SURAT

મનુષ્ય જેવો આ રોગ થતાં કૂતરાં આક્રમક બની હૂમલા કરી રહ્યાં છે, સુરત મનપાનું તારણ

સુરત: શહેરમાં છેલ્લા ઘણા સમયથી કૂતરાં વધુ આક્રમક બની રહ્યાં છે. જેને લઈ ડોક્ટરો દ્વારા ઘણાં તારણો કાઢવામાં આવ્યાં છે. જે અંગે માહિતી આપતાં મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, કૂતરાંમાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે તેવું રસીકરણ-ખસીકરણ કરતાં પહેલાં કૂતરાંનું જે ચેકઅપ થાય છે તેમાં જણાયું છે. જેના કારણે કૂતરાં આક્રમક બની રહ્યાં છે.

  • કૂતરાંમાં ડાયાબિટીસ, પ્રજનનના કારણે આક્રમક બની રહ્યા હોવાનું ડોક્ટરોનું તારણ છે: મેયર
  • મનપા દ્વારા કૂતરાંની સમસ્યા નિવારવા વધુ સઘન કામગીરી કરાશે

તેમજ કૂતરાંને યોગ્ય ખોરાક ન મળવો અને પ્રજનનના કિસ્સામાં કૂતરાં આક્રમક બને છે. હાલ જે ડોગ બાઈટના કિસ્સા બની રહ્યા છે તેમાં શાસકો અને પાલિકા દ્વારા ગંભીરતાથી પગલાં લેવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં જે કૂતરાં માટે કામગીરી થઈ રહી છે તેની વિગતો લેવામાં આવી રહી છે. એક પછી એક ડોગ બાઈટના કિસ્સા બનવા પાછળ ઘણાં તારણો નીકળી રહ્યાં છે. ડોગ બાઈટના કિસ્સા વધતાં મનપા દ્વારા ટીમ વધારી ખસીકરણ અને રસીકરણની કામગીરી વધારાઈ છે.

ડોગ બાઈટના કિસ્સામાં વધારો થતાં ડોક્ટર સાથે બેઠક કરવામાં આવી રહી છે. તેમાં જાણવા મળ્યું છે કે, કૂતરાંને પોતાનો ખોરાક મળતો નથી અને કૂતરાંમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. આ કારણ ઉપરાંત પ્રજનન સમય હોય ત્યારે પણ કૂતરાં આક્રમક બની જતાં હોય છે. આ સમય દરમિયાન બાળકોના હાથમાં કંઈ ખાવાની વસ્તુ હોય ત્યારે પણ હુમલા કરે છે. મનપા દ્વારા કૂતરાંની સમસ્યા નિવારવા વધુ સઘન કામગીરી કરાશે તેમ મેયરે જણાવ્યું હતું.

એક દિવસ પહેલાં જ અલથાણમાં બાળકીને કૂતરું કરડ્યું

સુરત: સુરતમાં શ્વાનના હુમલાની ઘટના ચિંતાજનક હદે દિનપ્રતિદિન વધી રહી છે. હવે અહીંના અલથાણ ગામમાં પાંચ વર્ષની બાળકી પર બે કૂતરાંઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં ઘર નજીક રમતી પાંચ વર્ષની બાળકી મહેક રાઠોડ પર બે કૂતરાંએ હુમલો કર્યો હતો, જેમાં બાળકીના થાપાના ભાગે કૂતરાંઓએ બચકું ભર્યું હતું. જોકે, તરત જ આસપાસના લોકો દોડી ગયા હતા અને બાળકીને કૂતરાંના ચુંગાલમાંથી બચાવી લીધી હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

કૂતરાં કરડવાના લીધે 40 દિવસમાં બે બાળકોના મોત
કૂતરાં કરડવાના લીધે છેલ્લા 40 દિવસમાં સુરતમાં બે બાળકોના મોત થયા છે. સુરત મહાનગરપાલિકા દ્બારા રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચીને યોગ્ય કામગીરી કરાતી હોવાના બણગા ફુંકવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.

Most Popular

To Top