World

થાઈલેન્ડ, શ્રીલંકા, મલેશિયા બાદ વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ પણ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે

નવી દિલ્હી: થાઈલેન્ડ(Thailand), શ્રીલંકા (Shrilanka) અને મલેશિયા (Malaysia) બાદ હવે આ દેશ પણ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી (Visa free entry) આપવાનું વિચારી રહ્યું છે. વિઝા ફ્રી એન્ટ્રી આપી આ દેશ ભારતીય ટુરીસ્ટને આકર્ષવા માંગે છે.

આ દેશ બીજો કોઈ નહીં પરંતુ ઈન્ડોનેશિયા (Indonesia) છે. ઈન્ડોનેશિયા ભારતીય ટુરીસ્ટના વિઝા વિના પ્રવેશ માટે વિચારણા કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નિર્ણયને એક મહિનાની અંદર મંજૂરી આપવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે લીધો છે.

ઇન્ડોનેશિયાના પર્યટન મંત્રી સાંડિયાગા ઉનોએ કહ્યું કે તેમને સરકાર તરફથી કેટલાક દેશોના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરવા માટેના નિર્દેશો મળ્યા છે. ઈન્ડોનેશિયા તેના પ્રવાસન અને અર્થતંત્રને વેગ આપવા માટે અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ કોરિયા, જર્મની, બ્રિટન અને ફ્રાન્સ સહિત 20 દેશોના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશ આપવાનું વિચારી રહ્યું છે.

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાનો આ નિર્ણય પણ મહત્વનો છે કારણ કે તાજેતરમાં મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ મલેશિયાએ પણ ચીની અને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. અગાઉ સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયાએ વિદેશી વ્યક્તિઓ અને કોર્પોરેટ રોકાણકારોને આકર્ષવા માટે ગોલ્ડન વિઝાની જાહેરાત કરી હતી.

જણાવી દઈએ કે થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય પહેલાંથી જ લઈ ચૂક્યો છે. થાઇલેન્ડે ભારત અને ચીન સહિત ઘણા દેશોના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું શરૂ કર્યું છે. થાઈલેન્ડે નવેમ્બરની શરૂઆતમાં વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. ભારતીય પ્રવાસીઓ 10 નવેમ્બર 2023 થી 10 મે 2024 સુધી 30 દિવસ માટે વિઝા વિના પ્રવેશ કરી શકે છે

ઈન્ડોનેશિયામાં પ્રવાસીઓની સંખ્યામાં 124 ટકાનો વધારો
પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ ઇન્ડોનેશિયાના સત્તાવાર આંકડાઓ અનુસાર, કોવિડ રોગચાળા પહેલા, 2019 માં 16 મિલિયનથી વધુ વિદેશી પ્રવાસીઓ ઇન્ડોનેશિયા આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં લગભગ એક કરોડ વિદેશી પ્રવાસીઓ ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. ગયા વર્ષના સમાન સમયગાળા સાથે તેની સરખામણી કરવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 124 ટકાનો વધારો થયો છે.

Most Popular

To Top