SURAT

શહેરમાં ઓનલાઈન છેતરપિંડી: એક જ દિવસમાં 50થી વધુ ગુના નોંધાયા

સુરત: શહેરમાં સાયબર ક્રાઈમ (CYBER CRIME) ટોળકીએ સેંકડો લોકોને શિકાર બનાવતા ભોગ બનનારાઓએ સંબંધીત પોલીસ સ્ટેશન (POLICE STATION) અને સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે એક જ દિવસમાં જુદાં જુદાં પોલીસ સ્ટેશનોમાં સાયબર ક્રાઈમ હેઠળ બનેલી વિવિધ ઘટનાઓ અંગે ફરિયાદ (FIR) દાખલ કરી છે. શહેરના વરાછા, ડુમસ, લિંબાયત, ઉમરા, પાંડેસરા, સરથાણા, રાંદેર, અડાજણ, વરાછા સહિતના પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમની 50થી વધારે ફરિયાદ (MORE THAN 50 COMPLAIN) દાખલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સાયબર ક્રાઈમ કરનારા પોલીસથી એક પગલું આગળ ચાલીને સાયબર ક્રાઈમની અવનવી રીતો શોધી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. તેમાયે છેલ્લા ઘણા સમયથી ઓટીપી વગર તમારો પીન નંબર મેળવીને થઈ રહેલા ફ્રોડમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં એક કરોડ કરતાં વધારે રકમ ઉસેટી લેવાઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આંકડો હજુ ચોંકાવનારો હોય શકે છે. દર મહિને ચીટરો લોકો સાથે સુરતમાંથી લાખો રૂપિયા ઉલ્લુ બનાવીને છેતરી રહ્યા છે. સોમવારે ગાંધીનગરમાં ડીજીની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર (COMMISSIONER OF POLICE)ની મીટિંગ મળી હતી. જેમાં ડીજી દ્વારા સાયબર ક્રાઈમને લગતી અરજીઓનો નિકાલ કરવા સૂચના આપ્યા બાદ રાતોરાત જુદાં જુદાં પોલીસ સ્ટેશનોમાં 50થી વધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કેવી કેવી રીતે છેતરપિંડી કરાય છે તે બતાવતી ફરિયાદો

કેસ-1: એલઆઇસીના પૈસા ટ્રાન્સફર કરવામાં એરર આવી, કસ્ટમર કેરમાં ફોન કરતાં વેપારીના ખાતામાંથી રૂ.2.59 લાખ ઉપડી ગયા

સુરત : મોટા વરાછાની સાધના સોસાયટીમાં રહેતા ટેક્સટાઈલના વેપારી વિનીતભાઇ અશોકભાઇએ એલઆઇસીમાંથી 2.80 લાખની લોન લીધી હતી. આ રૂપિયા તેમના પિતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના હતા. વિનીતભાઇના ખાતામાં રૂપિયા નહીં આવતાં તેઓએ મિત્રના ફોન પરથી કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. પરંતુ ત્યારે ફોન નહીં લાગતાં થોડીવાર બાદ અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી મિત્ર ભૌતિકના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. અને મેનેજર બોલું છું તેમ કહીને રૂપિયા ટ્રાન્સફર થતાં ન હોવાની વાત કરી હતી. અજાણ્યાએ મોબાઇલમાં લિંક મોકલી તે ઓપન કરીને બધી વિગત સબમીટ કરજો અને ઓટીપી આવશે તે મને આપજો. ચાલુ વાતચીત દરમિયાન મોબાઇલમાં ‘સર્વાઇમોન્ક્રી.કોમ’ લિંક આવતાં તેમાં વિગતો ભરી અને ઓટીપી આપ્યો હતો. થોડી જ વારમાં વિનીતભાઇના ખાતામાંથી 2.59 લાખ ઉપડી ગયા હતા. જે અંગે સાબયર ક્રાઇમએ ફરિયાદ નોંધી હતી.

કેસ-2: આર્મીમાંથી બોલું છું, તમને 1 રૂપિયાની સામે 2 આપીશ કહીને શિક્ષિકાના ખાતામાંથી 74 હજાર ઉપાડી લેવાયા

સુરત: અમરોલી ખાતે સ્ટાર રેસિડેન્સીમાં રહેતાં ક્રિષ્નાબેન અશોકભાઇ પરમાર ઉત્રાણની ગજેરા સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને પાર્ટ ટાઇમમાં ફેસબુક માર્કેટ પ્લસમાં ઓનલાઇન જ્વેલરી વેચવાનું કામ કરે છે. તેઓના વોટ્સએપ નંબર ઉપર એક યુવકે મેસેજ કરી જણાવ્યું હતું કે, મારે 10 નંગ જ્વેલરી જોઇએ છે. હું આર્મીમાં નોકરી કરું છું તેમ જણાવી આર્મીનું કેન્ટીન કાર્ડ મોકલી તે નંબર ઉપર રીપ્લાય આપવા કહ્યું હતું. યુવકે પોતાનું નામ મંગીતસીંગ કહ્યું હતું. અને 7099871808 નંબર આપી તેના ઉપર વાત કરવા કહ્યું હતું. આ નંબર ઉપર અનિલ નામ લખ્યું હતું. અનિલે કહ્યું કે, તમે મને 1 રૂપિયો ટ્રાન્સફર કરશો તો હું તમને 2 રૂપિયા ટ્રાન્સફર કરીશ. થોડીવાર પછી અનિલે કહ્યું કે, મારી જ્વેલરીના રૂ.3080 મને આપો તો હું તમને 6160 ટ્રાન્સફર કરી આપીશ. ક્રિષ્નાબેને 3080 ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા ટ્રાન્સફર નહીં થતાં અનિલે ફોન કરીને કહ્યું કે, ટ્રાન્ઝેક્શન પેન્ડિંગ બતાવે છે. તમે મને 6160 આપો. હું તમને ડબલ રૂપિયા આપીશ. રૂપિયાની લાલચમાં આવેલાં ક્રિષ્નાબેને વારંવાર કુલ રૂ.15300 ટ્રાન્સફર કર્યા હતા. જો કે, ફરીવાર પણ એરર આવતું હોવાનું કહીને ક્રિષ્નાબેનની પાસેથી રૂ.31 હજાર ટ્રાન્સફર કરાયા હતા. ક્રિષ્નાબેન પાસેથી કુલ રૂ.74,119 ટ્રાન્સફર કરી લેવાયા હતા. જે અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

કેસ-3: વેપારીના ખાતામાં ક્યુઆર કોડ આવ્યો અને ત્રણ ખાતામાંથી બે લાખથી વધુ ટ્રાન્સફર થઈ ગયા

સુરત: નાનપુરા લક્કડ કોટ દરબાર એપાર્ટમેન્ટમાં મોહંમદ ઇકરામ મો. ઇબ્રાહીમ કુરેશી ભાગા તળાવમાં પટેલ બેન્ગન્સ નામની દુકાન ધરાવે છે. આ ઉપરાંત તેઓ વીસી ચલાવવાનું કામ કરે છે. તેઓ વીસી માટે એસબીઆઇ, એક્સિસ અને એચડીએફસી બેંકમાં ખાતું ધરાવે છે. તેમના મિત્ર મો. અસ્ફાક બોમ્બેવાલાએ 4600 રૂપિયાનો મોબાઇલ ખરીદ્યો હતો. પરંતુ કંપનીએ ફોન નહીં આપતાં ફોન-પે મારફતે રૂપિયા આપવાનું કહ્યું હતું. પેટીએમમાં એક કૂપન આવી હતી. તે સ્ક્રેચ કરતાં તેમાં એક બારકોડ આવ્યો હતો. આ બોરકોડમાં ખોલતાની સાથે જ મો. ઇકરામભાઇનો ફોન હેંગ થઇ ગયો હતો. ત્યારબાદ એસબીઆઇના ખાતામાંથી 9 ટ્રાન્ઝેક્શનમાં 85 હજાર, એક્સિસ બેંકમાંથી 50 હજાર અને એચડીએફસીમાંથી 1 લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા.

કેસ-4: ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી મહિલા અને યુવકના ખાતામાંથી 50 હજાર ટ્રાન્સફર કરી લેવાયા

સુરત: ઇચ્છાપોર ગામમાં રહેતા અંકિતભાઇ અનિલભાઇ સાવંત અદાણી પોર્ટ ઉપર કસ્ટમર ક્લીયરન્સ એજન્ટ તરીકે કામ કરે છે. બે વર્ષથી તેઓ આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી 25,998 ટ્રાન્સફર કરી લીધા હતા અને ફોન કાપી નાંખ્યો હતો. જ્યારે બીજા બનાવમાં પીપલોદ રાહુલરાજ મોલની સામે નંદ એન્કલેવમાં રહેતા ધરમકુમાર કિશોરભાઇ સોલંકી આરબીએલ બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરે છે. તેમના ખાતામાંથી 27,999 જાણ બહાર જ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. અજાણી મહિલાએ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી વાત કરું છું કહીને ધરમકુમારના મોબાઇલ નંબર અને ઓટીપી મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. બંને ફરિયાદ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

કેસ-5 પાસવર્ડ સેટ કરવાના નામે મહિલા પ્રોફેસરના ખાતામાંથી 1.48 લાખ ઉપાડી લેવાયા

સુરત: પીપલોદના પ્રગતિનગરમાં રહેતાં મેઘાબેન ભરતસિંહ ઝાલા વનિતા વિશ્રામ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. તેઓએ ઘરનું લાઇટબિલ ભરવાનું હોવાથી ડેબિટ કાર્ડથી મોબાઇલ ફોનમાં પેટીએમ એપ્લિકેશન મારફતે પેમેન્ટ કરતા ઓટીપી જનરેટ થતો ન હતો. રવિવારના દિવસે મેઘાબેનએ કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો અને થોડીવાર બાદ અજાણ્યાનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, બેંકમાંથી બોલું છું. તમારા મોબાઇલમાં લિંક આવી છે તે ઓપન કરો. લિંક ઓપન કર્યા બાદ પાસવર્ડ સેટ કરી દેજો. મેઘાબેને લિંક ઓપન કરીને પાસવર્ટ સેટ કરતાની સાથે જ 14 ટ્રાન્ઝેક્શન થયા હતા અને રૂ.1.48 લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા. આ બાબતે કસ્ટમર કેરમાં ફોન કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસમાં પણ ફરિયાદ આપવામાં આવી હતી.

કેસ-6 આર્મી ઓફિસરના નામે ગાડી વેચવાનું કહી 21 હજારની ઠગાઈ કરી

સુરત: પાંડેસરાના ભગવતીનગર કૈલાસ ચોકડી પાસે રહેતા રાજેશકુમાર સંતલાલ મોર્યા ભેસ્તાનમાં સંચા ખાતામાં નોકરી કરે છે. ઓનલાઇન સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની જાહેરાત જોતાં રાજેશકુમારે ફોન કર્યો હતો. સામે આર્મી ઓફિસરની ઓળખ આપી પોતાનું નામ પરેશ વૈષ્ણવ જણાવ્યું હતું. પરેશે કહ્યું હતું કે, ગાડી 95 હજારમાં વેચવાની છે, હું તમને ગાડી મોકલી આફીશ. જો તમને સારી લાગે તો રાખજો. નહીંતર પરત આપી દેજો. હું તમારા રૂપિયા પાછા આપી દઇશ. બીજા દિવસે અજાણ્યાએ ડિલિવરી બોય હોવાનું કહીને ઓનલાઇન રૂ.15,550 માંગ્યા હતા. રાજેશકુમારે આ રૂપિયા પણ ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ ફરીવાર અજાણ્યાએ ફોન કરીને 21,990 ટ્રાન્સફર કરવા પડશે તો જ ગાડીની ડિલિવરી મળશે કહી તે રૂપિયા પણ મંગાવી લીધા હતા. જો કે, બાદમાં ગાડીની ડિલિવરી નહીં થતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

કેસ-7 બેંકનો રેફરલ કોડ જાણી મિસ્ત્રીકામ કરતા યુવકના ખાતામાંથી 50 હજાર ઉપાડી લેવાયા

સુરત: ડિંડોલીના ખરવાસા રોડ ઉપર ચેહર બંગ્લોઝમાં રહેતા યોગેશ્વર ગોવિંદભાઇ પ્રજાપતિ છૂટકમાં મિસ્ત્રીકામ કરે છે. યોગેશ્વરભાઇએ તેના મિત્રને રૂપિયાની જરૂર હોવાથી ફોન-પેથી 5 હજાર ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તેના મિત્રના ખાતામાં ટ્રાન્સફર થયા ન હતા. ત્યારબાદ કસ્ટમર કેરમાં ફોન કરવામાં આવતાં અજાણ્યાએ બેંકનો રેફરન્સ કોડ તથા આઇએફસી કોડ મેળવીને યોગેશ્વરભાઇના ખાતામાંથી 49966 ટ્રાન્સફર કરી લીધા હતા.

કેસ-8 ‘ભૂલથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે’ કહી ઓટીપી નંબરના આધારે 47 હજાર તેમજ બીજા ખાતામાંથી 50 હજાર ઉપાડી લેવાયા

સુરત: પાંડેસરાના ગોવાલક રોડ ઉપર ગણપતનગરમાં રહેતા પરમેશ્વર જનેશ્વર પ્રજાપતિ મિલમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમના મોબાઇલ ઉપર પટના મેઇન બ્રાન્ચમાંથી બોલું છું કહીને તમારા ખાતામા 4999 જમા થઇ રહ્યા છે, તમે જવાબ નથી આપતા. તમારા મોબાઇલમાં એક ઓટીપી આવ્યો હશે કહીને એકાઉન્ટ ઓટીપી નંબર જાણ્યા બાદ 4999 ટ્રાન્સફર કરી લીધા હતા. આ બાબતે પરમેશ્વરભાઇએ ફોન કરતાં અજાણ્યાએ કહ્યું કે, તમારા નંબર ઉપર બીજીવાર ઓટીપી આવ્યો છે, તે આપો. તમારા ખાતામાં રૂપિયા રિફંડ થઇ જશે. પરમેશ્વરભાઇએ ઓટીપી આપતાની સાથે જ તેમના ખાતામાંથી 47 હજાર ઉપડી ગયા હતા. જે અંગે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આવી જ એક બીજી ઘટના પણ પાંડેસરામાં બની હતી. જેમાં પાંડેસરાના વિનાયકનગરમાં રહેતા કાર્તિક સુકર શર્માએ પોતાના કારીગર વિનોદ શર્માના ખાતામાં 5 હજાર આપ્યા હતા. પરંતુ તે ટ્રાન્સફર થયા ન હતા. ફોન-પેના કસ્ટમર કેરમાં ફોન કર્યા બાદ અજાણ્યાનો ફોન આવ્યો હતો અને તેને રૂપિયા પરત મળી જશે તેમ કહી બેંક વિગતો જાણ્યા બાદ કાર્તીકભાઇના ખાતામાંથી 49966 ઉપાડી લીધા હતા.

કેસ-9 ઓનલાઇન ડ્રેસ ખરીદ્યા બાદ ક્યુઆર કોડ મોકલી વેપારીના ખાતામાંથી 43 હજાર ઉપાડી લેવાયા
સુરત: વરાછા મેઇન રોડ ઉપર અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલ ભૂપેન્દ્રભાઇ વરાલીયા ઓનલાઇન લેડીઝ ડ્રેસના ફોટા મૂકી તેનો વેપાર કરે છે. તેમના મોબાઇલ ઉપર અજાણ્યાએ વોટ્સએપ ઉપર લિંક મોકલાવી હતી અને તેમાં લેડીઝ ડ્રેસ હતા. અજાણ્યાએ કહ્યું કે, મારે 10 ડ્રેસ જોઇએ છે અને ઓનલાઇન પેમેન્ટ આપીશ. અજાણ્યાએ રૂપિયા આપવા માટે સૌપ્રથમ ક્યુઆર કોડ મોકલાવ્યો હતો. જેમાં સૌપ્રથમ 1 રૂપિયો આવ્યો હતો અને ત્યારબાદ બીજા બે ક્યુઆર કોડ મોકલાવ્યા હતા. જેમાં કૃણાલભાઇના ખાતામાંથી 19 હજાર ટ્રાન્સફર થઇ ગયા હતા. અજાણ્યાએ ખોટો ક્યુઆર કોડ મોકલાવ્યો છે. ઓરિજનલ ક્યુઆર કોડ મોકલાવું છું કહીને કુલ રૂ.43,990 ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

કેસ-10 આર્મી ઓફિસરે દહીંનો ઓર્ડર આપી વેપારીના ખાતામાંથી 69 હજાર ટ્રાન્સફર કરી લીધા
સુરત: રાંદેરના પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રીતેશકુમાર ઈશ્વરલાલ ચાંચપરિયાવાલા દૂધની ડેરી રાખી વેપાર કરે છે. દરમિયાન અજાણ્યાએ રીતેશકુમારના ફોનમાં ફોન કરી કહ્યું હતું કે, હું આર્મીમાંથી બોલું છું અને મારું નામ મજીતસિંહ છે કહી ખાટા દહીંની જરૂર છે તેમ જણાવી 300 કિલોનો ઓર્ડર આપ્યો હતો. દહીંની ડિલિવરી પાર્લેપોઇન્ટ આર્મી કેમ્પમાં આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પેમેન્ટની વાત આવતાં મજીતસિંહે કહ્યું કે, હું આર્મી હેડ ક્વાર્ટસમાં જાઉં છું અને ઓનલાઇન ટ્રાન્સફર કરી આપું છું. તમે ફોન-પે એપ્લિકેશન યૂઝ કરો છો કહી એપ્લિકેશન ઓપન કરાવી હતી. રીતેશભાઇએ ઓકેનું બટન દબાવતાં તેમના ખાતામાંથી 39168 કપાઇ ગયા હતા. મજીતસિંહે તમારું પેમેન્ટ રિટર્ન કરી આપું છું કહીને ફરીવાર પણ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. મજીતસિંહે રિતેશભાઇના ખાતામાંથી કુલ 69886 ટ્રાન્સફર કરી લેતાં રાંદેર પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.

કેસ-11 મહિન્દ્રા એક્સયુવી ગાડી આપવાનું કહી યુવકના ખાતામાંથી 4 લાખ ઉપાડી લેવાયા

સુરત: પાલનપુર પાટિયા પાસે પુનીતનગરમાં રહેતા પ્રસન્નાકુમાર રાજુની બહેનએ શોપ ક્લુસ ડોટ કોમ સાઇટ ઉપરથી ઓનલાઇન બોડી મસાજર ખરીદ્યું હતું. ત્યારબાદ તેમના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હું શોપ ક્લુસ કંપનીમાંથી સંજય શર્મા બોલું છું. તમને લકી ડ્રો લાગ્યો છે અને મહિન્દ્રા એક્સયુવી-500 જિત્યા છે. આ માટે કારના રજિસ્ટ્રેશનના રૂ.7400 આપવા પડશે. ત્યારબાદ એનઓસીના 18600, ઓમ સાંઇ પેકર્સ એન્ડ લોજિસ્ટ્રિક ટ્રાન્સપોર્ટના રૂ.44500, ગાડીના ઇન્સ્યોરન્સ સહિત કુલ રૂ.4 લાખથી વધુ રૂપિયા ખંખેરી લીધા હતા. પરંતુ ગાડી આપી ન હતી. જે બાબતે રાંદેર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

કેસ-12 ગોડાદરાના યુવકના ખાતામાંથી રૂ.54,999ની ઉઠાંતરી
સુરત: ગોડાદરામાં રહેતા 27 વર્ષિય મહેુલ વીરાભાઇ નકુમ હાલ ગોડાદાર ખાતે આવેલી સંસ્કૃતિ માર્કેટમાં હોમલોનની કામગીરી સાથે સંકળાયેલા છે. તેઓ હાલ આરબીએલ બેંકનો ક્રેડિટ કાર્ડ પોતાનાં અંગત કામો માટે ઉપયોગ કરે છે. પરંતુ ગત તા.21 જાન્યુઆરીના રોજ કોઇ અજાણી મહિલાએ ફોન કરી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના નામે બે ટ્રાન્ઝેક્શન મારફત રૂ.54,999 ઉપાડી લીધા હતા.

કેસ-13 બુલેરો કાર ખરીદવાના નામે શ્રમજીવી પાસેથી 45 હજાર પડાવી લેવાયા
ગોડાદાર ગંગોત્રીનગરમાં રહેતા કિષ્ણાકુમાર પાંડે હાલ સિલાઇ કામ કરે છે. તેણે ગત તા.3 ફેબ્રુઆરીના રોજ ફેસબુક પર બુલેરો કાર વેચવાની એવી જાહેરાત જોઇ હતી. તે ખરીદવા જતાં જાહેરાત મૂકનાર ઠગે કિષ્ણાકુમારને વાતોમાં પાડી તથા અલગ અલગ કારણો બતાવી ટુકડે ટુકડે રૂ. 45 હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગ લોકોએ બુલેરો કાર આર્મીમેનની હોવાનો કિષ્ણાકુમારને વિશ્વાસ આપ્યો હતો.

કેસ-14 લિંબાયતના શિક્ષકના એકાઉન્ટમાંથી 19,950ની ઉઠાંતરી
લિંબાયત નીલગીરી સ્થિત રામનગરમાં રહેતા 50 વર્ષિય ભટારામ નિમ્ભા સોનવણે હાલ ચલથાણની જિનિયસ એજ્યુકેશન એકેડમીમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેને ગત તા.11 નવેમ્બર-2020ના રોજ આરબીઆઈ બેંકના કર્મચારી તરીકે કોઇ ઠગે ઓળખ આપી બજાજનો કાર્ડ વાપરતા હોવાથી તેની લિમિટ વધારવાના નામે તેના બેંક એકાઉન્ટ મારફત ઓટીપી મોકલી આપી રૂ.19950ની ઉઠાંતરી ઠગ શખ્સે કરી લીધી હતી.

કેસ-15 કેનેડામાં નોકરીના બહાને યુવકનો પાર્સપોર્ટ પડાવી લેવાયો

લિંબાયત મીઠી ખાડી સ્થિત પ્રતાપનગરમાં રહેતો 26 વર્ષિય રીગન વિલ્સન નાડાર હાલ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે. જુલાઇ-2020માં ફેસબુક મારફત કેનેડામાં નોકરી મફતમાં અપાવશે તેવી જાહેરાત જોઇ હતી. જેથી રીગને તેઓનો કોન્ટેક કરતાં ઠગોએ પહેલા ઓરિજનલ પાર્સપોર્ટ કુરિયર મારફત મંગાવી લીધા હતા. બાદ તેનો નોકરી માટે પ્રોસેસિંગ ફી 6 લાખ થશે તેવું ઠગ લોકોએ જણાવતાં રીગને મિત્રની મદદ લીધી હતી. મિત્રએ કંપની ખોટી હોવાનું કહેતાં રીગને પાર્સપોર્ટ પરત માંગ્યો હતો. પરંતુ ઠગોએ રૂપિયા પડાવવાની લાલચે હજુ સુધી રીગનને પાર્સપોર્ટ પરત નહીં આપી છેતરપિંડી કરી છે.

કેસ-16 સીઆઇડી ક્રાઇમના જવાનના બેંક એકાઉન્ટમાંથી રૂ.99512ની ઉઠાંતરી

પરવટ ગામ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા 57 વર્ષિય રામનગીના રામપાલ યાદવ હાલ સીઆઇડી બ્રાંચમાં નોકરે કરે છે. ગત તારીખ 30 ડિસેમ્બર-2020ના રોજ રામનગીનાને તેના બનેવી રાહુલ યાદવને રૂ. 20000ની જરૂર હોવાથી તેને ગૂગલ પે મારફત રૂ. 20000 બનેવીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. રામનગીનાના એકાઉન્ટમાંથી રૂપિયા કપાઇ ગયા હતા. પરંતુ બનેવી રાહુલ યાદવના ખાતામાં રૂપિયા પહોંચ્યા ન હતા. જેથી તેને ગૂગલના કસ્ટમર કેરનો સંપર્ક કરતાં ઠગ શખ્સોએ તેનો ફાયદો ઉઠાવી રામનગીના વાતોમાં પાડી તેના બેંક એકાઉન્ટમાંથી રૂ. 99512 ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. રામનગીનાએ લિંબાયત પોલીસને રૂપિયા ઉપડી ગયાની જાણ કરી હતી.

કેસ-17 OLX મારફત કમ્પ્યૂટર ખરીદવાના બહાને એન્જિનિયર પાસેથી રૂ.24500 પડાવી લેવાયા
નાના વરાછા ગૌરવ પાર્કમાં રહેતા અને મૂલ અમરેલીના વતની 24 વર્ષિય જેનીશ ચંદુભાઇ ભાલાળા હાલ સોફ્ટવેર એન્જિનિયર છે. ગત તા.21 નવેમ્બર-2020ના રોજ જેનીશે OLX મારફત કમ્પ્યૂટર વેચાણની જાહેરાત જોઇ હતી. જેનીશે કમ્પ્યૂટરના માલિકનો સંપર્ક કરતાં ઠગ તેનો ફાયદો ઉઠાવી એડ્વાન્સ પેમેન્ટના નામે 24,500 પડાવી લેવાયા હતા.

કેસ-18 ઓનલાઇન સાડી ખરીદવાના બહાને મહિલા વેપારીના ખાતામાંથી રૂ.66,968ની ઉઠાંતરી

મૂળ જૂનાગઠનો વતની અને હાલ નાના વરાછા રવિ દર્શન સોસાયટીમાં રહેતા 24 વર્ષિય મિત્તલ જયસુખભાઇ પાંભર હાલ સાડીનો ઓનલાઇન સેલિંગનો ધંધો કરે છે. ગત તા.11 ડિસેમ્બર-2020ના રોજ એક ઠગે તેનો સંપર્ક કરી મારે દસ સાડી લેવી છે. તેની કેટલી કિંમત થાય તે જણાવો. જેથી તેણીએ સાડીનું બિલ 8990 થયું હોવાનું ઠગને જણાવ્યું હતું. ત્યારબાદ ઠગે તેણીને ક્યુઆર કોડ મોકલતાની સાથે તેણીએ સ્કેન કરતા બેંક એકાઉન્ટમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન મારફત રૂ.66,968 કપાઇ ગયા હતા. તેણીએ તુરંત જ પોતાનું એકાઉન્ટ બ્લોક કરાવી દઇ સરથાણા પોલીસને જાણ કરી હતી.

કેસ-19 OLX મારફત બાઇક ખરીદવાનું રત્નકલાકારને ભારે પડ્યું
મૂળ જૂનાગઢના વતની અને હાલ કાપોદ્રા પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા 37 વર્ષિય રત્નકલાકાર અશોકભાઇ ચુનીભાઇ વાવૈયાને બાઇકની જરૂર હોવાથી તેને OLX વેબસાઇટ મારફત બાઇક ખરીદવાનું વિચાર્યું હતું. તેણે OLX મારફત બાઇકની ખરીદી કિંમત 25500 નક્કી કરાઇ હતી. પરંતુ ઠગે તેનો ફાયદો ઉઠાવી અશોક પાસે એડ્વાન્સ પેમેન્ટના નામે રૂ. 10000 ફોન પે મારફત ટ્રાન્સફર કરવાનું કહેતાં અશોકકુમારે ફોન પે લિંક પર ક્લિક કરતાં તેના બેંક એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે 19,300 ટ્રાન્સફર કરાવી લેવાયા હતા.

કેસ-20 સોફ્ટવેર એન્જિનિયરના એકાઉન્ટમાંથી રૂ. 99,500ની ઉઠાંતરી
મૂળ બોટાદ જિલ્લાના વતની અને હાલ વરાછા આશાપુરી સોસાયટીમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર 26 વર્ષિય અંકિતકુમાર જયસુખભાઇ વાવીયાના મોબાઇલ ઉપર ગત તા.31 જાન્યુઆરીના રોજ વહેલી સવારે એસબીઆઇ અને એક્સિસ બેંક મારફત ટ્રાન્ઝેક્શનના ઘણા બધા મેસેજ આવ્યા હતા. જે મેસેજ ચેક કરતાં કોઇ ઠગે તેના ચાર ડેબિટ કાર્ડમાંથી રૂ.99500 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.

કેસ-21 ઓનલાઇન ડ્રેસનું વેચાણ કરતા યુવકના ખાતમાંથી 43,990ની ઉઠાંતરી

મૂળ બોટાદ જિલ્લાના વતની અને હાલ વરાછા મેઇન રોડ પર અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા 22 વર્ષિય કૃણાલ ભુપેન્દ્ર વરાલિયા હાલ ઓનલાઇન ડ્રેસનું વેચાણ ફેસબુક મારફત કરે છે. ગત તા.14 ફેબ્રુઆરીના રોજ તેના મોબાઇલ ફોન પર ફેસબુક પર અપલોડ કરાયેલા ફોટા આવ્યા હતા. કોઇ ઠગે તેને ફોન કરી 10 ડ્રેસની પસંદગી કરી તેના રૂપિયા પેટે 10000 નક્કી કરાયું હતું. ઠગે ઓનલાઇન પેમેન્ટનું ઓપ્શન માંગતાં કૃણાલે હા પાડી હતી. જેથી ઠગે તેને વારંવાર ક્યુઆર કોડ મોકલી તેના બેંક એકાઉન્ટમાંથી રૂ.43,990ની ઉઠાંતરી કોઇ ઠગ શખ્સ કરી ગયો હતો.

કેસ-22 છોકરીના લફરામાં યુવાને રૂ.69,410 ગુમાવ્યા
સગરામપુરા કડીવાલા સ્કૂલ પાસે રહેતો 27 વર્ષિય અજય ભીખુભાઇ રાઠોડ હાલ છૂટક મજૂરીકામ કરે છે. તેને ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ ન્યૂઝ પેપેરમાં આવેલી બ્યુટી પાર્લરની જાહેરાત વાંચી હતી. જેથી અજયે તેના પર ફોન કરતાં ઠગ બાબુભાઇ નામના ઠગે તેનો સોનીયા નામની છોકરી સાથે મુલાકાત કરાવવાના બહાને ગેસ્ટ હાઉસ બુક કરાવવા તથા આવવા જવાના ખર્ચા પેટે ટુકડે ટુકડે રૂ.69,410 રૂપિયા ગૂગલ પે મારફત ટ્રાન્સફર કરાવી લેવાયા હતા.

કેસ-23 ક્રેડિટ કાર્ડના ઉપયોગ વગર મહિલાએ રૂ.20 હજાર ગુમાવ્યા
સુમુલ ડેરી રોડ પર સહયોગ સોસાયટીમાં રહેતાં 23 વર્ષિય બીન્દાબેન ધરમભાઇ ઘાડિયા હાલ ઘરકામ કરે છે. ગત તા.13 જાન્યુઆરીના રોજ ક્રેડિટ કાર્ડ લેવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વરાછા બ્રાંચમાં ગયા હતા. જ્યાં તેઓએ ક્રેડિટ કાર્ડનું ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ઘરે ક્રેડિટ કાર્ડ આવી જતાં કોઇ ઠગે તેણીને ફોન કરી વેરિફિકેશન માટે જણાવ્યું હતું. પરંતુ તેણીએ વેરિફિકેશન કરાવ્યું ન હતું. ત્યારબાદ બીન્દાબેને ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ક્રેડિટ કાર્ડનું સીલબંધ કવર લઇ બેંકમાં ક્રેડિટ કાર્ડ કેન્સલ કરાવવા ગઇ હતી. ત્યારે જ બેંકના કર્મચારીએ તેણીને ક્રેડિટ કાર્ડ મારફત 20000નું ટ્રાન્ઝેક્શન થયેલું જણાવ્યું હતું. બીન્દાબેન ક્રેડિટનું કવર ખોલ્યા વગર જ કોઇ ઠગે તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રૂ. 20000નું ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું.

કેસ-24 એર ઇન્ડિયામાં નોકરીના બહાને વિદ્યાર્થિની પાસેથી રૂ.14,500ની ઉઠાંતરી
સૈયદપુરા જે.કે.કોર્નરમાં રહેતી 21 વર્ષિય વિદ્યાર્થિની યાસીર ફિરોઝ પઠાણ હાલ કે.પી.ની ઇવનિંગ કોલેજમાં એસવાયબીકોમના અભ્યાસ કરે છે. તેનો ગત તા.15 ફેબ્રુઆરીના રોજ ક્વિક નામની સાઇટ ઉપર પોતાનો બાયોડેટા નોકરી માટે મૂક્યો હતો. ત્યારે જ કોઇ પ્રિયા શર્મા નામની મહિલાએ યાસીરને ફોન કરી વાતોમાં પાડી તથા સુરત એરપોર્ટ પર ટિકિટ એક્ઝિક્યુટરની જગ્યા ખાલી હોવાનું જણાવ્યું હતું. ઠગ મહિલાએ તેના બેંક એકાઉન્ટમાંથી કન્સલ્ટી ફીના નામે રૂત. 14,500 ગૂગલ પે મારફત ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કરી હતી.

કેસ-25 ઓનલાઇન ડ્રેસ ખરીદવાના બહાને યુવાન પાસેથી રૂ.55,898ની ઉઠાંતરી

અડાજણ ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા 45 વર્ષિય ધર્મેશ હસમુખલાલ મોદી હાલ ઓનલાઇન ડ્રેસનું રીસેલિંગ કરે છે. ગત તા.15 જાન્યુઆરીના રોજ ઘરે હાજર હતો. ત્યારે જ કોઇ ઠગે તેને અગાઉ અપલોડ કરેલા ફોટા તેના વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ ઠગે ફોન કરી 10 ડ્રેસ મને બહુ ગમે છે તેના કેટલા રૂપિયા આપવાના છે તેમ કહેતાં ધર્મેશભાઇએ પણ 11000 રૂપિયા થશેનું જણાવ્યું હતું. ઠગે તેને ગૂગલ પે મારફત પેમેન્ટ કરવાનું કહેતાં ધર્મેશભાઇએ ના પાડી હતી. તેમ છતાં ઠગે ધર્મેશભાઇને ગૂગલ મારફત ક્યુઆર કોડ મોકલી આપી ઠગે ટુકડે ટુકડે રૂ. 55,898 ટ્રાન્સફર કરાવી લેવાયા હતા.

કેસ-26 ટિકિટના રિફંડના નામે મહિલાએ રૂ.1.99 લાખ ગુમાવ્યા
જહાંગીરપુરા પટેલનગર સોસાયટીમાં રહેતી 29 વર્ષિય પરસીસ પૌલ લુકનરે ગત તા.7 ડિસેમ્બર મારફત એપ્લિકેશન મારફત રેલવેની ટિકિટનું ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. જેથી તેના એકાઉન્ટમાંથી રૂ.5240 ડેબિટ થઇ ગયા હતા. પરંતુ ટિકિટ કન્ફર્મ ન થતાં ટિકિટ કેન્સલ કરાવી દેવામાં આવી હતી. જેના રૂપિયા રિફંડ બે-ત્રણ દિવસમાં આવી જશે. ત્યારબાદ કોઇ ઠગે ટિકિટના રૂપિયાની રિફંડ માટેની વાત કરી હતી અને પરસીસને વિશ્વાસમાં લઇ તેણી પાસે મોબાઇલ ફોનમાં એનિડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ તેણીને બેંક એકાઉન્ટમાંથી બે ટ્રાન્ઝેક્શન મારફત રૂપિયા 1,99,998 બારોબાર ઉપડી ગયા હતા.

કેસ-27 ભીમપોરના યુવાનને લોનની લાલચ આપી રૂ.14,599 ઉપાડી લેવાયા
ભીમપોરા ગામ નાના હીરા સ્ટ્રીટમાં રહેતો 25 વર્ષિય પાર્થ જયેશભાઇ પટેલ હાલ બાંધકામની સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેણે ફેસબુક મારફત બજાજ ફાયનાન્સ કંપની મારફત લોન મેળવવાની જાહેરાત વાંચી હતી. તેણે ફેસુબક મારફત બજાજ ફાયનાન્સની સાઇટ પર તેણીની બધી ડિટેઇલ અપલોડ કરી લીધી હતી. બાદ ઠગ લોકોએ તેનો સંપર્ક કરી લોન માટેની ફી, ટીડીએસ ચાર્જ અને જીએસટી ચાર્જનાં નાણાં પેટે ગૂગલ પે મારફત ટુકડે ટુકડે રૂ.14,599 ઉપાડી લેવામાં આવ્યા હતા. પરંતુ પાર્થને લોન કરાવી આપવામાં આવી ન હતી.

ફેસબુક સહિતની સોશિયલ મીડિયા સાઈટ પર ચેતીને રહેવા જેવા કિસ્સા

કેસ-1 ડિંડોલીની મહિલાના ફેસુબકનું એકાઉન્ટ પૂર્વ પતિએ હેક કર્યું
સુરત: ડિંડોલીમાં રહેતી મહિલાનું ફેસબુક એકાઉન્ટ પુણેના પૂર્વ પતિએ હેક કરી છેતરપિંડી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના બસ્તીના વતની અને હાલ ડિંડોલી કરાડવા રોડ પર નક્ષત્ર ટાઉનશિપમાં રહેતા અનિતા ઇન્દ્રમણી રામપ્રસાદ શુક્લા હાલ પુણેમાં રહેતા પોતાના પતિ જગદીશ રાજારામ શાહુ છૂટાછેડા લઇ પોતાનાં માતા-પિતા સાથે રહે છે. અનિતા અને રાજારામ વચ્ચે અણબનાવો થતાં બંને જણાએ છૂટાછેડા લઇ લીધા હતા. પરંતુ પતિએ તેની સાથે પડાવેલા ફોટા ફેસબુકમાં તથા વોટ્સએપ પર મૂકી દીધા હતા. બાદમાં ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલી નાંખી અનિતા સાથે છેતરપિંડી કરી હતી.

કેસ-2 ડિંડોલીમાં સગીરાના નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી લેવાયું
મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની અને હાલ ડિંડોલી-કરાડવા રોડ પર સનસિટી રો હાઉસમાં રહેતા જગદીશપ્રસાદ જેઠારામ શર્મા હાલ હાર્ડવેરના વેપારી છે. ગત તારીખ 17 જાન્યુઆરીના રોજ તે દુકાને હાજર હતો. ત્યારે જ તેની સગીર દીકરી તથા ભત્રીજીના નામે કોઇ ઠગે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તથા ફોટા સાથે ખરાબ લખાણ કર્યાના ફોટા અપલોડ કર્યા હતા. જેના પગલે જગદીશપ્રસાદે ડિંડોલી પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કેસ-3 ડિંડોલીમાં મહિલાને બદનામ કરવા સેક્સ વર્કર દર્શાવાઈ
ડિંડોલીમાં મહિલાને બદનામ કરવા માટે ઠગ શખ્સે ફેસુબક પર બોગસ એકાઉન્ટ બનાવી તેણીના ફોટા અપલોડ કરી સેક્સ વર્કર તરીકે દર્શાવી છેતરપિંડી કરી છે. મહિલાને આ અંગે જાણ થતાં તેણીએ ડિંડોલી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

કેસ-4 ઉધનામાં શ્રમજીવીની દીકરીનું ફેક એકાઉન્ટ બનાવી છેતરપિંડી
ઉધના મોરારજી વસાહતમાં રહેતા સફાઇ કામદારની દીકરીનું કોઇ ઠગે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ બનાવી તેના પર અલગ અલગ ફોટા અપલોડ કર્યા હતા. આ ઉપરાંત અમુક ફોટાની ઉપર બીભત્સ લખાણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઠગે સફાઇ કામદારને ઓનલાઇન અન્ય ફોટોગ્રાફ પોસ્ટ કરી દેવાની ધમકી આપી હતી. સફાઇ કામદારે સાઇબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી. જેથી સાઇબર ક્રાઇમ પોલીસે હાલ અજાણ્યા સામે ફરિયાદ નોંધી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top