Gujarat

ચરોતર ઠંડુગાર, મોસમમાં પ્રથમ વખત 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું

આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં સોમવારના રોજ હીમ પવન ફુંકાતા લોકો થરથરી ગયાં હતાં. જ્યારે તાપમાનનો પારો પણ ગગડીને 9 ડિગ્રી પહોંચતાં શિયાળાની ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ઉતર ભારતમાં ભારે હિમવર્ષા થઇ છે અને હાલ હવાનું જોર ઉતર પુર્વ તરફ રહેતા ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને છેલ્લા બે જ દિવસમાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચે જતા રહેતા સમગ્ર ચરોતરમાં લોકો ઠંડીમાં નજરે પડ્યા છે. ચરોતરમાં ડિસેમ્બરથી શરૂ થયેલી ફૂલગુલાબી ઠંડી ધીમે ધીમે અસલ સ્વરૂપ લઇ રહી છે, થોડા સમય પહેલા વાદળછાયું વાતાવરણ થયું હતું તે દરમિયાન ઠંડી ઓછી હતી.

પરંતુ હવે ધીમે ધીમે તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને સોમવારે 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે ચરોતરવાસીઓ ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ગરીબ લોકો વધતી ઠંડીના કારણે તાપણું કરીને તેની આસપાસ બેસેલા જોવા મળે છે. છેલ્લા બે દિવસથી સતત તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જ્યારે સોમવારના રોજ તાપમાનમાં ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જે આવનારા સમયમાં કડકડતી ઠંડી પડવાના એંધાણ આપી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉતર ભારતમાં ભારે હિમવર્ષા થતા તેની અસર ચરોતરમાં જોવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉતર પુર્વનો પવન ફુકાતા લોકો ઠંડીથી થથરી ઉઠ્યા છે.

Most Popular

To Top