એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાની માઠી દશા બેઠી હોય તેમ લાગે છે. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બાદ એક બાદ એક એર ઈન્ડિયાની ફ્લાઈટ નાની મોટી ઘટનાનો ભોગ બની રહી છે, તેના લીધે અનેક ફ્લાઈટ્સ રદ કરવાની એરલાઈન્સને નોબત આવી છે. આજે આવી જ એક ઘટના પૂણેમાં બની હતી. જોકે સદ્દનસીબે મુસાફરોનો જીવ બચી ગયો હતો.
આજે તા. 20જૂન 2025ને શુક્રવારના રોજ દિલ્હીથી પુણે જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI2470 સાથે હવામાં પક્ષી અથડાયું હતું. જોકે, મોટી દુર્ઘટના ટળી હતી. પાયલોટે પ્લેનને પૂણે એરપોર્ટના રનવે પર સફળતાપૂર્વક લેન્ડીગ કરાવ્યું હતું. ત્યાર બાદ તપાસ કરતા પ્લેન બર્ડ હીટનો ભોગ બન્યું હોવાની ઘટના સામે આવી હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલાં રૂપે પુણેથી દિલ્હી જવા માટેની રિટર્ન ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. એરલાઈન્સ કંપનીએ માહિતી આપી છે કે તે વિમાનને હાલ પૂરતું ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. તેની સંપૂર્ણ ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.
એર ઇન્ડિયાની એન્જિનિયરિંગ ટીમે પ્લેનના એન્જિન અને અન્ય મશીનોના ભાગોની વિગતવાર તપાસ હાથ ધરી છે, જેથી આવનારા સમયમાં આવી કોઈપણ મુશ્કેલી ઊભી ન થાય.
મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ જણાવ્યું કે મુસાફરો માટે રહેવાની અને અન્ય જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં રિફંડ અને રિ-શેડ્યુલિંગની પણ સગવડ આપવામાં આવી રહી છે. જેથી મુસાફરોને અનાવશ્યક હાલાકીનો સામનો ન કરવો પડે.
અગાઉના વર્ષોમાં પણ પક્ષી અથડાવાની ઘટનાઓ સામે આવી છે. તેનાથી વિમાનોની સુરક્ષા માટે હંમેશા સતર્ક રહેવાની જરૂરિયાત વધે છે. એરલાઇન અને એરપોર્ટ ઓથોરિટીઝ તરફથી આવા બનાવોને અટકાવવા માટે અલગ અલગ ટેક્નિક્સ અને ઉપાયો અજમાવવામાં આવે છે. નાની લાગતી ઘટનાઓ પણ એવિએશન સેક્ટરમાં કેટલી ગંભીર બની શકે છે. સદભાગ્યે કોઇ જાનહાનિ નહિ થતાં મોટી દુર્ઘટના ટળી છે.
