમાં નિકાસ કરે છે તે ત્યાંથી અન્ય દેશોમાં જાય. ભારત ઈચ્છે છે કે UAEમાં સ્થળાંતરિત ભારતીય કામદારો સહિત સ્થાનિક લોકો માટે ઘઉંનો ઉપયોગ થાય. આ રીતે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં અપવાદરૂપ કિસ્સામાં ગલ્ફ ફેડરેશનને અમુક જથ્થો મોકલવાની મંજૂરી આપી છે. ભારતે 14મી મેના રોજ તમામ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં પહેલાથી જારી કરાયેલા ક્રેડિટ લેટર્સના બાકી કોન્ટ્રાક્ટ અને ખાદ્યાન્નની તંગી ભોગવતા અમુક દેશોને બાકાત રખાયા હતા.

ભારતે 2021 – 22માં UAEને 136.53 મિલિયન ડોલરની કિંમતના 4.71 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી, જે ગયા નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ 2120.27 મિલિયન ડોલરની કિંમતના કુલ 72.35 લાખ ટન અનાજના લગભગ 6.5 % જેટલી હતી. નિકાસ કરાયેલ જથ્થો ભારત માટે એટલો મોટો ન કહી શકાય પણ UAE માટે આ જથ્થો નાનોસુનો નથી. US ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે UAEના વાર્ષિક ઘઉંના વપરાશનો અંદાજ 15 લાખ ટન મૂક્યો છે, જે સંપૂર્ણપણે આયાત દ્વારા સંતોષાય છે. UAEની ઘઉંનો લોટ બનાવવાની ક્ષમતા 16.7 લાખ ટન છે. આ લોટમાંથી મોટાભાગનો જથ્થો સ્થાનિક વપરાશમાં ખપી જાય છે, જ્યાં બાકીનો જથ્થો સાઉદી અરેબિયા, બહેરીન, જોર્ડન, ઇથોપિયા, તાઇવાન અને ફિલિપાઇન્સને વેચવામાં આવે છે. આવી નિકાસ વાર્ષિક આશરે 1 લાખ ટન જેટલી થાય છે.

UAEની ઘઉંની 50 %થી વધુ આયાત રશિયામાંથી થાય છે. ત્યારબાદ કેનેડા, યુક્રેન અને ઓસ્ટ્રેલિયાનો ક્રમ આવે. 2020 – 21થી ભારત ગલ્ફ ફેડરેશનને વધુ જથ્થામાં ઘઉંની નિકાસ કરીને મુખ્ય સપ્લાયર તરીકે પણ ઉભરી રહ્યું છે. રશિયા – યુક્રેન યુદ્ધ વચ્ચે કાળા સમુદ્રના બંદરોમાંથી શિપમેન્ટ અવરોધાવાને કારણે 2021 – 22માં ભારતની UAEને ઘઉંની નિકાસમાં વધારો થયો હતો. નિષ્ણાતો માને છે કે જુલાઈથી રશિયન અને યુક્રેનિયન ઘઉંની લણણી શરૂ થશે, જે બજારમાં આવતા વૈશ્વિક ઘઉંના પુરવઠાની સ્થિતિ થોડી હળવી થવી જોઈએ. USDAએ વર્ષ 2022 – 23માં યુક્રેનની ઘઉંની નિકાસ લગભગ અડધી થઈને 10 મિલિયન ટન થવાનો અંદાજ મૂક્યો છે, જે 2021 – 22માં 19 મિલિયન ટન હતી. જો કે રશિયાની ઘઉંની નિકાસ જે 2021 – 22માં 33 મિલિયન ટન હતી, તે રેકોર્ડ 40 મિલિયન ટને પહોંચવાની અપેક્ષા રખાય છે.

આ બધા વચ્ચે તુર્કીએ ભારતના ઘઉંમાં રૂબેલા રોગ હોવાનું કારણ આગળ ધરી 56 હજાર ટન ઘઉંના શિપમેન્ટને નકારી કાઢ્યું હતું. જો કે આ જથ્થો ઈજિપ્ત મોકલી દેવામાં આવ્યો હતો. તુર્કીએ ફાયટોસેનિટરી ચિંતાઓને ટાંકીને ભારતના ઘઉં નકારી કાઢ્યા. તે વિશે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ‘તપાસમાં એવું જાણવા મળ્યું કે આ નિકાસ ITC લિમિટેડની છે. આપણે જાણીએ છીએ કે ITC લિમિટેડ મોટી અને પ્રતિષ્ઠિત કંપની છે. આ માલ નેધરલેન્ડ્સ દ્વારા ITC પાસેથી ખરીદાયો હતો. ITC એ જાણતું ન હતું કે તે તુર્કી માટે છે. નેધરલેન્ડ્સના માપદંડો અનુસાર આ કન્સાઇનમેન્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ITCએ નેધરલેન્ડના મંતવ્ય મુજબ ઘઉંની નિકાસ કરી હતી. કન્સાઇનમેન્ટ ક્યારે અને કેવી રીતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને કોણે કર્યું – ITCને તેના વિશે કોઈ માહિતી નથી. ગોયલે જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતના ઘઉંની ગુણવત્તા સારી છે.
– ડૉ. જયનારાયણ વ્યાસ
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top