Dakshin Gujarat

ઉમરગામના સરઈમાં બે બાઈક સામસામે અથડાતા પિતા-પુત્ર સહિત ત્રણના મોત

ઉમરગામ : ઉમરગામ તાલુકાના સરઈ ફાટકથી મમકવાડા જતા નર્સરી પાસે પૂરપાટ ઝડપે હંકારી રહેલા બાઈકચાલકે સામેથી આવતી બાઈકને (Bike) અડફેટે લીધી હતી. જે અકસ્માતમાં (Accident) પિતા-પુત્ર તથા અકસ્માત કરનાર બાઈકચાલકનું મોત (Death) નિપજ્યું હતું. જ્યારે દિકરી ઈજાગ્રસ્ત બની હતી. જે બનાવ અંગેની ફરિયાદ મૃતકના ભત્રીજાએ ઉમરગામ પોલીસ મથકમાં (Police Station) કરી હતી.

ઉમરગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ઉમરગામ તાલુકાના મમકવાડા, વાવર ફળિયામાં ચેતન દિપકભાઈ દુબળા (ઉં.આ.23) પરિવાર સાથે રહે છે. તેમના કાકા ચંપક લલ્લુભાઈ દુબળા, તેમનો પાંચ વર્ષીય દિકરો સ્મિત અને બહેનની દિકરી જીનલ સાથે તેઓ બાઈક નં. જીજે-15 એએમ-2894 લઈ સરઈ ફાટક પાસે આવેલી દુકાનમાં ઘરનો સામાન લેવા માટે ગયા હતાં.

રાત્રીના આશરે આઠેક વાગ્યે તેઓ બાઈક લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મમકવાડા નર્સરી પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બાઈક નં. જીજે-15 ડીઆર-3500 ની ટક્કર લાગી હતી. જે અકસ્માત કરનાર બાઈકચાલક નિલેશ ભરતભાઈ હળપતિ (રહે. સરોન્ડા ગામ, તરીજપાડા, તા.ઉમરગામ)હોવાનું જાણવા મળ્યું હતું. જોરદાર થયેલા અકસ્માતમાં ચંપકભાઈના માથા અને મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનો દિકરો સ્મિત તથા બહેનની દિકરી જીનલ બેહોશ હાલતમાં હતી. જ્યારે અકસ્માત સર્જનાર બાઈકચાલક નિલેશ પણ બેહોશ હાલતમાં પડ્યો હતો.

ઈજાગ્રસ્તોને તરત જ 108 એમ્બ્યુલન્સ સેવા આપી ઉમરગામ ગાંધીવાડી હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે ચંપકભાઈને મૃત જાહેર કર્યા હતાં. જ્યારે પુત્ર સ્મિતને ભિલાડ સીએચસી બાદ વલસાડ સિવિલ લઈ ગયા હતા. જ્યાં તેમનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર બાઈકચાલક નિલેશ હળપતિનું પણ મોત નિપજ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ મૃતકના ભત્રીજા ચેતન દુબળાએ ઉમરગામ પોલીસ મથકમાં કરી હતી.

સિદુમ્બરમાં બા બાઈક અકસ્માતમાં એક ઈસમનું મોત, બે ઈજાગ્રસ્ત
ધરમપુર : ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામે, દુકાન ફળિયા પાસે બે બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક પાછળ બેસેલા એક ઈસમનું મોત નિપજ્યું હતું. જ્યારે બંને બાઈક ચાલકો ઈજાગ્રસ્ત બન્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ મૃતકના જમાઈએ ધરમપુર પોલીસ મથકમાં કરી હતી.

ધરમપુર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ, ગોમતીપાડા ફળિયામાં હસમુખ રાજુભાઈ મુહુડકર (ઉં.આ.35) પરિવાર સાથે રહે છે. તેમના સસરા મરૂભાઈ બાબલીયાભાઈ દળવી તથા જમાઈ ભાવેશ પાંડુભાઈ કળવે (રહે. રાજપુરી જંગલ, તા.ધરમપુર) સાથે બાઈક નં. જીજે-15 ડી-5672 લઈ ધરમપુરથી પરત ફરી રહ્યા હતા ત્યારે સિદુમ્બર, દુકાન ફળિયા પાસે આવધા તરફથી પૂરપાટ ઝડપે દોડી રહેલી બાઈક નં. જીજે-21 બીએમ-9928 ની ટક્કર લાગતા અકસ્માતમાં સસરા-જમાઈ તથા અકસ્માત સર્જનાર બાઈકચાલક પ્રદિપ પાંડુભાઈ ગાંવિત (રહે. કોશીમપાડા, તા.ધરમપુર) ઈજાગ્રસ્ત બન્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. સસરા મરૂભાઈને છાતી અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ જમાઈ હસમુખ મુહુડકરે ધરમપુર પોલીસ મથકમાં કરી હતી.

Most Popular

To Top