ટ્રમ્પ પ્રશાસને ફરી આપી રશિયન તેલ ખરીદીમાં છૂટ, વૈશ્વિક બજારમાં મોટી અસરની આશંકા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા હોર્મુઝ જળસંધિ સંકટ વચ્ચે અમેરિકાએ પોતાની તેલ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉ રશિયન તેલ ખરીદી પર લાગેલી છૂટ (waiver) બંધ કરવાની જાહેરાત કર્યા બાદ હવે Donald Trumpના પ્રશાસને ફરી એકવાર કેટલાક દેશોને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપીને “U-ટર્ન” લીધો છે. આ નિર્ણય વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
અમેરિકાના ટ્રેઝરી વિભાગ દ્વારા આપવામાં આવેલી નવી છૂટ મુજબ દેશોને રશિયન કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવાની મંજૂરી 16 મે 2026 સુધી વધારવામાં આવી છે. અગાઉ 11 એપ્રિલે સમાપ્ત થયેલી છૂટને નવી અવધિ આપવાનો નિર્ણય અચાનક લેવાયો હોવાથી તેને અમેરિકાની નીતિમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ, હોર્મુઝ જળસંધિ વિસ્તારમાં વધતા તણાવ અને અમેરિકાના ઈરાન સાથેના સંઘર્ષના કારણે વૈશ્વિક તેલ સપ્લાય પર ગંભીર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં ઊર્જા કિંમતોમાં અચાનક વધારો ન થાય અને બજારમાં પુરવઠો જળવાઈ રહે તે માટે અમેરિકા દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ખાસ કરીને ભારત સહિત ઘણા દેશો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે અગાઉ આપવામાં આવેલી છૂટના કારણે અનેક દેશોએ વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અછત વચ્ચે રશિયન તેલ ખરીદી ચાલુ રાખી શક્યા હતા. હવે નવી છૂટ મળતા ફરીથી સપ્લાય ચેઇન સ્થિર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે અમેરિકાના નિર્ણયને લઈને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચર્ચા તેજ બની છે. કેટલાક નેતાઓએ આ છૂટને રશિયા સામે લાગેલી પ્રતિબંધ નીતિને નબળી પાડનાર ગણાવી છે અને તેની ટીકા પણ કરી છે.
ખાસ કરીને યુક્રેન યુદ્ધના સંદર્ભમાં આ નિર્ણયને લઈને પશ્ચિમી દેશોમાં મતભેદ જોવા મળી રહ્યા છે.હોર્મુઝ સંકટ, ઈરાન-અમેરિકા તણાવ અને વૈશ્વિક તેલ સપ્લાય પર પડતા પ્રભાવ વચ્ચે અમેરિકાનો આ તાજેતરનો નિર્ણય આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર અને રાજકીય સમીકરણો પર મહત્વપૂર્ણ અસર પાડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.