Business

પાલિકા સંકુલમાં જ નિયમનો ખુલ્લેઆમ ભંગ

વડોદરા :પર્યાવરણની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે 1મી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધનો સંપૂર્ણ અમલ કરાવવા માટે વડોદરા મહાનગરપાલિકા તંત્રએ કમર તો કસી લીધી છે.પરંતુ પાલિકાના જ દિવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે.પાલિકાની બારીઓમાંથી જ માર્કેટમાં વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે.જોકે સ્પષ્ટ ગાઈડ લાઈન નહીં આવવાના કારણે અસમંજસ સર્જાયું છે.

1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક, સ્ટ્રો,પ્લાસ્ટિકની લાકડીઓ,થર્મોકોલ જેવી વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.હકીકતમાં, પ્લાસ્ટિકની આ વસ્તુઓને કારણે ઝડપથી વધી રહેલા કચરાને અને પ્રદૂષણને રોકવાને ધ્યાનમાં રાખીને આ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ત્યારે સ્વચ્છ ભારત મિશન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરવા ઉપર વડોદરા મહાનગરપાલિકાએ પણ પ્રતિબંધ મૂકતી જાહેર નોટિસ જારી કરી હતી.

જેમાં જણાવાયું હતું કે સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારત સરકારે તારીખ 18 માર્ચ 2016ના રોજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો જાહેર કર્યા છે.જે સંદર્ભે પાલિકા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ મંજૂર કર્યા છે.કેન્દ્ર સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા તારીખ 21 જાન્યુઆરીથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી ઈકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓનો વપરાશ વધે તે માટે ગાઇડલાઇન પ્રસિદ્ધ કરી છે. પ્લાસ્ટિક ફ્રી ભારત અભિયાન અંતર્ગત વડોદરા શહેરને પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવા ઝુંબેશ શરૂ કરશે.

જે માટે જાહેર કાર્યક્રમો અને સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક વખત ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક જેમકે પ્લાસ્ટિકના કપ, પ્લાસ્ટિકની ડીશ, ગ્લાસ, ચમચી, સ્ટ્રો, બાઉલ, કન્ટેનર, થરમોકોલ, કપ, ડીશ, ફુડ પેકેજીંગ, પ્લાસ્ટિક, પ્લાસ્ટિકના ફૂલો, ઝંડા, બેનર, ફોલ્ડર, કેરી બેગ વગેરેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે તો પાલિકા તેની સામે દંડાત્મક કાર્યવાહી કરશે.સિંગલ યુઝ પ્લાસ્ટિકને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવા સુચના આપી છે.જોકે બીજી તરફ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધના શહેરમાં લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે.શહેરના બજારોમાં દુકાનોમાં હજી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે. મહત્વની બાબત તો એ છે કે પાલિકા તંત્રની બારીઓમાંથી જ માર્કેટમાં વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.જેને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

Most Popular

To Top