Sports

સદી ફટકાર્યા બાદ યશસ્વી આઉટ થયા વિના કેમ મેદાન છોડી જતો રહ્યો? જાણો શું થયું

રાજકોટ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં ચાલી રહી છે. આજે 17 ફેબ્રુઆરીએ મેચનો ત્રીજો દિવસ છે. આ મેચમાં ભારતીય ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન સાથે 190 રનને પાર કરી ગયો છે. શુભમન ગિલ અને કુલદીપ યાદવ ક્રિઝ પર ઉભા છે. દિવસના અંતે ભારતનો સ્કોર બે વિકેટે 196 રન હતો. આ સાથે ભારતની લીડ 322 રનની લીડ થઈ છે.

દરમિયાન મેચના ત્રીજા દિવસે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે 122 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં 9 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વીની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી હતી. જોકે, સદી પૂરી કર્યા બાદ આઉટ થયા વિના જ યશસ્વી મેદાન છોડી જતો રહ્યો હતો.

જો કે, યશસ્વી જયસ્વાલ સદી ફટકાર્યા બાદ લાંબા સમય સુધી મેદાન પર ઉભો રહી શક્યો ન હતો. યશસ્વી જયસ્વાલને બેટિંગ કરતી વખતે પીઠનો દુ:ખાવો થતો હતો અને તેના ડાબા પગના સ્નાયુ ખેંચાઈ ગયા હતા. તેથી આખરે તે રિટાયર્ડ હર્ટ થયો હતો. યશસ્વીએ 133 બોલમાં 104 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ઘટના ભારતના દાવની 42મી ઓવર પછી બની હતી. તે ઓવર પૂરી થયા પછી યશસ્વી મેદાન પર સૂઈ ગયો. યશસ્વીને તેની પીઠ અને ડાબા પગમાં દુખાવો થતો હતો. આવી સ્થિતિમાં ટીમના ફિઝિયો મેદાનમાં આવ્યા અને યશસ્વીની મદદ કરી. ફિઝિયોની સારવાર પછી, યશસ્વીએ થોડા બોલ રમ્યા, પરંતુ તે પીડામાં દેખાઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે મેદાનમાંથી બહાર આવવું જ શ્રેષ્ઠ માન્યું હતું.

આ મેચમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રન પર સમેટાઈ ગયો હતો. આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ દાવના આધારે 126 રનની મોટી લીડ મળી હતી. જોકે, પહેલી ઈનિંગમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા સસ્તામા આઉટ થઈ ગયા હતા. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ધીમી રમત દાખવી હતી. એકવાર સેટ થયા બાદ જયસ્વાલે ફટકા મારવાનું શરૂ કર્યું હતું અને પોતાની સદી પૂરી કરી હતી. તેની પાછળ ગિલે પણ હાફ સેન્ચુરી ફટકારી હતી.

Most Popular

To Top