SURAT

મોટા વરાછા તેમજ કામરેજમાં આવેલી આ કંપનીએ લોકો પાસેથી 6.53 કરોડ લઇ વિઝા ન આપી ઠગાઈ કરી

સુરત : દક્ષિણ આફ્રિકાના ધાના દેશમાંથી કેનેડા (Canada) સહિતના અન્ય યુરોપિયન દેશમાં મોકલવાના નામે મોટા વરાછા તેમજ કામરેજમાં આવેલી એન્જલ મલ્ટિલિંક કંપનીએ (Angel Multilink Company) અંદાજિત 30 લોકોની સાથે 6.53 કરોડ લઇ તેમને વિઝા (Visa) આપ્યા ન હતા. આ મામલે સુરતના ઇકો સેલ વિભાગે ગુનો નોંધી કંપનીમાં બે ઇસમની ધરપકડ (Arrest) કરી હતી. દરમિયાન પોલીસે (Police) જણાવ્યું કે, આવા સેંકડો લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમાં કેનેડા અને યુરોપમાં એન્ટ્રીના નામે 30 લાખ જેટલી રકમ વ્યક્તિ દીઠ પડાવવામાં આવતી હતી.

ઘાનામાં બોલાવીને ત્યાંથી યુરોપ મોકલવાની વાતો કરાતી હતી
ઇકોનોમી સેલ સૂત્રોએ જણાવ્યું કે, ઘાના દેશમાં બોલાવીને ત્યાંથી યુરોપ અને અમેરિકામાં એન્ટ્રી આપવામાં આવતી હતી. તેમાં બેનંબરમાં જે-તે દેશમાં એન્ટ્રી કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોવાની વિગત ઇકોનોમી સેલ દ્વારા જાણવા મળી છે. કુલ 30 વ્યક્તિ સાથે હાલમાં છેતરપિંડી થઇ છે. આ આંકડો સો કે તેથી વધારાનો હોઈ શકે છે. દરમિયાન પોલીસ આખા નેટવર્કને ભેદવા માટે ટીમ દોડતી કરી છે.

કેવી રીતે કૌભાંડ બહાર આવ્યું
મહેસાણાના બે વ્યક્તિ પાસેથી મોટી રકમ પડાવી તેઓને ઘાના બોલાવવામાં આવ્યા. ત્યાં તેમનો ફ્રોડ પાસપોર્ટ બનાવવામાં આવ્યો અને તેમને એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે ત્વરિત આ લોકોને ભારત ડીપોર્ટ કરી નાંખ્યા હતા. આ બે વ્યક્તિની પૂછપરછ બાદ આ આખું કૌભાંડ બહાર આવ્યું હોવાની વિગત પોલીસે જણાવી છે. જેના કારણે અન્ય લોકો ચોંકી ગયા હતા. તેઓ સુરત આવીને ઇકો સેલમાં ફરિયાદ કરી હતી. પીઆઇ એ.બી.બલોચે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોનો આંકડો મોટો હોવાની શંકા વ્યક્ત કરી છે.

ખોલવડના સ્થાનિક રહીશોએ આખું કૌભાંડ કર્યુ
પ્રાપ્ત વિગતો મુજબ કામરેજના ખોલવડ ગામમાં રહેતા આકીબ આબીદ મુલતાની, કામરેજના વાલક ગામમાં રહેતો સકીલ લતીફ મહિડા તેમજ કામરેજના ખોલવડ ગામમાં જ રહેતો ઇમરાન ફારૂક ઉમરજીએ ભેગા મળી એન્જલ મલ્ટિલિંક નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીની એક ઓફિસ કામરેજ એસટી ડેપોની સામે ધરમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. જ્યારે બીજી ઓફિસ મોટા વરાછામાં શરૂ કરવામાં આવી હતી. આ ટોળકીએ શહેરીજનોને યુરોપ, યુએસએ અને યુકેના વિવિધ દેશોમાં નોકરી તેમજ અભ્યાસ માટે મોકલવાના વિઝા અપાવવાનું કહી લોકોની સાથે ઠગાઇ કરી હતી. શરૂઆતમાં ટોળકીએ તમામને ભારતથી દક્ષિણ આફ્રિકાના ધાના દેશમાં અને ત્યારબાદ તેઓને યુરોપ સહિતના અન્ય દેશોમાં વિઝા અપાવવાના નામે ઠગાઇ કરી હતી. શહેરીજનોને ધાના દેશમાં મોકલ્યા બાદ ત્યાં અલગ અલગ ડોક્યુમેન્ટની માંગણી કરી તેમને રઝળતા મૂકી વિઝા અપાવ્યા ન હતા. આ બાબતે સુરતના ઇકો સેલમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી સકીલ મહિડા તેમજ આકીબ મુલતાનીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંનેના ખાતામાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થયાં છે. જેમાં ડાયરેક્ટ બેંક તેમજ આંગડિયા મારફતે પણ રૂપિયા આવ્યા છે. પોલીસે આ બંને ચીટરની ધરપકડ કરી કંપનીના અન્ય ઇસમોને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચીટર ટોળકીએ સુરતના અંદાજિત 30 જેટલા લોકોને વિદેશમાં મોકલવા માટે રૂ.6.53 કરોડ જેટલી માતબર રકમ મેળવી લીધી હતી. આ આંકડો આગામી દિવસોમાં વધે તેવી પણ શક્યતા છે.

Most Popular

To Top