Columns

કઝાખસ્તાનના બળવા પાછળ ઇસ્લામિક આતંકવાદીઓનો હાથ છે?

ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ સંઘનું વિસર્જન થયું તે પછી જે દેશ સૌથી વધુ સમૃદ્ધ ગણાતો હતો તે કઝાખસ્તાનમાં સરકાર સામે બળવો થયો છે. બળવાખોરો એટલા શક્તિશાળી હતા કે તેમણે ૧૮ પોલીસ કર્મચારીઓની હત્યા કરવા ઉપરાંત રાષ્ટ્રપતિના પેલેસ ઉપર હુમલો કરીને તેમાં પણ લૂંટફાટ કરી હતી. કઝાખસ્તાન સરકારે ઇંધણના ભાવો અચાનક વધારી દીધા તેની સામે દેશમાં પ્રચંડ વિરોધ ફાટી નીકળ્યો હતો. લોકો શેરીઓમાં આવી ગયા હતા અને તેમણે સરકારી ઇમારતોને બાળવાનું શરૂ કર્યું હતું. બળવાખોરોમાં રોષે ભરાયેલી જનતા સાથે વિદેશમાં તાલીમ પામેલા હથિયારધારી આતંકવાદીઓ પણ ભળી ગયા હતા.

એક હેવાલ મુજબ તેમાં તુર્કીમાં તાલીમ પામેલા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓનો પણ સમાવેશ થતો હતો. તેમણે ૭૪૮ સુરક્ષા કર્મીઓને ઘાયલ કર્યા હતા, જેમાંના ૧૮ નાં મરણ થયાં હતાં. તેમાં પણ બે નાં તો ડોકાં ઉડાવી દેવામાં આવ્યાં હતાં. કાઝકિસ્તાનની સરકારને લાગ્યું કે મામલો તેમના હાથમાં નથી ત્યારે તેમણે તાત્કાલિક રશિયાને લશ્કર મોકલવાની વિનંતી કરી હતી. રશિયાના પ્રમુખ વ્લાદામિર પુતિને પણ પરિસ્થિતિની ગંભીરતા જોઈને તાબડતોબ લશ્કર મોકલી આપ્યું હતું અને હાલ પૂરતો બળવો શાંત પાડી દીધો છે. 

કઝાઘસ્તાન મધ્ય એશિયામાં ચીન અને રશિયા વચ્ચે આવેલું છે. તેની સરહદો ભૂતપૂર્વ સોવિયેટ સંઘના ત્રણ દેશોને સ્પર્શે છે. સમૃદ્ધ હાઇડ્રોકાર્બન અને ખનિજના ભંડારોને કારણે કઝાખસ્તાન મધ્ય એશિયાનો સૌથી સમૃદ્ધ દેશ છે. ૧૯૯૧ માં કઝાખસ્તાન રશિયાના નિયંત્રણમાંથી મુક્ત થયો તે પછી ત્યાં અબજો ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. કઝાખસ્તાન ચીન અને દક્ષિણ એશિયાની વિકાસ પામી રહેલી માર્કેટનો સંબંધ રશિયા અને યુરોપની માર્કેટ સાથે જોડે છે. તે રેલવે, રોડ અને કાસ્પિયન સમુદ્રમાં આવેલા બંદર વાટે આ બધા દેશો સાથે જોડાયેલો દેશ છે. ચીનના મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇકોનોમિક પ્રોજેક્ટમાં કઝાખસ્તાન મોકાનું સ્થાન ધરાવે છે.

કઝાખસ્તાનની સરકારને પણ ઉદારીકરણનો વિચાર આવ્યો ત્યારે તેણે ગરીબોનું ઇંધણ મનાતા બ્યુટેન અને પ્રોપેન પર ખ્રિસ્તી નવા વર્ષના દિવસે ભાવોની ટોચમર્યાદા હટાવી લેતાં તેના ભાવો રાતોરાત બમણા થઈ ગયા. સરકારનો ઇરાદો ઇંધણની તંગી દૂર કરવાનો હતો, પણ તેનું પરિણામ વિપરીત આવતાં રોષે ભરાયેલા લોકો હજારોની સંખ્યામાં રસ્તા પર આવી ગયા હતા. દેખાવો કરી રહેલાં લોકોને પછી ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, મોંઘવારી, આવકની અસમાનતા વગેરે સમસ્યાઓ પણ યાદ આવી ગઈ. સરકારે વિરોધીઓ સાથે વાટાઘાટો કરીને તેમને શાંત પાડવાને બદલે બળપ્રયોગ કરીને તેમને કચડી નાખવાના પ્રયાસો કર્યા, તેને કારણે આંદોલનકારીઓ ભડક્યા હતા. અધૂરામાં પૂરું ઇસ્લામિક આતંકવાદીઓ મેદાનમાં આવી હિંસા આચરવા લાગ્યા હતા.

કઝાખસ્તાન વિસ્તારની દૃષ્ટિએ દુનિયાનો નવમા નંબરનો મોટો દેશ છે, પણ તેની વસતિ ૧.૯ કરોડની જ છે. માથાદીઠ આવકની દૃષ્ટિએ કઝાખસ્તાન મધ્ય એશિયાનો સૌથી માલદાર દેશ છે, પણ તેમાં આવકની અસમાનતા છે. દેશની સમૃદ્ધિનો લાભ કેટલાક ધનકુબેરોને થયો છે, પણ દેશની ૫૦ ટકા વસતિ ગામડાંમાં વસે છે, જ્યાં વિકાસનાં ફળ ચાખવા મળતાં નથી. દેશના ૧૦ લાખ લોકો ગરીબી રેખાની હેઠળ જીવે છે. કઝાખસ્તાનમાં વાર્ષિક ફુગાવાનો દર વધીને ૯.૫ ટકા પર પહોંચી ગયો હતો. તેને કારણે ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોનું જીવન દુષ્કર થઈ ગયું હતું.

યુરેનિયમના ઉત્પાદનની બાબતમાં કઝાખસ્તાન પહેલા નંબરે છે. આ સપ્તાહનાં તોફાનોને કારણે યુરેનિયમના ભાવોમાં ૮ ટકાનો વધારો નોંધાયો છે. કઝાખસ્તાન ખનિજ તેલની નિકાસ બાબતમાં દુનિયામાં નવમા નંબરે આવે છે. ૨૦૨૧ માં તેણે ૮.૫૭ કરોડ ટન ખનિજ તેલનું ઉત્પાદન કર્યું હતું. કોલસાના ઉત્પાદનમાં તેનો દુનિયામાં દસમો નંબર છે. બિટકોઈનના ઉત્પાદન બાબતમાં અમેરિકા પછી બીજો નંબર કઝાખસ્તાનનો આવે છે. કઝાખસ્તાનમાં તોફાનોને કારણે ઇન્ટરનેટ બંધ થઈ જતાં બિટકોઈનનું ઉત્પાદન પણ ખોરવાઈ ગયું હતું. બિટકોઈનનો હેશરેટ બુધવારે દસ ટકા જેટલો ઘટી ગયો હતો. હેશરેટ મશીનની ગણતરી કરવાની ક્ષમતાના આધારે નક્કી થાય છે.

કઝાખસ્તાન ૧૯૯૧ માં સ્વતંત્ર થયું ત્યારથી તેના પ્રમુખ તરીકે નુરસુલતાન નઝરબેયેવ રાજ કરતા હતા. ૨૦૧૯ માં તેમણે પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું, પણ પોતાના વફાદાર ટોકાયેવને પ્રમુખ બનાવ્યા હતા. જો કે તેમણે સત્તાનું રિમોટ કન્ટ્રોલ પોતાના જ હાથમાં રાખ્યું છે. ટોકાયેવે બળવાનો ફાયદો ઉઠાવીને નુરસુલતાનને સત્તા આપતા કેટલાક કાયદાઓ રદ કર્યા છે.પશ્ચિમી મીડિયા અને માનવ અધિકાર માટે લડતી સંસ્થાઓ ઘણી વખત કઝાખસ્તાનની સરકારની તેની આપખુદશાહી માટે ટીકા કરે છે.

કઝાખસ્તાનમાં માત્ર નામની જ લોકશાહી છે. ચૂંટણીઓનું નાટક થાય છે, પણ તેમાં માત્ર શાસક પક્ષ જ ભાગ લઈ શકે છે. મીડિયાને કોઈ સ્વતંત્રતા નથી. વિરોધીઓને કચડી નાખવામાં આવે છે. સરકાર સામે વિરોધનો સૂર કાઢનારા હજારો લોકોને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ તાજેતરનાં તોફાનોના પગલે આશરે ૨૩૦૦ વિરોધીઓની ધરપકડ કરવામાં આવી છે. આશરે એક હજાર લોકો ઘાયલ થયા છે. તેમાંના ૪૦૦ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંના ૬૨ ગંભીર ઇજાનો ભોગ બન્યા છે.

રશિયાની સંસદના એક ભૂતપૂર્વ સભ્યના જણાવ્યા મુજબ તાજેતરનાં તોફાનો પાછળ ઇસ્લામિક સ્ટેટ ઉપરાંત ગુલેનિસ્ટ નામના આતંકવાદી સંગઠનનો હાથ છે. જુલાઈ મહિનામાં તુર્કીમાં બળવાનો પ્રયાસ થયો તેની પાછળ પણ આ આતંકવાદી સંગઠનનો હાથ હતો. કઝાખસ્તાનમાં તેને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓનો સાથ મળ્યો હતો. કઝાખસ્તાનમાં જે રીતે બે પોલીસ કર્મચારીઓનાં ડોકાં ઉડાડી દેવામાં આવ્યાં તે જોતાં ઇસ્લામિક સ્ટેટનો હાથ પુરવાર થાય છે. કઝાખસ્તાનના યુવાનોને તુર્કીમાં લઈ જવામાં આવતા હતા અને ત્યાં ફેતુલ્લા ગુલેન નામની સ્કૂલમાં તેમને આતંકવાદની અને અદ્યતન શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવતી હતી. જુલાઈમાં તુર્કીમાં બળવાનો પ્રયાસ થયો તે પછી આ સ્કૂલનું સંચાલન સરકારે પોતાના હાથમાં લીધું છે. કઝાખસ્તાનની સરકારને મદદ કરવાની ઓફર તુર્કી અને ઇરાન દ્વારા કરવામાં આવી છે. રશિયાનું લશ્કર બળવાને ડામવા માટે કઝાખસ્તાનમાં પહોંચી ગયું હોવાથી રશિયાના પ્રમુખ વ્લાદામિર પુતિને હાલ પૂરતો યુક્રેન પર આક્રમણ કરવાનો વિચાર સ્થગિત કર્યો છે.

રશિયાનું લશ્કર કઝાખસ્તાનમાં મોકલવામાં આવ્યું તેની પણ કેટલાંક સરકારવિરોધી તત્ત્વો ટીકા કરી રહ્યાં છે. હકીકતમાં રશિયાથી અલગ થયેલા ૬ દેશોએ રશિયા સાથે મળીને લશ્કરી સંગઠન બનાવ્યું છે. આ સાત દેશો કટોકટીની પળોમાં એકબીજાને લશ્કરી સહાય આપવા બંધાયેલા છે. આ કરાર હેઠળ રશિયા ઉપરાંત આર્મેનિયાના કેટલાક સૈનિકો પણ કઝાખસ્તાનમાં પહોંચી ગયા છે. કઝાખસ્તાનમાં જે તોફાનો થયાં તેમાં મંદી ઉપરાંત કોવિડ-૧૯ ની પણ મહત્ત્વની ભૂમિકા છે. કોવિડ-૧૯ને કારણે સરકારે જે નિયંત્રણો લાદ્યાં તેને કારણે લોકો બેકાર બની ગયાં છે અને મોંઘવારી વધી ગઈ છે. કોવિડ-૧૯ ને કારણે દુનિયાના બીજા ઘણા દેશો આર્થિક કટોકટી તરફ ધકેલાઈ રહ્યા છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top