Madhya Gujarat

અમુલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના પ્રથમ માસે 100 મેટ્રિક ટન વેચાણ

આણંદ : ગુજરાત ફર્ટિલાઇઝર ડિલર એસોસીએશનના 800થી વધુ ડિલર મિત્રો છે, જેમાં પ્રથમ દિવસે 150થી વધુ ડિલર મિત્રોએ અમૂલ ડેરીના સહયોગ થકી આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીની મુલાકાત કરી હતી અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની માહિતી મેળવી હતી. જેમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના મદદનીશ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી, સરદાર સ્મૃતિ કેન્દ્રના ડો. મુકેશભાઈ પટેલ હાજર રહ્યાં હતાં.  જોકે, બીજા દિવસે પણ અમૂલ ડેરી ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું. અમૂલ ડેરી ખાતે યોજાયેલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝ ડિલરના સંમેલનમાં તુલસી અને ગુલાબના છોડને અમૂલ ઓર્ગેિક ફર્ટિલાઇઝર આપી પાણી આપી સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસ, સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ડો. ગોપાલ શુકલા તેમજ સેલ્સ એન્ડ માર્કેટિંગના અધિકારી હાજર રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, અમુલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના લોન્ચ કર્યાના એક જ મહિનામાં અમૂલ દ્વારા 100 મેટ્રિક ટનથી વધુ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું વેચાણ કરવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં 300 મેટ્રિક ટન વેચાણ કરવાનો લક્ષ્યાંક છે. આ સંમેલનમાં અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની વિશેષતા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની ત્રણ પેદાશો માર્કેટમાં ઉપલબ્ધ છે. જેને ખેડૂતોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે, જેને ધ્યાને લઇ હજુ બીજી બે નવી પેદાશોને લોન્ચ કરવાનું આયોજન કરાયું છે. જે ટુંક સમયમાં બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવશે. આ પ્રસંગે અમિત વ્યાસે જણાવ્યું હતું કે, ખેડૂતોએ ડ્રોનના ઉપયોગ થકી પાકમાં ખાતર અને દવાનો છંટકાવ કરવો તેમજ આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને અમૂલ ડેરીના સહયોગથી ખેડૂતોને ગુણવત્તા યુક્ત વધુ ઉપજ આપે તેવા બિયારણ ઉપલબ્ધ કરાવવા માટે આયોજન કરવામાં આવશે. જેથી ખેડૂતોને ખેતી ખર્ચ ઘટશે અને આવક વધશે. અા પ્રયોગથી ખેડૂતની આવક બમણી થશે.

Most Popular

To Top