Dakshin Gujarat

બારડોલીમાં આ કારણથી 42 પોઈન્ટ પર 100થી વધુ પોલીસ કર્મી, હોમગાર્ડ તૈનાત

બારડોલી: (Bardoli) બારડોલીમાં ચોરી, ઘરફોડ ચોરી, ધાડ તેમજ ચેઇન સ્નેચિંગ સહીતનાં ગુનાઓમાં (Crime) વધારો જોવા મળી રહ્યો છે. આખરે પોલીસ રાત્રી દરમિયાન નગરના તમામ પ્રવેશ દ્વાર સહીત મુખ્ય પોઇન્ટ પર સઘન ચેકીંગ કરવાની શરૂઆત કરી છે. બારડોલી પોલીસ દ્વારા નગરમાં 42 પોઇન્ટ પર 100થી વધુ પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડ રાત્રી દરમિયાન ફરજ પર મુકવામાં આવ્યા છે. તમામ કર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે તે માટે હોમગાર્ડએ દર એક કલાકે પોતાના પોઇન્ટ પરથી ફોટા પાડી પોલીસનાં (Police) ગ્રુપમાં ફોટા મૂકી હાજરી પુરાવવા પી.આઈ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

  • બારડોલીમાં ચોરી-લૂટફાટ વધતાં 42 પોઈન્ટ પર 100થી વધુ પોલીસ કર્મી, હોમગાર્ડ તૈનાત
  • સાત માર્ગો પર પોલીસે બેરકેટિંગ મૂકી રાત્રે સઘન વાહન ચેકીંગ શરૂ કર્યુ

છેલ્લા ઘણા સમયથી બારડોલી શહેર અને ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં અનેક સ્થળોએ ચોરીની ઘટના તેમજ ધાડપાડુંઓ ત્રાટકવાની ઘટના બની છે. આ ઉપરાંત વાહનોમાંથી પણ કાર ટેપ સહિતની વસ્તુઓની ચોરીનું પ્રમાણ વધ્યું છે. લાંબા સમયથી ચોરીની ઘટના બનતી હોવા છતાં પોલીસે પહેલા તો લોકોને પોતાની સલામતી જાતે કરવાની સૂચના આપી હાથ ઊંચા કર્યા હતા. પરંતુ હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા નીકળ્યા હોય તેમ પોલીસ એક્શનમાં આવી છે. નગરના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે સુરતી જકાતનાકા, અલંકાર ચાર રસ્તા, સ્ટેશન રોડ કોળીવાડ ચાર રસ્તા, શિવાજી ચોક, ધુલિયા ચાર રસ્તા, તલાવડી તેમજ કાલીકા ચોક ખાતે બેરીકેટિંગ મૂકી પોલીસ સ્ટાફ દ્વારા રાત્રી દરમિયાન વાહન ચેકીંગ શરૂ કરવામાં છે.

92થી વધુ સોસાયટીઓનાં રહીશોનું પોલીસ સાથેનું વોટ્સએપ ગ્રુપ તૈયાર કરાયું છે: પી.આઈ. પ્રજાપતિ
બારડોલી પી.આઈ. એન.એમ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બારડોલીમાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ગુનેગારો ખાસ કરીને રેલવે ટ્રેક તેમજ ખેતરાડી વિસ્તારની નજીક આવેલી સોસાયટીઓને ટાર્ગેટ કરતા હોય છે. પોલીસ પહોંચે તે પહેલાં ઘટના બની જતી હોય છે. જેથી 92થી વધુ સોસાયટીઓનાં રહીશોનું પોલીસ સાથેનું વોટ્સએપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. કોઈ પણ સોસાયટીમાં કઇ અજુગતું લાગે એટલે માત્ર ગ્રુપમાં સોસાયટીનું નામ લખીને જાણ કરવાની રહેશે. જેથી નજીકનાં પોઇન્ટ પર ઉપસ્થિત પોલીસ કાફલો તાત્કાલિક સોસાયટીમાં પહોંચી જશે.

Most Popular

To Top