Charchapatra

એક યુવાનનું પ્રેરણાદાયક કાર્ય

લખતર તાલુકાના ઢાંકી ગામના સુરેશભાઇ નામના યુવાને અન્ય યુવાનોને પ્રેરણા મળે તેવું અદભૂત સેવાકાર્ય કર્યું છે. ગયુ ચોમાસુ નબળુ ગયું હોવાથી ગામનું તળાવ લગભગ ખાલી થઇ ગયું હતું. બાજુમાં જ ઉમઇ નદીમાં વહી જતા પાણીને જોઇને તેને વિચાર સ્ફુર્યો કે આ પાણીને તળાવ તરફ વાળીએ તો ગામના લોકોની પાણીની સમસ્યા દૂર થાય. આ વિચાર તેણે ગામના સરપંચ સમક્ષ રજુ કર્યો અને સરપંચે પણ સહકાર આપવા કહ્યું. હવે સુરેશભાઇએ નદીના વહી જતા પાણી આડે પાળા બાંધવાનું શરૂ કર્યું. રોજના ૧૦ થી ૧૨ કલાકના શ્રમ બાદ ૨૯ દિવસમાં પાળા બાંધવાનું કાર્ય તેણે એકલે હાથે પુરુ કર્યું. હવે ઉમઇ નદીનું પાણી તળાવમાં આવતું થયું અને તળાવ ભરાઇ ગયું. ગામની  લગભગ ૧૮૦૦ જેટલી વસતીને તથા ૨૦૦૦ જેટલા પશુધનને પીવા તથા વાપરવા માટે પડતી પાણીની મુશ્કેલી આ યુવાનની મહેનતથી દૂર થઇ! હાલ પરીક્ષા ચાલુ છે અને એપ્રિલના મધ્યમાં શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓને વેકેશન પડશે. આ રજાના દિવસો દરમ્યાન યુવાનો કોઇ રચનાત્મક કાર્ય અંગે વિચારી શકે. ઘણી ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકો ધૂળમાં આખો દી રમ્યા કરતા હોય છે. આ બાળકોને કમસે કમ લખતા – વાંચતા જેટલું પણ શિક્ષણ અપાય તો યુવાનોની ઘણી મોટી સમાજ સેવા થયેલી ગણાશે. આવા તો અનેક રચનાત્મક અને સામાજીક સેવાના કાર્યો યુવાનો વેકેશન દરમ્યાન કરી શકે!
સુરત     – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top