Madhya Gujarat

આણંદ જિલ્લા પોલીસ વડાની કચેરી જર્જરિત જાહેર કરાઇ

આણંદ : આણંદ જિલ્લાના વિભાજન બાદ જુદા જુદા વિભાગના વડા માટે એક પછી એક નવી બિલ્ડીંગ બની રહી છે. કલેક્ટર ઓફિસ બાદ જિલ્લા પંચાયત અને હવે જિલ્લા પોલીસ વડા માટે નવી કચેરી માટે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલની કચેરીને પોલીસ આવાસ વિભાગ દ્વારા જર્જરિત જાહેર કરવામાં આવી છે. જેના સ્થાને નવી બનાવવા અને એક જ છત નીચે દરેક વિભાગ આવે તે માટેના એસ્ટીમેન્ટ અને પ્લાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

બૃહદ ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો બન્યાને દોઢ દાયકા જેવો વિતી ગયો છે. આ વિભાજન પહેલા જિલ્લા પોલીસ વડાને તાત્કાલિક જગ્યા ફાળવવામાં બોરસદ ચોકડી ખાતે શાળાની બિલ્ડીંગ આપવામાં આવી હતી. આ બિલ્ડીંગમાં છેલ્લા 15 વરસથી વધુ સમયથી જિલ્લા પોલીસ વડા કાયદો અને વ્યવસ્થા જાળવી રહ્યાં છે. જોકે, થોડા સમય પહેલા પોલીસ આવાસ વિભાગ દ્વારા આ કચેરીને જર્જરિત જાહેર કરવામાં આવી છે. આથી, આ કચેરીને તોડી પાડી તેના સ્થાને નવી જિલ્લા પોલીસ વડાની કચેરી બનાવવા ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે. શાળાના બિલ્ડીંગમાંથી હવે અદ્યતન પોલીસ વિભાગને જરૂરી હોય તેવું નવું બિલ્ડીંગ મળશે. હાલ વિવિધ વિભાગો છુટાછવાયા છે. સ્થાનિક ગુના શોધક શાખા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, એમટી શાખા, ડોગ સ્ક્વોર્ડ, અશ્વ દળ સહિતના વિભાગો એક જ બિલ્ડીંગમાં કાર્યરત થાય અને તેમને જરૂરિયાત મુજબની જગ્યા મળે તે માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યાં છે.

  • માત્ર અડધા કિલોમીટરમાં સરકારી ઓફિસો બનશે – બોરસદ ચોકડી નજીકના અડધા કિલોમીટરમાં મોટાભાગની સરકારી ઓફિસોને આવરી લેવામાં આવી છે. કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ ઉપરાંત જિલ્લા સેવા સદન નજીકમાં જિલ્લા પંચાયત અને હવે જિલ્લા પોલીસ વડા કચેરી નવી બનશે.
  • આણંદમાં રાજ્યનું પ્રથમ પોલીસ ડોગ માટે ઓલ્ડએજ હોમ બન્યું – રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાના ઉકેલ માટે ડોગ સ્ક્વોર્ડની મદદ લેવામાં આવે છે. ખાસ કરીને ચોરી, લૂંટ, હત્યા સહિતના કેસમાં ડોગ સ્કવોર્ડ મહત્વપૂર્ણ બની રહે છે. જોકે, દસથી બાર વરસની ઉંમરે આ ડોગને સેવા નિવૃત્ત કરવામાં આવે છે. આ નિવૃત્તિ બાદ ડોગનું જીવન દુષ્કર બની જાય છે. આ ડોગને અધિકારીનું રેન્કીંગ આપવામાં આવેલું હોય છે. જેથી સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રાજ્યમાં પ્રથમ વખત પોલીસના નિવૃત્ત થતાં ડોગ માટે ઓલ્ડએજ હોમ આણંદમાં બનાવવામાં આવ્યું છે. આણંદ પોલીસ હેડક્વાર્ટર ખાતે બનેલા રાજ્યના પ્રથમ અને દેશના બીજા પોલીસ ઓલ્ડએજ ડોગ હોમ્સનું 25મી જુલાઇના રોજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. અહીં પ્રથમ તબક્કે 20થી 25 જેટલા ડોગની સંભાળ રાખવામાં આવશે. બાદમાં નવી મોટી જગ્યા મળતાં તેનું વિસ્તરણ કરી પોલીસ ઉપરાંત પેરા મીલીટ્રી ફોર્સ, મીલીટ્રી ફોર્સના ડોગ પણ રાખવામાં આવશે. આ અંગે જિલ્લા પોલીસ વડા અજીત રાજીયને જણાવ્યું હતું કે, રાજ્યામાં હાલ 143 જેટલા પોલીસ ડોગ છે. જેમાં લેબરાડોર, જર્મન, બેલ્જીયમ સહિતની બ્રિડના ડોગનો સમાવેશ થાય છે. પોલીસમાંથી નિવૃત્ત થતાં ડોગની તાલીમ એવા પ્રકારની હોય છે કે તેઓ જલ્દી પારિવારીક થઇ શકતાં નથી. આથી, તેઓ નિવૃત્ત થયા બાદ તેને દત્તક લેનારા પરિવાર મુશ્કેલીમાં મુકાય છે. આ બાબતે કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ પ્રયત્ન કર્યાં હતાં. પરંતુ તેઓને પણ સફળતા મળી નથી. આથી, હવે નિવૃત્ત થતાં ડોગને ઓલ્ડએજ માં સારસંભાળ રાખવામાં આવશે.

Most Popular

To Top