Editorial

એપલ ૩ ટ્રિલિયન ડોલરની કંપની બની: મહાકાય કંપનીઓ આજના યુગની વાસ્તવિકતા છે

હાલમાં અહેવાલ આવ્યા છે કે અમેરિકાની એપલ કંપનીની બજાર મૂડી ૩ લાખ કરોડ ડોલર એટલે કે ૨૪૫ કરોડ રૂપિયા કરતા પણ વધુ થઇ ગઇ છે, એટલે કે આ કંપનીનું બજાર મૂલ્ય ૩ ટ્રિલિયનના આંકને વટાવી ગયું છે. એપલ કંપની વિશે ઘણા લોકો જાણતા નહીં હોય, તો ઘણા લોકો આ કંપની વિશે જાણે પણ છે. જે લોકો આઇફોન કે આઇપેડ જેવી વસ્તુઓના શોખીન હોય તેમના માટે આ કંપનીનું નામ અજાણ્યું નહીં હોય, પરંતુ આ કંપનીની નાણાકીય બાબતોથી ઘણા બધા લોકો વાકેફ નહીં હોય. આ આઇફોન, આઇપેડ અને મેકબુક જેવા સાધનો બનાવતી એપલ કંપનીએ એક મહત્વનું સીમાચિન્હ સર કર્યું છે અને તે ૩ ટ્રિલિયન એટલે કે ૩ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપવાળી વિશ્વની સૌપ્રથમ કંપની બની છે. આમ તો એક ટ્રિલિયન ડોલરની અને બે ટ્રિલિયન ડોલરની પણ વિશ્વની સૌપ્રથમ કંપની એપલ જ બની હતી. એટલે કે આ સ્તરો પણ તેણે જ સૌપ્રથમ સર કર્યા હતા. આલ્ફાબેટ અને એમેઝોન જેવી કંપનીઓ તો બાદમાં આ સ્તર પર પહોંચી.

અમેરિકાના શેર બજારમાં એપલ કંપનીનો શેર શુક્રવારે ઉછળીને ૧૯૩ ડોલરની વિક્રમી ઉંચાઇએ પહોંચ્યા બાદ એપલ કંપનીના બજાર મૂલ્યમાં મોટો વધારો થયો હતો અને તેનું આ માર્કેટ કેપ ૩.૦૪ ટ્રિલિયન ડોલર થઇ ગયું હતું. ૩ ટ્રિલિયન ડોલરના બજાર મૂડીકરણના આંકને વટાવનારી તે વિશ્વની પહેલી લિસ્ટેડ કંપની બની છે. ભારતીય રૂપિયાની દષ્ટિએ જોઇએ તો એપલનું બજાર મૂલ્ય રૂ. ૨૪૬.૨૯ લાખ કરોડ થઇ ગયું છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ અને મહાકાય ઇ-કોમર્સ કંપની એમેઝોનના ભેગા મૂલ્ય કરતા પણ આ મૂલ્ય વધી જાય છે.

આ બંને કંપનીઓનું માર્કેટ કેપ અનુક્રમે ૧.પ ટ્રિલિયન અને ૧.૩ ટ્રિલિયન છે. આઇફોનની નિર્માતા એવી એપલ કંપની વર્ષ ૨૦૧૮માં વિશ્વની પ્રથમ ૧ ટ્રિલિયન ડોલર મૂલ્યની કંપની બની હતી અને તેના બે વર્ષ પછી જ તે વિશ્વની પ્રથમ બે ટ્રિલિયન ડોલરની કંપની બની હતી. છેલ્લા કેટલાક સમયમાં એપલના શેરના ભાવમાં ભારે વધારો થયો છે અને તે આ વર્ષે અત્યાર સુધીમાં ૫૪ ટકા જેટલો વધ્યો છે. એપલ કંપની આ પહેલા પણ ૩ ટ્રિલિયનની કંપની બની ચુકી છે પરંતુ તે થોડા સમય માટે જ ઇન્ટ્રાડેમાં બની હતી, પરંતુ તેનો શેર ઝડપથી ગગડી ગયો હતો. અત્યારે તેનો નવી ઉંચી સપાટી પર ટકી રહ્યો અને આ કંપનીએ નવું સીમાચિન્હ સર કરી લીધું.

એપલનું બજાર મૂલ્ય કેટલું મોટું થઇ ગયું છે તેનો એ વાત પરથી અંદાજ આવી શકશે કે તેના મૂલ્યની રકમ જો તમામ ભારતીયોમાં વહેંચવામાં આવે તો આટલી વિશાળ વસ્તી છતાં દરેકને ભાગે રૂ. ૧.૭પ લાખ જેટલી રકમ આવી શકે. એપલ કંપનીનું બજાર મૂલ્ય ૩ ટ્રિલિયન ડોલર થયું છે તે હવે બ્રિટનના અર્થતંત્રના કુલ મૂલ્યને સમાન થઇ ગયું છે. આ કંપનીનું માર્કેટ કેપ એટલું છે કે તેમાં પાકિસ્તાન, ઇઝરાયેલ, ઇરાન સહિત ઘણા દેશો સમાઇ જાય! પાકિસ્તાનના અર્થતંત્રના ૨૦૧૭માં નોંધાયેલા ૩૪૮૨૬ કરોડ ડોલરના મૂલ્ય કરતા એપલનું મૂલ્ય આઠ ગણા કરતા પણ વધારે છે. ઇઝરાયેલનું અર્થતંત્ર પણ તેની આગળ સાવ નાનું છે. યુરોપના જર્મની, ફ્રાન્સ જેવા મોટા અર્થતંત્રોને બાદ કરીએ તો કેટલાયે જાણીતા દેશો જેવા કે સ્વિત્ઝર્લેન્ડ, સ્પેન, નેધરલેન્ડ, સ્વીડન, પોલેન્ડ, બેલ્જિયમ વગેરે દેશોની કુલ જીડીપીને ભેગી કરીએ તો પણ તેનું મૂલ્ય એપલના બજાર મૂલ્ય જેટલું નહીં થાય!

કેટલાક કદાચ એમ માનવા પ્રેરાશે કે આવા રાક્ષસી અને મહાકાય કદ ધરાવતી કંપનીઓ એ આધુનિક યુગની દેન છે. આજે કોર્પોરેટ ક્ષેત્રના ભારે વિકાસ સાથે અને વિશ્વભરમાં થયેલા વ્યાપક ઔદ્યોગિકરણ અને આર્થિક વિકાસને કારણે આવી મહાકાય કંપનીઓ અસ્તિત્વમાં આવી છે એમ તેઓ કદાચ માનવા પ્રેરાય, પરંતુ તેમની એ માન્યતા ખોટી છે. એપલ કંપની ભલે અત્યારે સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી લિસ્ટેડ કંપની બની છે અને તેનું બજાર મૂલ્ય ૩ ટ્રિલિયન ડોલર થયું છે પરંતુ ઇતિહાસની સૌથી મૂલ્યવાન કંપની તે બની શકી નથી. આ વિક્રમ હાલમાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નામે છે. ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વર્ષ ૧૬૩૦ના સમયમાં જે મૂલ્ય હતું તે આજના ભાવે ગણતા તેનું તે સમયે બજાર મૂલ્ય ૯ ટ્રિલિયન ડોલર જેટલું હતું!

જો કે તેના સમય સંજોગો જુદા હતા. આજે તો દુનિયામાં મહાકાય કહી શકાય તેવી ઘણી કંપનીઓ અસ્તિત્વમાં આવી ગઇ છે. આપણા ભારતમાં પણ રિલાયન્સ, ટાટા, અદાણી જેવા મહાકાય ઔદ્યોગિક જૂથો અને તેમની જંગી કંપનીઓ અસ્તિત્વમાં છે. સામ્યવાદીઓ આવી જંગી કંપનીઓના સ્વાભાવિક રીતે વિરોધી રહેતા આવ્યા છે પરંતુ પોતાને સામ્યવાદી કહેવડાવતા ચીનમાં આવી જંગી કંપનીઓ અસ્તિત્વમાં આવી ગઇ છે. વિશાળ કદની કંપનીઓના પોતાના લાભો અને ગેરલાભો છે. કોઇક આવી કંપનીઓનો વિરોધ કરે અને કોઇ તરફેણ કરે, પરંતુ મહાકાય કોર્પોરેટ કંપનીઓ એ આજના યુગની વાસ્તવિકતા છે.

Most Popular

To Top