Dakshin Gujarat

સગીરા સાથે પ્રેમ સંબંધ રાખી, દુષ્કર્મ આચર્યું ગર્ભ રહી જતા નોંધાઈ પોલીસ ફરિયાદ

બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના એક ગામના 22 વર્ષીય યુવકે 15 વર્ષની તરુણી સાથે લગ્નની (Marriage) લાલચે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી (Pregnant) બનાવી દેતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. તરુણીની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસ (Police) મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના એક ગામના રહેતી શ્રમિક પરિવારની 15 વર્ષીય પુત્રીને ગામના જ સુજીત અરવિંદભાઈ હળપતિ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

તરુણીના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ છે
સુજીતે તરુણીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અવારનવાર તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. હાલ તરુણીના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ છે. આ અંગે તરુણીએ પરિવારને વાત કરતાં પરિવારના સભ્યોના પગ તળેટી ધરતી ખસી ગઈ હતી. દરમિયાન તરુણીની માતાએ ગામના જ યુવક સુજીત હળપતિ દ્વારા કરવામાં આવેલા કુકર્મ અંગે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસે તરુણીની માતાની ફરિયાદ લઈ સુજીત હળપતિ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉમરગામથી સગીર ગુમ થતા અપહરણની આશંકા
ઉમરગામ : ઉમરગામમાંથી એક સગીર વયનો યુવક ગુમ થતા ચિંતાતુર પરિવારે અપહરણની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ ગાંધીવાડી સાકેત નગરમાં રહેતા મૂળ બિહારના એક પરિવારનો 14 વર્ષની ‌ઉમરનો સગીર વયનો યુવક ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. તે શનિવારના રોજ ઘરેથી ક્યાંક ચાલી જતા ગુમ થતા યુવકના પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. તેમ છતાં તે મળી આવ્યો ન હતો. આ સગીર યુવકનું અપહરણ કરી લઈ ગયાની આશંકા સાથે પરિવારજનોએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં જાણ ફરિયાદ કરતા ઉમરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુમ થનાર 14 વર્ષનો યુવક હિન્દી ભાષા જાણે છે અને થોડી ઘણી ગુજરાતી ભાષા પણ સમજે છે. તેણે બ્લુ સફેદ ચોકડી વાળું લાંબી બાઈનું શર્ટ તથા કમરે બ્લુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલો છે. દેખાવે ઘઉવણ ઉંચાઈ આશરે પાંચ ફૂટ એક ઇંચ છે.

Most Popular

To Top