Gujarat

Appleના એરટેગ ગેઝેટ દ્વારા મહિલાની જાસૂસી કરવાના પ્રકરણમાં પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં એપલ (iPhone) ફોનના એરટેગ ગેઝેટનો ઉપયોગ કરી મહિલાની જાસુસી કરી તેણીનો પીછો કરીને કથિત રીતે સતામણી કરવાના મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચની (Crime branch) સાઇબર સેલ દ્વારા એપલ એરટેગ ડિવાઇસ (Airtag device) લગાવનાર આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચ તેની વધુ તપાસ ચલાવી રહી છે. ગુજરાતમાં એપલના એરટેગ ગેઝેટ સાથે મહિલાની જાસુસી કરવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

  • મહિલાના આઈફોનમાં સતત જાસૂસીના મેસેજ મળતાં કાર સર્વિસ સ્ટેશને હંકારી દીધી, તો ડ્રાઈવર સીટની પાછળના ભાગે એરટેગ ગેઝેટ મળી આવ્યું
  • એરટેગથી જાસૂસીનો ગુજરાતનો સંભવત: પ્રથમ કિસ્સો: ક્રાઈમ બ્રાન્ચની સાયબર સેલે એક અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી એનાલિસીસ શરૂ કરાવ્યું

આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ફરિયાદ મુજબ ફરિયાદી મહિલા કે જે રીયલ એસ્ટેટના વ્યવસાયમાં સંકળાયેલી છે, તે સાંજના સાતેક વાગે પોતાની ગાડી લઈ જઈ રહ્યા હતાં. તે દરમિયાન તેમના આઈફોનમાં એક નોટિફિકેશન આવ્યું હતું. આવું નોટિફિકેશન અવારનવાર આવતું હતું કે એરટેગ ગેઝેટની મદદથી તેમની જાસૂસી થઈ રહી છે. મહિલાની જાણ બહાર જ કોઈ જાસૂસી કરતું હોવાનું તેમજ સતત તેનો પીછો કરતો હોવાનું મહિલાને લાગ્યું હતું. આથી ગાડીને સર્વિસ સ્ટેશને લઈ જઈ તપાસ કરવામાં આવતા ગાડીની ડ્રાઇવર સીટની પાછળના ભાગે સીટની નીચે સીટ કવરમાં એરટેગ ગેઝેટ સેલોટેપથી ચોંટાડેલું મળી આવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાઇબર સેલ દ્વારા આ અંગે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરી તપાસ કરતા મહિલાની ગાડીમાં એપલ એરટેલ ડિવાઇસ લગાવનાર આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે. મહિલાની જાસૂસી કરનાર વ્યક્તિ મહિલાનો ભૂતપૂર્વ પાર્ટનર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ આ અંગે ક્રાઈમ બ્રાન્ચની સાઇબર સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top