Business

ભારતના આ બે શહેરોમાં એપ્રિલમાં ખુલશે એપલ સ્ટોર!

નવી દિલ્હી: ફોન (Phone) એટલે એપલનો (Apple). ધણાં લોકો આવી વિચારસરણી ધરાવતી હોય છે. ભારતમાં છેલ્લાં કેટલાય સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતમાં (India) એપલ પોતાના સ્ટોરને (Store) ઓપન કરશે. આ ચર્ચા વચ્ચે જાણકારી મળી આવી છે કે એપ્રિલ મહિનામાં ભારતના બે મોટા શહેરોમાં એપલ પોતાના સ્ટોરનું ઓપનિંગ કરશે. જો કે આ જાણકારી અંગે એપલ તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

એપલનો ભારતમાં પહેલો સ્ટોર એપ્રિલ મહિનામાં ખુલવા જઈ રહ્યો છે. હાલમાં કંપની ભારતમાં અધિકૃત રિટેલર્સ અને ઓનલાઈન સ્ટોર્સ દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ભારતનો પહેલો એપલ સ્ટોર મુંબઈમાં ખુલશે અને તે પછી કંપની દિલ્હીમાં પોતાનો ફ્લેગશિપ સ્ટોર ખોલશે. કંપનીએ મુંબઈ અને દિલ્હી બંને શહેરોમાં એપલ સ્ટોર માટે ફિટઆઉટ તૈયાર કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હી એપલ સ્ટોરનું ફિટઆઉટ મુંબઈ પહેલા પૂરું થઈ જશે તેમ છતાં પહેલો સ્ટોર મુંબઈમાં જ ખુલશે. મુંબઈ એપલ સ્ટોર ભારતમાં એપલનો ફ્લેગશિપ સ્ટોર હશે. જોકે એપલે ભારતમાં આ નવા સ્ટોર્સ ખોલવા અંગે હજુ સુધી સત્તાવાર માહિતી આપી નથી.

એપલ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર મુંબઈનો એપલ સ્ટોર 22,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો હશે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈનો Apple સ્ટોર Jio વર્લ્ડ ડ્રાઈવ મોલમાં હશે. દિલ્હીમાં એપલ સ્ટોર સિલેક્ટ સિટી વોક મોલ સાકેતમાં ખુલશે, પરંતુ તે મુંબઈમાં જે એપલ સ્ટોર ખુલશે તેનાં કરતાં ઓછા વિસ્તારમાં ફેલાયેલો હશે. દિલ્હી એપલ સ્ટોર 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો હશે. જાણકારી મુજબ ભારતમાં એપલ સ્ટોરના લોન્ચ દરમિયાન ટિમ કૂક ઓનલાઈન વીડિયો કોલ દ્વારા જોડાઈ શકે છે.

એપલ સ્ટોર્સમાં સામાન્ય રીતે અન્ય રિટેલ સ્ટોર્સની સરખામણીમાં ઓછા ઉત્પાદનો હોય છે, પરંતુ મોટાભાગની હાઈ એન્ડ પ્રોડક્ટ્સ અહીં મળી આવશે જે બીજે ક્યાંય નહીં મળે. એપલ સ્ટોરમાં યુઝર એક્સપિરિયન્સ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. કંપની ખાસ એવા લોકોની નિમણૂક કરી રહી છે જે ગ્રાહકોને પ્રોડક્ટ વિશે વધુ સારી રીતે માહિતગાર કરી શકે.

Most Popular

To Top