Madhya Gujarat

કિશોરી પર દુષ્કર્મ કેસમાં દસ વરસની સખત કેદ

નડિયાદ: કઠલાલના ઘોઘાવાડામાં રહેતાં એક શખ્સે ગામમાં જ રહેતી ૧૭ વર્ષીય કિશોરીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા કરી હતી. કઠલાલ તાલુકાના ઘોઘાવાડા તાબે સીંઘાલીયાની મુવાડીમાં રહેતાં અરવિંદભાઈ જયંતિભાઈ સોઢાપરમાર ગત તા.૨૦-૫-૨૦ ના રોજ મોડી સાંજના સમયે પોતાના ગામમાં જ રહેતી ૧૭ વર્ષીય કિશોરીને લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો. જે બાદ કિશોરીને વિવિધ ઠેકાણે લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે કિશોરીના માવતરે જે તે વખતે કઠલાલ પોલીસમથકમાં ફરીયાદ આપતાં પોલીસે અરવિંદ સોઢાપરમાર વિરૂધ્ધ ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોક્સો એક્ટની કલમ ૩(એ), ૪, ૧૨ મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસ નડિયાદના સ્પે.પોક્સો ન્યાયાધીશ ડી આર ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો.  સરકારી વકીલ ગોપાલ વી ઠાકુરે ૭ સાહેદોના પુરાવા, ૨૫ દસ્તાવેજી પુરાવા તેમજ ધારદાર દલીલો રજુ કરી હતી. જે ન્યાયાધીશે માન્ય રાખી હતી અને આરોપી અરવિંદભાઈ જયંતિભાઈ સોઢાપરમારને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.૪૫ હજારનો દંડ ફટકાર્યો છે.

  • કયાં ગુનામાં કેટલી સજા
  • – ઈપીકો કલમ ૩૬૩ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા, તેમજ રૂ.૧૦,૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
  • – ઈપીકો કલમ ૩૬૬ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા, તેમજ રૂ.૧૦,૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
  • – ઈપીકો કલમ ૩૭૬(૨)(એન) ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા, તેમજ રૂ.૧૦,૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
  • – પોક્સો એક્ટની કલમ ૩(એ) સાથે વાંચતા કલમ ૪ ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા, તેમજ રૂ.૧૦,૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજા
  • – પોક્સો એક્ટની કલમ ૧૨ ના ગુનામાં ૩ વર્ષની સખત કેદની સજા, તેમજ રૂ.૫,૦૦૦ દંડ, જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા
  • નાસતાં-ફરતાં આરોપીની ગેરહાજરીમાં સજાનો હુકમ – કઠલાલ તાલુકાના ઘોઘાવાડા તાબે સીંઘાલીયાની મુવાડીમાં રહેતાં અરવિંદભાઈ સોઢાપરમાર વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બનાવના ૧૪ મહિના બાદ આ કેસ અંગે કોર્ટમાં ચુકાદો હતો. જોકે, આરોપી અરવિંદ છેલ્લાં ઘણાં સમયથી પોલીસ પકડથી દુર નાસતો ફરી રહ્યો હોવાથી ચુકાદા સમયે કોર્ટમાં ગેરહાજર હતો. હાલ, પોલીસે આરોપી અરવિંદને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
  • આરોપી તથા સરકાર તરફથી ભોગ બનનાર કિશોરીને વળતર પેટે ૩ લાખ રૂપિયા મળશે- દુષ્કર્મના ગુનાનો આરોપી અરવિંદ સોઢાપરમારે ભોગ બનનાર કિશોરીને વળતર પેટે રૂ.૧,૦૦,૦૦૦ ચુકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે. તદુપરાંત કિશોરીને ગુજરાત સરકારના નોટીફિકેશન મુજબ રૂ.૨,૦૦,૦૦૦ મળશે. આમ કિશોરીને વળતર પેટે કુલ રૂ.૩,૦૦,૦૦૦ મળશે.

Most Popular

To Top