National

ભારતે કેનેડાનાં વિઝા ફરી શરુ કર્યા: જાણો કઇ કેટેગરીના વિઝા મેળવી શકાશે

નવી દિલ્હી: ખાલિસ્તાની (Khalistan) આતંકવાદી (Terrorist) હરદીપ સિંહ નિજ્જરની હત્યા (Murder) બાદ ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે તણાવ શરુ થઇ ગયા હતા. જો કે, ગયા મહિને કેનેડિયન નાગરિકો માટે વિઝા (Visa) સેવાઓ ઉપર પ્રતિબંધ (Ban) મૂક્યા બાદ ભારતે બુધવારે વિઝા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. કેનેડાએ પણ આ અંગે પોતાની પ્રતિક્રીયા આપી છે. કેનેડાના વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડિયનો માટે ચિંતાજનક સમય પછી સારા સંકેત પ્રાપ્ત થયા છે.

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું, “અમને લાગે છે કે સેવાઓ બિલકુલ સ્થગિત થવી ન જોઈતી હતી. ભારત સાથે ખરેખર ચિંતાજનક રાજદ્વારી પરિસ્થિતિએ ઘણા સમુદાયોમાં ઘણો ભય પેદા કર્યો હતો.” દરમિયાન, ઈમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર અને શીખ નેતા હરજીત સજ્જને જણાવ્યું હતું કે વિઝા પ્રક્રિયા ફરી શરૂ થવી એ સારા સમાચાર છે, પરંતુ નવી દિલ્હી આ જાહેરાત દ્વારા શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે તે અંગે તેઓ અનુમાન કરી શક્યા નથી. વધુમાં તેઓએ કહ્યું ‘ આ જાણીને સારું લાગ્યું કે ભારતે આ સેવાઓ ફરી શરૂ કરી દીધી છે. જો ભારતે સેવાઓને બંધ જ ન કરી હોત તો કેનેડા માટે આ સારું હોત.’

ઓટાવામાં ભારતીય હાઈ કમિશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “કેનેડા દ્વારા કેટલાક તાજેતરના પગલાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યા પછી, નિર્ણય લેવામાં આવ્યો છે કે 26 ઓક્ટોબરથી ભારત અને કેનેડા વચ્ચે પ્રવેશ વિઝા સેવાઓ પૈકી બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા ફરી શરૂ કરવામાં આવશે.

ભારતે ફરી વિઝા સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી
ભારતે કેનેડાના કેટલીક શ્રેણીઓના માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ આદેશ આજથી (26 ઓક્ટોબર 2023)થી લાગુ થશે. જે શ્રેણીઓ માટે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે તેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે. ભારતીય હાઈ કમિશન દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

જણાવી દઇયે કે, 1 સપ્ટેમ્બરના રોજ કેનેડામાં ભારતીયો માટે વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ કોઇક કારણોસર થોડા સમય માટે વીઝા સુવિધાને સ્થગિત કરી દીધી હતી. BLS ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનલ કારણોસર કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી એટલે કે 21 સપ્ટેમ્બર 2023 થી આગળની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે.

Most Popular

To Top