Editorial

સરકાર પોર્નોગ્રાફીના ધંધાને ઝડપથી અટકાવશે નહીં તો ગુનાખોરી વધશે

વિશ્વમાં જો ઓનલાઈનમાં સૌથી વધુ જોવાતું કોઈ કન્ટેન્ટ હોય તો તે પોર્નોગ્રાફી છે. પોર્નોગ્રાફીને કારણે અનેક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ધૂમ કમાણી થાય છે. અત્યાર સુધી આ દૂષણ વિદેશોમાં જ હતું. મતલબ કે પોર્નોગ્રાફી જોવાતી આખા વિશ્વમાં હતી પરંતુ તેનું શુટિંગ મોટાભાગે વિદેશોમાં જ થતું હતું પરંતુ જે રીતે આ ધંધામાં કરોડોની કમાણી હતી તે જોતાં વહેલા મોડું તે ભારતમાં આવવાની વકી હતી જ. ભારત પ્રમાણમાં રૂઢિચુસ્તોનો દેશ છે.

જેને કારણે પોર્નોગ્રાફીનો એટલો વાવર ભારતમાં જોવા મળતો નહોતો પરંતુ છેલ્લા કેટલાક સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના વાયરા ભારતમાં પણ વાયા હતાં અને પોર્નોગ્રાફીના કેસ થવા લાગ્યાં હતાં. ભારતમાં છાને ઠેકાણે પોર્નોગ્રાફી માટે શુટિંગો થતાં હતાં પરંતુ ઓર્ગેનાઈઝ્ડ રીતે પોર્નોગ્રાફીના શુટિંગ થાય અને તેને વેબસાઈટ કે મોબાઈલ એપ પર મુકવામાં આવે તેવા કેસ જોવા મળતા નહોતા. થોડા સમય પહેલા સુરતમાંથી પોર્નોગ્રાફીના કેસમાં તન્વીરની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસ તન્વીરને પકડી ગઈ હતી. તન્વીરના કેસની જે વિગતો બહાર આવી તેના પરથી એવી ખબર પડવા માંડી હતી કે ભારતમાં પણ ઓર્ગેનાઈઝ્ડ રીતે પોર્નોગ્રાફીનું શુટિંગ અને તેને વિદેશોમાં વેચવા માટેની ગેરકાયદે પ્રવૃત્તિ ધીરેધીરે ફુલીફાલી રહી છે. અને જ્યારે રાજ કુન્દ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફીમાં ધરપકડ કરી ત્યારે આ વાત ચોક્કસ થઈ જવા પામી હતી.

પોર્નોગ્રાફી લોકોને ગલગલીયા કરાવતી હોવાને કારણે તેનો વ્યાપ ઘટવાની કોઈ જ શક્યતા નથી. અનેક દેશોમાં તેને કાયદેસરની માન્યતા પણ આપી દેવામાં આવી છે. હાલમાં કેટલીક ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી વેબસિરીઝને પણ હાફ પોર્નો જેવી જ ગણી શકાય તેમ છે. લોકોને આવું ગમતું હોવાને કારણે હવે સાફસુથરી ફિલ્મનો બાજુ પર મુકાઈ રહી છે અને આવી વેબસિરીઝનો વ્યાપ વધી રહ્યો છે. રાજ કુન્દ્રા દ્વારા મેનેજ્ડ રીતે આખો ધંધો કરવામાં આવતો હોવાનું મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે શોધી કાઢ્યું છે અને જે રીતે તેની વધુને વધુ વિગતો બહાર આવી રહી છે તેમાં અનેક નવા ફણગા પણ ફૂટી રહ્યાં છે.

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના ધંધાથી રોજના સાતથી આઠ લાખ રૂપિયા કમાતો હતો. રાજ કુન્દ્રાને જ્યારે કપિલ શર્મા દ્વારા તેના શોમાં પુછવામાં આવ્યું કે તે કશું કામ કરતો નહીં હોવા છતાં પણ કેવી રીતે કમાઈ છે? તે સમયે રાજ કુન્દ્રા દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો પરંતુ હવે મુંબઈ પોલીસની તપાસે તે શોધી કાઢ્યું છે. હાલમાં રાજ કુન્દ્રાના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે આ એક સ્કેમ પકડાયું છે તેવી રીતે ભારતમાં અનેક લોકો આવો પોર્નોગ્રાફીનો ધંધો કરતાં હશે. પોર્નોગ્રાફીને કારણે ગુનાખોરીમાં મોટો ઉછાળો પણ જોવા મળી રહ્યો છે.

બળાત્કાર અને છેડતીના કેસ વ્યાપક રીતે વધી રહ્યાં છે. દેશમાં રોજ સેંકડો બળાત્કાર થાય છે અને તેની પાછળ મોટાભાગે પોર્નોગ્રાફી જવાબદાર હોય છે. વિદેશમાં પોર્નોગ્રાફી હોવા છતાં પણ ભારત જેટલા બળાત્કારના કેસ જોવા મળતાં નથી અને તેને કારણે જ ભારતે વધારે ચેતવાની જરૂરીયાત છે. ભારત સરકારે હવે આ મામલે ગંભીર થવાની જરૂરીયાત છે. જે રીતે વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં પોર્નોગ્રાફીના નામે ગંદકી પીરસવામાં આવી રહી છે તેને સરકારે અટકાવવી જરૂરી છે અને જો નહીં અટકાવી શકે તો તેને નિયંત્રિત કરવાની તાતી જરૂરીયાત છે. રાજ કુન્દ્રાનો કેસ એક દાખલો છે પરંતુ તેના જેવા અનેક છે. ભારત સરકાર વેળાસર નહીં જાગે તો પોર્નોગ્રાફીનો ધંધો અનેકની જિંદગી બગાડશે તે નક્કી છે.

Most Popular

To Top