Gujarat

અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ: જય અંબેના જયઘોષથી યાત્રાધામ ગુંજી ઉઠ્યું

ગાંધીનગર: વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના (Bhadarvi Poonam Melo) મહામેળાનો આજે અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેન્કેટેશ માર્બલ નજીક આનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં પ્રારંભ થયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા (Banaskantha) જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે શ્રીફળ વધેરી માતાજીના રથને થોડેક સુધી દોરીને ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા. ત્યારબાદ કલેક્ટર સહિત મહાનુભાવોએ સેવા કેમ્પમાં શાસ્ત્રોક્ત રીતે ભક્તિભાવથી માતાજીની પૂજા- અર્ચના કરી મેળાની સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ નિવડે એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

કલેકટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, આજથી સાત દિવસીય અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને ખુબ મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી આવવાની શરૂઆત થઈ ગઈ છે. મેળામાં આવતા માઈભક્તોની સેવામાં ખરા ઉતરવા અમને માતાજી શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી છે. ભાદરવી પૂનમનો મેળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

અંબાજી ભાદરવી મેળો શરૂ થતા અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત- દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થશે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો જય અંબે…ના જયઘોષ સાથે અંબાજી પંહોચી રહ્યા છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોની સુવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે.

એક જ સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠના દર્શન માટે વર્ચ્યુઅલ રિયાલીટી કેન્દ્ર શરૂ કરાયું
મેળામાં આ વખતે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. આસ્થા સાથે મેળાનું આકર્ષણ જળવાઈ રહે એવા નવીન અભિગમને ધ્યાનમાં રાખી યાત્રિકો અને માઇભક્તો મેળામાં એક સ્થળેથી અંબાજી મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતના મંદિરોના દર્શન કરી શકે એ માટે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્રની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનું આજે મેળાના પ્રારંભે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન, કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓ, લોકોની રહેવા, જમવાની અને વિશ્રામ એમ તમામ પ્રકારની સવલતો સચવાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભાતીગત મેળામાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લોકોને તમામ સુવિધાઓ સાથે મનોરંજન અને આકર્ષણ આપવા વોટ્સએપ ચેટ બોટ, કયું આર કોડ, ગુગલ મેપ્સ જેવી આજના યુગની અનિવાર્ય ટેકનોલોજીની સાથે વર્ચુઅલ રિયાલિટીનો અદભુત અનુભવ મળે એવો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેના થકી યાત્રિકો સમગ્ર મેળાના મહોલનો વર્ચ્યુઅલ અનુભવ એક જ સ્થળે બેસીને માણી શકે છે. વાસ્તવિક મેળો અને તેની વર્ચ્યુઅલ અનુભૂતિના અદભુત સમન્વયથી અંબાજી મેળાનું આકર્ષણ વધશે અને મેળાની લોકપ્રિયતાને નવી ઊંચાઈ મળશે.

Most Popular

To Top